આરે કૉલોનીની 407 એકર જમીન બાંધકામ પ્રોજેક્ટ્સમાં વાપરી શકાશે

20 June, 2020 12:29 PM IST  |  Mumbai | Mumbai Correspondent

આરે કૉલોનીની 407 એકર જમીન બાંધકામ પ્રોજેક્ટ્સમાં વાપરી શકાશે

આરે કૉલોની

સુપ્રીમ કોર્ટે સંજય ગાંધી નૅશનલ પાર્ક (એસજીએનપી)ના ઈકો-સેન્સિટિવ ઝોન (ઈએસઝેડ)માંથી આરે કૉલોનીને બાકાત રાખવાના નિર્ણયને પડકારતી અરજી ફગાવી દીધી હતી. સર્વોચ્ચ અદાલતે અરજી ફગાવી દેતાં આરે કૉલોનીની કુલ 407 એકર હરિયાળી જમીનનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા કન્સ્ટ્રક્શનના બાંધકામના પ્રોજેક્ટ્સ માટે ઉપયોગ કરી શકાશે.

સર્વોચ્ચ અદાલતની બેન્ચે પર્યાવરણ સંગઠન વનશક્તિની અરજીને રદ કરી દીધી હતી. વનશક્તિએ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા એસજીએનપી માટે ઈએસઝેડના 5 ડિસેમ્બર, 2016ના જાહેરનામાને પડકાર્યું હતું.

અપીલમાં જણાવવામાં આવ્યું હતું કે ‘આ જાહેરનામું ઈએસઝેડ વિસ્તારમાં રેડ કૅટેગરી ઇન્ડસ્ટ્રીઝ સહિત આઇટી પાર્ક, રહેણાક ઇમારતો, વ્યાવસાયિક કૉમ્પ્લેક્સો સહિત (મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ જેવા) તમામ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ સ્થાપવાની મંજૂરી આપે છે.’

2019ના પ્રારંભમાં સુપ્રીમ કોર્ટે મુંબઈના આરે કૉલોની વિસ્તારમાં મેટ્રો કારશેડના બાંધકામ માટે વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ પર વચગાળાનો સ્ટે લંબાવ્યો હતો. 21 ઑક્ટોબરે સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે આરે કૉલોની ખાતે મુંબઈ મેટ્રો કારશેડના બાંધકામ પર સ્ટે નથી અને સ્પષ્ટતા કરી હતી કે ‘વૃક્ષો ન કાપવાનો’ આદેશ આપવામાં આવ્યો હતો.

આરે વન વિસ્તાર સંજય ગાંધી નૅશનલ પાર્કની નજીક આવેલો છે અને ત્યાં પાંચ લાખ વૃક્ષો આવેલાં છે એમ કાયદાના વિદ્યાર્થીએ તેના પત્રમાં જણાવ્યું હતું. મુંબઈ મેટ્રો-3 પ્રોજેક્ટ માટે અને ખાસ કરીને કારશેડના બાંધકામ માટે વૃક્ષો કાપવાનાં હતાં. હાઈ કોર્ટે અધિકાર ક્ષેત્રની મર્યાદાને પગલે આરેને વન વિસ્તાર તરીકે સ્વીકારવાનો કે એને ઇકૉલૉજીની દૃષ્ટિએ સંવેદનશીલ મુદ્દા તરીકે જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો.

mumbai mumbai news aarey colony sanjay gandhi national park