અવયવ-દાન છે શ્રેષ્ઠ દાન એ સમજાવવા માટે ડૉક્ટરો ભજવશે નાટક

10 May, 2019 07:27 AM IST  |  મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

અવયવ-દાન છે શ્રેષ્ઠ દાન એ સમજાવવા માટે ડૉક્ટરો ભજવશે નાટક

એક સમયે રાજાઓ દ્વારા પોતાના રાજમાં રહેતા સામાન્ય નાગરિકોને દાન આપવાની પ્રથા હતી. આવી પ્રથાને થાણેના સ્થાનકવાસી જૈન સંઘ અને કેટલાક ડૉક્ટરોએ આગળ ધપાવવાની સાથે નવતર પ્રયોગ કયોર્ છે. અવયવદાનની જાગૃતિ માટે તેમણે નાટuરૂપે ‘મહાદાન’ની પહેલ કરી છે. મજાની વાત એ છે કે આ ડ્રામાનાં બધાં પાત્રો પણ ડૉક્ટર છે. આજે જરૂરિયાતની સામે માત્ર એક ટકો અવયવ જ ઉપલબ્ધ થતા હોવાથી અનેક દરદીઓને બચાવી નથી શકાતા. વાગડ સમાજના ડૉક્ટરોની આ પહેલ દ્વારા વ્યાપક ઝુંબેશ ચલાવવાની નેમ છે.

શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ અને અહીંના મેડિકલ સેન્ટરમાં સેવા આપતા ૧૫ ડૉક્ટરોએ ઑર્ગન ડોનેશન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આગળ આવે એ માટે છેલ્લા ચાર મહિનાથી ડ્રામાની સ્ક્રીપ્ટ તૈયાર કરવાથી માંડીને રિહર્સલ્સ કરી રહ્યા છે.

શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘના વાઇસ પ્રેસિડન્ટ રમેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઑર્ગન ડોનેશન માટે કંઈક નવું કરવાનો વિચાર ડૉ. વૈશાલી બોરીચાને ચારેક મહિના પહેલાં આવેલો. તેમણે આ બાબતે અમને વાત કરતાં સંઘે એ વિચારને વધાવી લીધો હતો. અમે કચ્છ યુવક સંઘ માટે નાટકો તૈયાર કરી આપતા વસંત મારુને વાત કરતાં તેમણે આનંદ વ્યક્ત કરતાં નાટક ડિરેક્ટ કરવાની હા પાડી અને ડ્રામાની સ્ક્રીપ્ટ લખવાનું કામ અમે અમદાવાદના લેખક હરેન ઠાકરને સોંપ્યું. નાટકની વાત ચર્ચાતી હતી ત્યારે સંઘના મેડિકલ સેન્ટરમાં સેવા આપતા ૧૫ ડૉક્ટરોએ સામે ચાલીને એમાં અભિનય કરવાનું જણાવ્યું. આનો તમામ ખર્ચ માતુશ્રી રમાબહેન ગાંગજીભાઈ મેકણસત્રા પરિવારે (સુવઈ) ઉપાડી લેતાં કામ આગળ વધ્યું.’

૧ ટકો જ અવયવ ઉપલબ્ધ

મુંબઈમાં ઑર્ગન ડોનેશન ખૂબ ઓછું થાય છે એ વિશે ડૉ. વૈશાલી બોરીચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અવયવોની જરૂરિયાત સામે માત્ર ૧ ટકો જ ઑર્ગન દરદીઓને મળે છે. શ્રી વાગડ ગ્રૅજ્યુએટ્સ અસોસિએશન દ્વારા ઑર્ગન ડોનેશનની જાગૃતિ માટે મુંબઈભરમાં લેક્ચર લેવાય છે છતાં લોકો આમાં ઓછો રસ લે છે. અમને વિચાર આવ્યો કે વધુ લોકો સુધી આની માહિતી પહોંચાડવા માટે કોઈક માધ્યમ ઉપયોગી નીવડશે એટલે અમે ડ્રામા કરવાનો નર્ણિય લીધો.’

અઢી મહિનાથી ડૉક્ટરો કરી રહ્યા છે ઍક્ટિંગ જૈન સંઘના મેડિકલ સેન્ટરની સાથે પોતાની પ્રૅક્ટિસ કરતા ડૉક્ટરોએ ઑર્ગન ડોનેશન માટેના આ ડ્રામાને ન્યાય આપવા માટે બપોરે બેથી રાતે ૭ વાગ્યા સુધી બધાં કામ પડતાં મૂકી દીધાં છે. દરદીઓની બપોર પછીની ઍપોઇન્ટમેન્ટ રદ કરીને પોતાના વ્યવસાયને પણ તાત્પૂરતો લગભગ બંધ કરી દીધો છે.

આ પણ વાંચોઃમુંબઈઃભિવંડીના જૈન વેપારી બ્રેઇન-ડેડ થયા બાદ અવયવો ડોનેટ કરાયા

શો હાઉસફુલ

સોમવારે ૧૩ મેએ થાણેના ગડકરી રંગાયતનમાં રાતે ૮ વાગ્યે આયોજિત શો અત્યારથી જ હાઉસફુલ થઈ ગયો છે. આયોજકોએ માત્ર ટોકન મની રૂપે ૧૦૦ અને ૫૦ રૂપિયાની ટિકિટ રાખવાની સાથે વાગડ સમાજની સક્રિયતાથી ૧૧૦૦ બેઠકવાળા ઑડિટોરિયમની તમામ ટિકિટ સેલ થઈ ચૂકી છે.

mumbai news thane