મુંબઈ : કાશીમીરા-ગાયમુખ મેટ્રો-10 માટે ટૂંક સમયમાં ટેન્ડર

05 November, 2020 08:58 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : કાશીમીરા-ગાયમુખ મેટ્રો-10 માટે ટૂંક સમયમાં ટેન્ડર

મુંબઈ મેટ્રો

મુંબઈ મેટ્રો-૪ જે વડાલા-કાસારવડવલી-ગાયમુખ સુધી દોડવાની છે અને હાલ તેનું કામ પણ ચાલી રહ્યું છે. એ જ રીતે દહિસર ઈસ્ટથી અંધેરી ઇન્ટરનૅશનલ એરપોર્ટની મેટ્રો-૭ને જોડતી એકસ્ટેન્શન મેટ્રો લાઇન-૯ ભાઈંદર વેસ્ટથી દહિસરનું કામ પણ ચાલુ છે. લાઇન-૯ પર કાશીમીરાથી લઈને લાઇન ૪ના અંતિમ સ્ટેશન ગાયમુખ સુધીની પાંચ કિલોમિટર લાંબી મેટ્રો લાઇન -૧૦ ચાલુ કરવાનો પણ નિર્ણય લેવાઈ ગયો છે, પણ એની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ નહોતી. સોમવારે સહ્યાદ્રીમાં થયેલી થાણે અને પાલઘર જિલ્લાના વિકાસકાર્યોની શિવસેનાના વિધાનસભ્યોની સમીક્ષા બેઠકમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સમક્ષ આ બાબતે વિધાનસભ્ય પ્રતાપ સરનાઇકે રજૂઆત કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ એથી આ સંદર્ભે એમએમઆરડીએને ગાયમુખ મીરા રોડ લાઇનની ટેન્ડર પ્રક્રિયા વહેલી તકે પૂરી કરવા નિર્દેશ આપ્યા છે.

મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં કૂદકેભૂસકે વધતી વસ્તીના કારણે ટ્રેનમાં તો હવે દરેક સમયે ગરદી રહે જ છે અને રોડ પર પણ પિક અવર્સમાં બમ્પર ટુ બમ્પર ટ્રાફિક રહે છે. એથી હવે એમએમઆરમાં રોડ પરના ટ્રાફિકનો ભાર ઓછો કરવા મેટ્રોનું જાળું ગુંથાઈ રહ્યું છે અને ઝડપભેર તેનું કામ ચાલી રહ્યું છે. જો ગાયમુખ-કાસારવડવલી-વડાલાની મેટ્રો લાઇન- ૪ ને મેટ્રોલાઇન- ૭ થી કનેક્ટ કરવામાં આવે તો એ મુંબઈને ફરતી અને મીરા ભાઈંદર અને થાણેને પણ આવરી લેતી મેટ્રોની સર્ક્યુલર સુવિધા લોકોને મળી રહેશે અને તેના કારણે લોકોને માટે આરામદાયક અને ઝડપી પ્રવાસ કરવાનું શક્ય બનશે.

mumbai mumbai news mumbai metro