પાણી આવવા પહેલાં પાળ બાંધવા આપો

16 May, 2021 08:25 AM IST  |  Mumbai | Rohit Parikh

ચોમાસા દરમ્યાન દુકાનોમાં વરસાદનું પાણી ઘૂસી જતાં લાખો રૂપિયાનો માલ ખરાબ થતો હોવાથી કપડાંના વેપારીઓએ સરકારને દુકાન ખોલીને સમારકામ કરવાની પરવાનગી આપવા કહ્યું

શૈલેષ ત્રિવેદી, હરેન મહેતા, નટરાજ માર્કેટના દુકાનદાર સંદીપ ત્રિવેદી, હિન્દમાતાના દુકાનદાર બિપિન ગોગરી

ફેડરેશન ઑફ મુંબઈ રીટેલ ક્લોથ ડીલર્સ અસોસિએશને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન, કાપડપ્રધાન, બીએમસીના કમિશનર તથા પોલીસ કમિશનરને પત્ર લખીને માગણી કરી છે કે મુંબઈના કાપડના વેપારીઓને ચોમાસા પહેલાં તેમની દુકાનોનુ રિપેરિંગ કરવા માટે પરવાનગી આપવામાં આવે. અસોસિએશન કહે છે કે પહેલા લૉકડાઉન સમયે મુંબઈના કાપડના અનેક દુકાનદારોએ ચોમાસા પહેલાં પાણી આવતાં પહેલાં પાળ બાંધી ન હોવાથી તેમને બહુ મોટા પ્રમાણમાં કાપડના માલની નુકસાની વેઠવી પડી હતી.

મુંબઈમાં નીચાણવાળા ભાગોમાં વરસાદ પહેલાં ૯૦ ટકા કાપડના દુકાનદારો તેમની દુકાનમાં વરસાદનું પાણી ભરાઈ ન જાય અને માલ ખરાબ ન થાય એ માટે માલને ઉપર ચડાવી દેતા હોય છે. જોકે ગયા ચોમાસામાં દુકાનદારોને દુકાન ખોલવા ન મળતાં તેમણે આર્થિક નુકસાની કરવાની નોબત આવી હતી. આ બાબતમાં દાદરની હિન્દમાતાના વેપારી બિપિન ગોગરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને ગયા ચોમાસામાં લૉકડાઉન હોવાથી દુકાનો ખોલવાની પરવાનગી મળી નહોતી. એને પરિણામે મારી દુકાનમાં બધો જ માલ વરસાદનું પાણી દુકાનમાં ભરાઈ જતાં ભીનો થઈ ગયો હતો. મારે અંદાજે ચાર લાખ રૂપિયાની નુકસાની ભોગવવી પડી હતી. અમારી હિન્દમાતા ક્લોથ માર્કેટમાં ૫૦૦થી વધુ કપડાંની દુકાનો આવેલી છે. એમાં અમારા વિસ્તારમાં ચોમાસામાં વર્ષોથી ગળાડૂબ અથવા તો ઢીંચણસમાં પાણી ભરાતાં હોવાથી દુકાનોમાં પાણી ઘૂસી આવે છે. મારી જેમ ગયા ચોમાસામાં ૮૦ ટકા દુકાનદારોનો માલ પાણીમાં ડૂબી ગયો હતો. આથી અમે અમારા ફેડરેશનના માધ્યમથી આપણા ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરેને વિનંતી કરી છે કે આ ચોમાસું બેસે એ પહેલાં અમે અમારો માલ દુકાનમાં ઉપર ગોઠવી શકીએ એ પૂરતી દુકાનો ખોલવાની પરવાનગી આપો. અમે સરકારને કોવિડના સમયમાં સંપૂર્ણ સાથ-સહકાર આપીને લૉકડાઉનનું પાલન કરીએ છીએ, પરંતુ અત્યારે પાણી આવતાં પહેલાં પાળ બાંધવી અમારી મજબૂરી છે. તો સરકાર અમને સાથ-સહકાર આપશે.’ 

હિન્દમાતા જેવી જ હાલત મલાડની નટરાજ માર્કેટ, કોઠારી મૉલ અને મ્યુનિસિપલ માર્કેટની છે. એ સંદર્ભમાં નટરાજ માર્કેટના દુકાનદાર સંદીપ ત્રિવેદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા વિસ્તારોમાં તો થોડો વરસાદ આવે તો પણ દુકાનોમાં પાણી ભરાઈ જાય છે. એને કારણે માલને જબરું નુકસાન થાય છે. ગયા ચોમાસામાં પણ લૉકડાઉન હોવાથી અમે દુકાનદારો રિપેરિંગ કે માલની સુરક્ષા કરી શક્યા નહોતા. એને કારણે અનેક દુકાનદારો લાખો રૂપિયાના ફડચામાં આવી ગયા હતા. આ સ્થિતિમાં અમને સરકાર અમારી દુકાનોનો માલ બીજી સુરક્ષિત જગ્યાએ ફેરવી શકીએ એટલો સમય દુકાન ખોલવાની પરવાનગી આપે તો અમે નુકસાનીમાંથી બચી શકીએ.’

અમારા અસોસિએશન પાસે બિપિન ગોગરી અને સંદીપ ત્રિવેદી જેવી સેંકડો દુકાનદારોની ફરિયાદ છે એમ જણાવતાં ફેડરેશનના સેક્રેટરી શૈલેષ ત્રિવેદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં દુકાનોમાં પાણીના લીકેજને કારણે અથવા તો તેમના વિસ્તારોમાં પાણી ભરાતાં હોવાથી દુકાનોમાં પાણી ઘૂસી જવાની સમસ્યા વર્ષો જૂની અને સામાન્ય છે. જોકે બધા જ દુકાનદારો/વેપારીઓ તેમની દુકાનોનું ચોમાસા પહેલાં રિપેરિંગ કરીને તેમની દુકાનો અને એમાં પડેલા કાપડને બચાવવા માટે અગમચેતીનાં પગલાં લેતા હોય છે. મુંબઈના કાપડના વેપારીઓને લૉકડાઉનમાં ત્રણથી ચાર દિવસ તેમની દુકાનો ખોલવાની પરવાનગી આપવી જોઈએ જેથી તેઓ દુકાનોમાં વરસાદ પહેલાંની સાવધાનીરૂપે વૉટરપ્રૂફિંગ અને બીજી મરામત કરાવી શકે.’

 કાપડમાં એક વાર પાણી લાગી જાય પછી એની કોઈ કિંમત રહેતી નથી અને એ માલ પૂરેપૂરો ફેંકી દેવો પડે છે એમ જણાવતાં ફેડરેશનના અન્ય સેક્રેટરી હરેન મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોવિડના કપરા કાળમાં અને લૉકડાઉનને કારણે મુંબઈના વેપારીઓ આમ પણ છેલ્લા સવા મહિનાથી દુકાનો બંધ રાખીને ઘણું નુકસાન સહન કરી રહ્યા છે. અત્યારે લૉકડાઉન પહેલી જૂન સુધી સરકાર દ્વારા લંબાવવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં જો લૉકડાઉન ખૂલે એ પહેલાં જો ચોમાસું બેસી જાય કે વરસાદ આવી જાય તો દુકાનોમાં પડેલો લાખો રૂપિયાના કાપડનો સ્ટૉકના બાર હજાર રૂપિયા થતાં વાર લાગે નહીં. અત્યારે દુકાનદારો ઑલરેડી આર્થિક મુસીબતોના સામનો કરી રહ્યા છે.’ 

mumbai mumbai news maharashtra mumbai trains rohit shetty