બ્રાવો અનુષ્કા, ડૉક્ટર ડૉટરે આપી પપ્પાને અનોખી શ્રદ્ધાંજલિ

02 August, 2020 08:00 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

બ્રાવો અનુષ્કા, ડૉક્ટર ડૉટરે આપી પપ્પાને અનોખી શ્રદ્ધાંજલિ

અનુષ્કા

વાગડ જૈન સમાજના દાદરમાં રહેતા ઇન્ટરનૅશનલ રનર ધીરજ દેઢિયાના આકસ્મિક અવસાનને ગણતરીના કલાક થયા છે ત્યારે તેમના પરિવારજનો શોકમાં હોય એ સ્વાભાવિક છે. જોકે ધીરજ દેઢિયા પહેલી ઑગસ્ટે ડૉક્ટર-પુત્રીના કોવિડ અવેરનેસ માટેના વેબિનાર માટે ખૂબ ઉત્સાહી હતા એટલે એક દિવસ પહેલાં જ એક્ઝિટ લેનાર પિતાના મૃત્યુનો શોક મનાવવાને બદલે પુત્રીએ વેબિનારમાં સહભાગી થઈને ગઈ કાલે પિતાને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી.

ધીરજ દેઢિયા

શુક્રવારે રાતે ઊંઘમાં જ જીવનના અંતિમ શ્વાસ લેનાર નૅશનલ-ઇન્ટરનૅશનલ મૅરથૉન-રનર ધીરજ દેઢિયાની પુત્રી અનુષ્કા ડૉક્ટર છે. તે કોવિડના અત્યારના સંકટમાં ડેડિકેટેડ કોવિડ હૉસ્પિટલમાં સેવા આપી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ ધીરજ દેઢિયા તેમની દીકરી અનુષ્કા કોરોના બાબતે સમાજમાં ડિજિટલ પ્લૅટફૉર્મના માધ્યમથી અવેરનેસ લાવે એવું ઇચ્છતા હોવાથી અનુષ્કાએ ડૉ. સચિન છેડા અને ડૉ. પંકિલ મોતા સાથે મળીને ૧ ઑગસ્ટે રાતે ૯થી ૧૦.૩૦ વાગ્યા દરમ્યાન વેબિનારનું આયોજન કર્યું હતું.

જોકે કમનસીબે આ વેબિનાર યોજાય એના એક દિવસ પહેલાં જ ધીરજ દેઢિયા આ દુનિયા છોડી ગયા હોવાથી તેઓ પ્રત્યક્ષ રીતે પુત્રીનો આ પ્રોગ્રામ જોઈ ન શક્યા. પિતાના અચાનક મૃત્યુથી હવે અનુષ્કા વેબિનારમાં સહભાગી થઈ શકશે કે નહીં એ પ્રશ્ન ઊભો થયો હતો.

ડૉ. અનુષ્કા દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા કોવિડ અવેરનેસ માટેના વેબિનાર માટે પપ્પા ખૂબ જ એક્સાઇટેડ હતા. કમનસીબે તેઓ આ પ્રોગ્રામ થાય એ પહેલાં જ અમારી વચ્ચેથી કાયમ માટે દૂર જતા રહ્યા. પિતા ગુમાવવાનો શોક છે, પરંતુ તેમની ઇચ્છા પૂરી કરવાની મારી ફરજ હોવાથી મેં તેમની ખુશી માટે વેબિનારમાં સામેલ થવાનો નિર્ણય લીધો હતો. આવી રીતે મેં તેમને શ્રદ્ધાંજલિ આપી.’

ઉલ્લેખનીય છે કે શ્રી વાગડ વીસા ઓસવાળ ચોવીસી મહાજન દ્વારા કોવિડ હૉસ્પિટલમાં કામ કરતા ડૉક્ટરોના માધ્યમથી સમાજના લોકોને કોરોના બાબતે, એની સારવાર બાબતે અને ક્વૉરન્ટીન વિશે માહિતી મળે એ માટે ડૉ. સચિન છેડા, ડૉ. અનુષ્કા દેઢિયા અને ડૉ. પંકિલ મોતા નામના ત્રણ ડૉક્ટરના વેબિનારનું આયોજન થયું હતું, જે યુટ્યુબ પર ગઈ કાલે રાતે ૯થી ૧૦.૩૦ વાગ્યા દરમ્યાન લાઇવ કરવામાં આવ્યું હતું.

mumbai mumbai news dadar prakash bambhrolia