1 જાનૈયાની બેદરકારી 25 ગેસ્ટને ભારે પડી

24 February, 2021 07:27 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

1 જાનૈયાની બેદરકારી 25 ગેસ્ટને ભારે પડી

ફાઈલ તસવીર

હાલમાં કોરોનાનું પ્રમાણ મુંબઈમાં ખૂબ વધ્યું છે અને રાજ્ય સરકારે પણ અનેક પ્રતિબંધ મૂકી દીધા છે એથી અનેક લોકોના મનમાં એવો વિચાર ચોક્કસ આવતો હશે કે ‘ચાલો, મુંબઈમાં નહીં, પણ મુંબઈની બહાર લગ્ન કરી લઈએ. મુંબઈમાં કોરોના છે, પરંતુ મુંબઈની બહાર હાલમાં તો એટલું પ્રમાણ નથી...’ જો આવો વિચાર તમારા મનમાં આવ્યો હોય અને કોઈ પ્લાન કરવાનું વિચારી રહ્યા હો તો સાવધ થઈ જજો. તાજેતરમાં મુંબઈના કચ્છી વીસા ઓસવાળ સમાજના એક પરિવારે (જેની ઓળખ તેમની વિનંતી અને અત્યારની પરિસ્થિતિને ખાસ ધ્યાનમાં રાખીને મિડ-ડેએ જાહેર નથી કરી) ઈગતપુરીમાં આવેલા એક રિસૉર્ટમાં લગ્ન સમારોહનું આયોજન કર્યું હતું. લગ્નમાં કોરોનાના નિયમોની અમુક હદે કાળજી લેવાઈ હતી, પણ એમ છતાં લગ્નમાં જોડાયેલા એક-બે નહીં, ૨૫થી વધુ લોકોને કોરોનાએ ઝપટમાં લેતાં ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું.

આ પરિવારના એક સભ્યએ નામ ન આપવાની શરતે ‘મિડ-ડે’ને મર્યાદિત માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘અમે કોરોનાના નિયમોની કાળજી રાખી હતી, પરંતુ લગ્નમાં આવેલી એક વ્યક્તિએ લગ્નમાં આવવાના એક દિવસ અગાઉ કોવિડ-ટેસ્ટ કરાવી હતી, પણ ટેસ્ટનો રિપોર્ટ આવવાનો બાકી હતો. એ વ્યક્તિ લગ્નમાં આવી હતી અને લગ્નમાં આવ્યા બાદ તેમનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવતાં તેઓ તરત ત્યાંથી ચાલ્યા ગયા હતા. ચિંતા તો થવાની જ છે, પરંતુ એ પછી લગ્નમાં જોડાયેલા ૨૫ જણ કોરોના-પૉઝિટિવ આવ્યા હતા અને એનાથી અમે ચિંતામાં મુકાઈ ગયા છીએ.’

સમાજના અગ્રણીઓ વિવિધ માધ્યમથી સતત લોકોને સાવચેત કરી રહ્યા છે

કચ્છી વીસા ઓસવાળ સમાજમાં કોરોના સામે જાગૃતિ ફેલાવવાનું બીડું ઝડપનાર સમાજના અગ્રણી નીલેશ ગાલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગુજરાતી-જૈન પરિવારો મોટા ભાગે સંયુક્ત રહેતા હોવાથી તેમના પરિવારમાં સિનિયર સિટિઝન હોય છે, પરંતુ પરિવારના યુવાનો ‘અમને કંઈ થશે નહીં’ એમ સમજીને બિન્દાસ કોરોનાના નિયમોને એક ખૂણામાં મૂકીને ફરે છે અને પ્રસંગમાં જોડાવા જાય છે. આપણા વડીલોની જવાબદારી આપણી પોતાની હોય તો આપણે તેમના જીવ કેમ જોખમમાં મૂકીએ? અનેક મહિનાઓથી લોકો ઘરની બહાર કે હરવા-ફરવા ન ગયા હોવાથી હાલમાં પાર્ટીમાં જવાનું કે ફરવા જવાનું પ્રમાણ વધતાં એનું પરિણામ પણ જોવા મળે છે. કોવિડની સાથે જીવવાની લોકો વાત કરે છે, પરંતુ કોવિડ સાથે સાવચેતી રાખીને જીવીશું તો જ આપણે પોતાના પ્રિયજનો કે વડીલોને બચાવી શકીશું. જેમને કામ પર જવા સિવાય છૂટકો ન હોય એવા મજબૂર લોકો બહાર નીકળે તો એ સમજાય. હાલમાં બહાર જઈને સગાઈ અને લગ્ન કરવાનો જે ટ્રેન્ડ વધી રહ્યો છે એ તો કોવિડની અસર જાય એ પછી પણ કરી શકાય છે એ લોકોએ સમજવાની જરૂર છે. વિવિધ કાર્યક્રમો, રમત-ગમતની પ્રવૃત્તિઓ, સામાજિક કાર્યક્રમો હાલમાં ન કરીએ તો કંઈ જતું રહેશે ખરું? સારા ફોટો આવે એ માટે લોકો માસ્ક કાઢીને ફોટો પડાવવા ઉત્સુક હોય છે. ગવર્નમેન્ટ ઍક્શન લે એ ખરાબ રહેશે, પરંતુ જ્યારે આપણે આપણા વડીલોને ગુમવીશું તો એ સહન નહીં કરી શકીએ. લોકોને સમજાવીને હવે અમે પણ કંટાળ્યા છીએ. આપણે બધા વેન્ટિલેટર પર છીએ એટલે એ હિસાબે લોકોએ વર્તન કરવાની અને જવાબદારી દેખાડવાની જરૂર છે.’

હાલમાં બહાર જઈને સગાઈ અને લગ્ન કરવાનો જે ટ્રેન્ડ વધી રહ્યો છે એ તો કોવિડની અસર જાય એ પછી પણ કરી શકાય છે એ લોકોએ સમજવાની જરૂર છે. વિવિધ કાર્યક્રમો, રમત-ગમતની પ્રવૃત્તિઓ, સામાજિક કાર્યક્રમો હાલમાં ન કરીએ તો કંઈ જતું રહેશે ખરું?
- નીલેશ ગાલા, ક.વી.ઓ. સમાજના અગ્રણી

mumbai mumbai news coronavirus covid19 lockdown preeti khuman-thakur