મુંબઈથી ગુમ થયેલો ટીનેજર અમ્રિતસરમાંથી મળી આવ્યો

29 November, 2012 05:52 AM IST  | 

મુંબઈથી ગુમ થયેલો ટીનેજર અમ્રિતસરમાંથી મળી આવ્યો



વેદિકા ચૌબે


મુંબઈ, તા. ૨૯

શિવસેના પ્રમુખ બાળ ઠાકરેના નિધનના દિવસે ગુમ થયેલો અશ્વિનકુમાર શર્મા નામનો ૧૬ વર્ષનો મુંબઈનો ટીનેજર અમ્રિતસરમાંથી મળી આવ્યો હતો. પંજાબ ફરાવી લાવું છું કહીને એક ટ્રક-ડ્રાઇવર તેને લઈ ગયો હતો. ૧૭ નવેમ્બરે બપોરે સાડાબાર વાગ્યે શરીરમાં રંજક દ્રવ્યો ન હોવાથી સફેદ રંગની ત્વચા ધરાવતો અશ્વિન સાયનમાં આવેલા પોતાના ક્લાસમાં જવા નીકળ્યો હતો. છેલ્લા બે દિવસથી ક્લાસમાં ગયો ન હોવાથી તે ગભરાઈ ગયો હતો એથી ક્લાસમાં નહોતો ગયો. એ જ વખતે બપોરે ૩.૪૫ વાગ્યે એક ટ્રક-ડ્રાઇવરે પાછળથી અશ્વિનને ધબ્બો મારતાં કહ્યું કે ‘તૂ તો પંજાબ દા મુંડા લગતા હૈ. ચલ તુઝે પંજાબ ઘુમા લાઉં.’

વેચવાની વાતથી ગભરાયો

અશ્વિન શર્માએ અનુભવ વર્ણવતાં કહ્યું હતું કે ‘એ વખતે મારા મગજમાં શું હતું કે હું તૈયાર થઈ ગયો. તેમણે મને પાછળની સીટ પર બેસાડ્યો. પાછળ મોટા પ્રમાણમાં મકાઈ તથા ભાત ભરેલાં હતાં. ટ્રકમાં ડ્રાઇવર સહિત ત્રણ લોકો હોવાથી ખૂબ ઓછી જગ્યામાં હું ટૂંટિયું વાળીને સૂઈ ગયો હતો. ચાર દિવસ હું તેમની સાથે ફર્યો હતો. ચોથા દિવસે તેઓ મને વેચી મારવાની વાત કરતા હતા એ મેં સાંભળ્યું. દરમ્યાન ટ્રક એક સિગ્નલ પાસે ઊભી રહી હતી ત્યારે એમાંથી કૂદકો મારીને પાછળના ભાગથી ભાગવામાં હું સફળ થયો હતો.’

ઘરે ફોન કર્યો

અશ્વિન પાસે રૂપિયા ન હોવાથી તેણે એક પંજાબી કાર્યક્રમમાં પીરસવામાં આવેલી ખીર ખાધી હતી અને અમ્રિતસર રેલવે-સ્ટેશન પર જ રાત વિતાવી હતી. ટ્રેનનો પ્રવાસ કર્યો ન હોવાથી મુંબઈ ટ્રેન મારફત આવવાનું સાહસ તેણે ન કર્યું. બીજા દિવસે એક પબ્લિક બૂથ પરથી માતાનો ફોન ડાયલ કર્યો. જોકે પછી પૈસા ન હોવાથી પીસીઓના માણસે તેનો ફોન કાપી નાખ્યો, પરંતુ થોડી જ વારમાં તે માણસ પાછળ દોડતો આવ્યો હતો અને કહ્યું હતું કે કોઈક તેની સાથે વાત કરવા માગે છે. તેણે ફોન પર સમગ્ર ઘટના પરિવારજનોને કહી સંભળાવી. ત્યાર બાદ નજીકના કોતવાળી પોલીસ-સ્ટેશનનું સરનામું તેને આપવામાં આવ્યું.

પંજાબના કોતવાલી


પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર પન્નાલાલે કહ્યું હતું કે ‘જ્યારે અમુક લોકો તેને પોલીસ-સ્ટેશને મૂકી ગયા ત્યારે તે ખૂબ રડતો હતો. અમે તેને થોડું ખાવાનું આપ્યું એ ખાધા બાદ તેણે પિતા સાથે મુંબઈ વાત કરી. તેના પિતા સવારે આવ્યા અને દીકરાને લઈ ગયા.’