આખરે 153 વર્ષ જૂના ભાઈંદર-નાયગાંવ બ્રિજનું ડિમોલિશન શરૂ થયું

19 November, 2020 08:01 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

આખરે 153 વર્ષ જૂના ભાઈંદર-નાયગાંવ બ્રિજનું ડિમોલિશન શરૂ થયું

નાયગાંવ અને ભાઈંદર ખાડી પરનો જૂનો બ્રિજ તોડવાનું કામ શરૂ થયું.

વેસ્ટર્ન રેલવે પર આવેલાં નાયગાંવ અને ભાઈંદર ખાડી પરનો બ્રિટિશકાળનો ૧૫૩ વર્ષ જૂના લોખંડી બ્રિજને આખરે તોડવાની શરૂઆત કરાઈ છે. રેલવે દ્વારા ગૅસ કટરની સહાયથી આ બ્રિજને તોડી પાડવાનું કામ હાથ ધરાયું છે. કોરોના મહામારીના કારણે બ્રિજને તોડવાનું કામ થોડું મોડું થયું છે, પરંતુ વર્ષ ૨૦૨૧ની ૨૬ જાન્યુઆરી સુધી આ કામ પૂરું થાય એવી શક્યતા દર્શાવી છે.

વેસ્ટર્ન રેલવેનો બ્રિજ નંબર-૭૫ વર્ષ ૧૯૮૩ના બ્રિટિશકાળમાં બાંધવામાં આવ્યો હતો. લૉકડાઉન અને મોન્સૂનના કારણે બ્રિજને તોડવાનું કામ હવે અંતે શરૂ કરાયું છે. આ બ્રિજ પરથી વિરારની દિશાએ પહેલી ટ્રેન દોડી હતી એવું પણ કહેવાય છે. આ બ્રિજને પેરેલલ બીજો નવો બ્રિજ બાંધવામાં આવ્યો હતો.

આ બ્રિજ હળવા વાહન માટે શરૂ કરાશે અને એનું કામ શરૂ કરાશે એવી વાતો થઈ હતી, પરંતુ આ બધા નિર્ણય લેવામાં એટલો સમય લાગી ગયો કે આ બ્રિજ મજબૂત રહ્યો નહીં. એથી અંતે રેલવે દ્વારા સ્પષ્ટ કરાયું હતું કે આ બ્રિજ અવર-જવર માટે યોગ્ય નથી. ત્યારથી આ બ્રિજ એમને એમ ઊભો હતો અને આ બ્રિજનું કરવું શું એવો પ્રશ્ન પણ રેલવે સામે ઊભો હતો. અંતે હવે રેલવે દ્વારા આ બ્રિજને તોડવાનું શરૂ કરાયું છે. ગૅસ કટરની મદદથી લોખંડી બ્રિજની અંદર બાજુએનું લોખંડ દૂર કરવામાં આવી રહ્યું છે. બ્રિજ પર એક બાજુએ લોખંડ જમા કરવામાં આવી રહ્યું છે. ખાડીની અંદર આ પુલ હોવાથી તેને તોડવા માટે ઘણી જહેમત કરવી પડશે.

વેસ્ટર્ન રેલવેના મુખ્ય પ્રવક્તાના જણાવ્યા મુજબ ભાઈંદર અને નાયગાંવની વચ્ચેના બ્રીજ નં. ૭૫નું બાંધકામ ૧૯૮૩માં બ્રિટીશરોના રાજના સમયે થયું હતું. ફેબ્રુઆરી ૨૦૨૦માં બ્રીજનું ઑક્શન કરાયું હતું. લૉકડાઉનને લીધે તથા ચોમાસાને ધ્યાનમાં રાખીને તેને તોડવાનું કામ મોડું થયું શરૂ થયું હતું. ૫ નવેમ્બરથી આ કામ શરૂ થયું છે અને ૨૬ જાન્યુઆરી, ૨૦૨૧ સુધીમાં કામ પૂરું થવાની શક્યતા છે.

mumbai mumbai news naigaon bhayander preeti khuman-thakur