મુંબઈ, થાણે અને પાલઘરમાં બીજા દિવસે પણ વરસાદ મન મૂકીને વરસ્યો

05 July, 2020 08:49 AM IST  |  Mumbai Desk | Agencies

મુંબઈ, થાણે અને પાલઘરમાં બીજા દિવસે પણ વરસાદ મન મૂકીને વરસ્યો

અંધેરીના સબ-વેનો ફોટો.

ગઈ કાલે બીજા દિવસે પણ મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લામાં વરસાદે જોરદાર બૅટિંગ કરી હતી. દક્ષિણ મુંબઈની સરખામણીએ ગઈ કાલે પૂર્વ-પશ્ચિમનાં પરાંઓમાં અને થાણે, ડોમ્બિવલી સહિત પાલઘર જિલ્લાના બોઇસર, પાલઘર, દહાણુમાં એનું જોર વધુ રહ્યું હતું.
કોલાબા વેધશાળાના જણાવ્યા અનુસાર સાંજે ૫.૩૦ વાગ્યા સુધીમાં કોલાબામાં ૬૬ મિલીમીટર અને સાંતાક્રુઝમાં ૧૧૧.૪ મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે કે દિવસ દરમ્યાન કોલાબાનું મૅક્સિમમ તાપમાન ૨૭.૪ અને મિનિમમ ૨૫.૫ જ્યારે સાંતાક્રુઝમાં ૨૭.૩ અને ૨૫.૪ નોંધાયું હતું. આવનારા ૨૪ કલાક દરમ્યાન પણ મુંબઈ, થાણે, પાલઘરમાં આસપાસના વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે, જ્યારે કે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે અને એથી વેધશાળા દ્વારા રેડ અલર્ટ જાહેર કરાયું છે.
વેધશાળાના ડિરેક્ટર જનરલ કે. એસ. હોસલિકરે શનિવારે મુંબઈ, થાણે અને રાયગઢ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી કરી હતી જે સાચી પડી હતી, એ વિશે ટ્વીટ કરતાં કહ્યું હતું કે મુંબઈ અને પશ્ચિમ કિનાર પટ્ટી માટે વધુ એક ધોધમાર વરસાદનો દિવસ. આ સમયગાળા દરમિયાન રત્નાગિરિમાં ૬૯.૩ મિલીમીટર અને હરણીમાં ૧૬૫.૨ મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે મરાઠવાડા અને નાંદેડમાં ૨૨ મિલીમીટર, અલિબાગમાં ૧૮ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
મુંબઈ મહાનગરપાલિકાના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કહેવાયું છે કે ભારે વરસાદના કારણે મુંબઈના નીચાણવાળા વિસ્તારો જેવા કે હિન્દમાતા, કિંગ્સસર્કલ, ધારાવી ક્રૉસ રોડ, એસઆઇએસ કૉલેજ માટુંગા, ભાયખલા પોલીસ સ્ટેશન, ચેમ્બુર બ્રિજ નીચે, મિલન સબવે અને અંધેરી સબવેમાં પાણી ભરાયાં હતાં. મહાનગરપાલિકાના કર્મચારીઓએ મેઇન હૉલનાં ઢાંકણાં ખોલી એ પાણીને વહી જવા દીધું હતું.
ભારે વરસાદના કારણે મુંબઈ સિટી વિસ્તારમાં ઝાડની ડાળખીઓ તૂટી પડવાની ૯, પૂર્વ ઉપનગરમાં ત્રણ અને પશ્ચિમ ઉપનગરમાં ૨૦ ફરિયાદ મળી હતી. જોકે એ ઘટનામાં કોઈ ઘાયલ થયું નહોતું, જ્યારે શૉર્ટ સર્કિટની શહેરમાં પાંચ, પૂર્વનાં પરાંમાં બે અને પશ્ચિમનાં પરાંમાં ત્રણ ફરિયાદ મળી હતી. ઘર તૂટી પડવાની ઘટના શહેરમાં બે, પૂર્વ ઉપનગરમાં એક અને પશ્ચિમ ઉપનગરમાં એક એમ કુલ ચાર બની હતી. તળ મુંબઈમાં સેન્ડહર્સ્ટ રોડમાં નૂર બાગ ખાતે ભારે વરસાદના કારણે માવજી રાઠોડ રોડ પર આવેલા સમ્રાટ સદન બિલ્ડિંગનો સ્લૅબ શુક્રવારે મધરાત બાદ બે વાગ્યે તૂટી પડ્યો હતો. માંડવી ફાયરબ્રિગેડના ફાયરએન્જિન ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. બીએમસી મ્હાડા અને પોલીસ અધિકારીઓ પણ ગણતરીની મિનિટોમાં ત્યાં પહોંચી ગયા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈના જકમી થવાના અહેવાલ નથી.

ઘર અને દુકાનોમાં પાણી ભરાતાં લોકોની હાલત કફોડી

થાણે જિલ્લાના મીરા-ભાઇંદરમાં પણ ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં અને વીજળી પણ ડુલ થઈ ગઈ હતી. લોકોના ઘરમાં અને દુકાનોમાં ગટરનાં પાણી ઘૂસી જતાં લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી. મીરા-ભાઇંદર મહાનગરપાલિકાના આ વર્ષે પાણી નહીં ભરાય એવા દાવા પોકળ ઠર્યા હતા.  કલ્યાણ-ડોમ્બિવલીમાં પણ એ જ હાલત હતી અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં.

થાણેમાં દીવાલ પડી

થાણેમાં ભારે વરસાદના કારણે હજુરી વિસ્તારમાં આવેલા ખેતલે ગાર્ડનની ૧૨ ફુટ લાંબી દીવાલ વહેલી સવારે તૂટી પડી હતી, એ પછી સાવચેતીના પગલારૂપે દીવાલનો બચી ગયેલો ભાગ પણ તોડી પાડવામાં આવ્યો હતો. જ્યારે દીવાલ તૂટી પડવાની બીજી ઘટના આઝાદ નગરમાં બની હોવાનું થાણે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના વડા સંતોષ કદમે કહ્યું હતું.

પાલિકાએ આપી સાચી માહિતી

ગઈ કાલે શહેરમાં આખો દિવસ વરસાદ પડી રહ્યો હતો. પરિણામે જ્યાં સામાન્ય રીતે પાણી ભરાય છે એવા સ્થળો હિંદમાતા, અંધરી સબ-વે કે પછી દહીંસર સબ-વેમાં શું હાલત છે એ વિશેની અપડેટ સુધરાઈની ટ્વીટર એપ્લીકેશન પરથી આપવામાં આવતી હતી. જેથી કરીને લોકોને અહીની સ્થિતિનું સ્પષ્ટ ચિત્ર મળી રહે. અંધેરીના સબ-વેનો ફોટો.

mumbai mumbai news mumbai rains thane palghar