અબોલ પ્રાણી સાથે આવી ક્રૂરતા: 19 બિલાડી મરેલી મળી આવતાં અરેરાટી પ્રસરી

18 August, 2020 07:49 AM IST  |  Mumbai | Mehul Jethva

અબોલ પ્રાણી સાથે આવી ક્રૂરતા: 19 બિલાડી મરેલી મળી આવતાં અરેરાટી પ્રસરી

૨ દિવસમાં ૯ કૅટનાં રહસ્યમય મોત

થાણેમાં ઘોડબંદર રોડ પર આવેલી હિલ ગાર્ડન સોસાયટીમાં ૧૯ બિલાડીઓનાં મોતથી સોસાયટીમાં અરેરાટી ફેલાઈ છે. આ ઘટનાને પગલે સોસાયટીમાં રહેતી પૂજા જોશીએ આ સંદર્ભે થાણેના ચીતલસર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ઘટનાસ્થળે આવીને સોસાયટીમાં લાગેલા તમામ સીસીટીવી કૅમેરાનાં ફુટેજ હસ્તગત કરીને તપાસ હાથ ધરી છે. સાથે ૧૫ ઑગસ્ટે મૃત્યુ પામેલી ૧૦ બિલાડીઓનાં શબ પોસ્ટમૉર્ટમ માટે મોકલી અપાયાં છે.

થાણેના હિલ ગાર્ડન (બંગલો) સોસાયટી જે ટિકુજીની વાડીની બજુમાં આવેલી છે ત્યાં ૧૬-૧૭ ઑગસ્ટે કુલ ૯ બિલાડી મૃત્યુ પામી હતી.. ખરેખર છેલ્લા ત્રણ અઠવાડિયામાં ૨૨ જુલાઈથી ૧૭ ઑગસ્ટ સુધીમાં કુલ ૧૯ બિલાડીઓના મોતથી વિવાદ થયો છે.

ઍનિમલ ઍક્ટિવિસ્ટ પૂજા જોશીને આ સંદર્ભે કાવતરું જણાતાં તેણે ઍનિમલ ઍક્ટિવિસ્ટ મિતેશ જૈનની મદદથી ચીતલસર પોલીસ-સ્ટેશનમાં બિલાડીનાં મૃત્યુ સંદર્ભે એફઆઇઆર નોંધાવ્યો હતો.

આ સંબંધે હિલ ગાર્ડન સોસાયટીમાં રહેતી પૂજા જોશીએ જણાવ્યું કે ‘રહસ્યમય સંજોગોમાં તંદુરસ્ત બિલાડીઓ તથા બિલાડીનાં બચ્ચાં મરી રહ્યાં છે. મૃત્યુ પહેલાં દર્શાવવામાં આવેલાં લક્ષણો સમાન હતાં, જેમા ઊલટી અને નબળાઈ સાથે બિલાડીઓએ ખાવાનું બંધ કર્યું હતું અને એ પછી ૨૪ કલાકમાં જ મરી ગઈ હતી. એમાંની કોઈ બિલાડી બીમાર નહોતી એથી આ મૃત્યુ શંકાસ્પદ છે. બિલાડક્ષનાં શબની નજીક ઉંદર મારવાના ઝેરનું પૅકેટ મળતાં કોકે તેમને ઝેર આપ્યું હોવાની શંકા થઈ રહી છે.

ઍનિમલ ઍક્ટિવિસ્ટ મિતેશ જૈને જણાવ્યું કે ‘આ તમામ બિલાડીઓને ઝેર આપીને મારવામાં આવી છે એ દેખાઈ રહ્યું છે. આ તમામ બિલાડીઓનાં શબનું પોસ્ટમૉર્ટમ કરાવવા માટે મેં પોલીસ પર દબાણ કર્યું હતું. ત્યાર બાદ પોલીસે પોસ્ટમૉર્ટમ માટે મોકલ્યાં હતાં. સાથે સરકારે આ રેડ પોઇઝન બૅન કરવું જોઈએ, જેને કારણે અનેક અબોલ પ્રાણીઓના જીવ જઈ રહ્યા છે.

ચીતલસરના સિનિયર પોલીસ ઇસ્પેક્ટર જિતેન્દ્ર રાઠોડે જણાવ્યું કે ૧૫ ઑગસ્ટે બિલાડીનાં મોત થયા બાદ એનાં શબ પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યાં છે અને પંચનામું કરીને એફઆઇઆર કલમ ૪૨૯,૧૧ (૧) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે તપાસ હાથ ધરાઈ છે.

મૃત્યુ પહેલાં બિલાડીઓએ દર્શાવેલાં લક્ષણો સમાન હતાં, જેમાં ઊલટી અને નબળાઈ સાથે બિલાડીઓએ ખાવાનું બંધ કર્યું હતું, એ પછી ૨૪ કલાકમાં એ મરી ગઈ હતી. એમાંની કોઈ બીમાર નહોતી એથી આ મૃત્યુ શંકાસ્પદ છે.
- પૂજા જોશી, ઍનિમલ ઍક્ટિવિસ્ટ

mumbai mumbai news thane ghodbunder road mehul jethva Crime News