વેકેશનમાં શિક્ષણ દિન હોય પછી તો ફ્લૉપ જ જાયને

11 November, 2012 04:03 AM IST  | 

વેકેશનમાં શિક્ષણ દિન હોય પછી તો ફ્લૉપ જ જાયને



ક્રાન્તિ વિભૂતે


મુંબઈ, તા. ૧૧

શહેરની સ્કૂલો અને જુનિયર કૉલેજોને આજે આવતા પ્રથમ શિક્ષણપ્રધાન મૌલાના અબ્દુલ કલામ આઝાદના જન્મદિવસ નિમિત્તે ‘શિક્ષણ દિવસ’ની ઉજવણી કરવા છેલ્લી ઘડીએ ગઈ કાલે સક્યુર્લર મોકલવામાં આવતાં શહેરની સ્કૂલો અને કૉલેજોનું વહીવટી તંત્ર બહુ અપસેટ છે. હાલમાં સ્કૂલો અને કૉલેજોમાં દિવાળીના વેકેશનની શરૂઆત થઈ ગઈ છે જેને કારણે આ સેલિબ્રેશનમાં વિદ્યાર્થીઓને બદલે માત્ર ટીચરોએ જ ભાગ લેવો પડે એવી સ્થિતિ ઊભી થઈ હતી. શરૂઆતમાં રાજ્યના શિક્ષણ વિભાગે સ્કૂલો અને કૉલેજોને ૧૧ નવેમ્બરે એટલે કે આજે આ દિવસની ઉજવણી કરવાની સૂચના આપતો કાગળ લખ્યો હતો. જોકે પછી ૯ નવેમ્બરે ફરી કાગળ લખીને સૂચના આપી હતી કે ૧૧ નવેમ્બરે રવિવાર હોવાથી આ દિવસની ઉજવણી ૧૦ નવેમ્બરે આવતા શનિવારે કરી લેવી. આ નવી સૂચનાને પગલે સ્કૂલો અને કૉલેજોનું વહીવટી તંત્ર મુસીબતમાં મુકાઈ ગયું હતું.

ભારતના પ્રથમ શિક્ષણપ્રધાન મૌલાના અબ્દુલ કલામ આઝાદના જન્મદિવસની ઉજવણી કરવાનું દરેક સ્કૂલ માટે ફરજિયાત છે. ૨૦૧૧થી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ બધી સ્કૂલોને અને હવે જુનિયર કૉલેજોને આ દિવસ ઊજવવા સક્યુર્લર મોકલે છે. આ દિવસે સ્કૂલો અને જુનિયર કૉલેજોમાંના કોઈ એક વિદ્યાર્થી પાસે વડા પ્રધાને મૌલાના અબ્દુલ કલામ આઝાદના જીવન અને સિદ્ધિઓ વિશે લખેલો એક કાગળ જાહેરમાં વંચાવવામાં આïવે છે જેથી વિદ્યાર્થીઓને તેમના જીવનમાંથી કોઈ પ્રેરણા મળે. શરૂઆતમાં રાજ્યના શિક્ષણ વિભાગે મોકલેલા સક્યુર્લર પ્રમાણે સ્કૂલો અને કૉલેજોએ ૧૧ નવેમ્બરે એટલે કે આજે આ દિવસની ઉજવણી કરવાની હતી. જોકે પછી ૯ નવેમ્બરે નવો સક્યુર્લર મોકલીને સૂચના આપવામાં આવી કે ૧૧ નવેમ્બરે રવિવાર હોવાથી આ દિવસની ઉજવણી ૧૦ નવેમ્બરે આવતા શનિવારે જ કરી લેવી. કમનસીબે સ્કૂલો અને કૉલેજોમાં દિવાળીનું વેકેશન શરૂ થઈ ગયું હોવાથી મોટા ભાગની સંસ્થાઓમાં આ દિવસની ઉજવણી થઈ શકી નહોતી.

આ પરિસ્થિતિને કારણે મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓ આ વર્ષે શિક્ષણ દિવસની ઉજવણી ન થઈ શકી એ માટે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા વિલંબથી જાહેર કરવામાં આવેલા સક્ર્યુલરને જવાબદાર ગણે છે. માઝગાવમાં આવેલી સેન્ટ મૅરીઝ હાઈ સ્કૂલના પ્રિન્સિપાલ બાપ્ટિસ્ટ પિન્ટોએ કહ્યું હતું કે અમારી સ્કૂલમાં ૧૦ નવેમ્બરથી વેકેશન પડી ગયું હોવાથી અમે શિક્ષણ દિવસની ઉજવણી કરી શક્યા નહોતા. તેમની વાત સાથે સહમત થતાં ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી અમોલ ધામધીરેએ કહ્યું હતું કે ‘અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ આ દિવસની ઉજવણી કરી શક્યા નહોતા. એ બહુ કમનસીબ છે કે આપણી અયોગ્ય વ્યવસ્થાને કારણે મૌલાના અબ્દુલ કલામ આઝાદ જેવી મહાન હસ્તીનો જન્મદિવસ યોગ્ય રીતે ઊજવાઈ નથી શક્યો. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને સરકાર તરફથી યોગ્ય માર્ગદર્શિકા મળવી જોઈએ.’

આ ઉજવણી જુનિયર કૉલેજોમાં પણ કરાવવાના સરકારના નર્ણિયથી અપસેટ મુંબઈ જુનિયર કૉલેજ ટીચર્સ અસોસિએશનના જનરલ સેક્રેટરી અને સાઠ્યે કૉલેજના પ્રોફેસર અનિલ દેશમુખે કહ્યું હતું કે ‘૨૦૧૦ સુધી આ દિવસની ઉજવણી માત્ર સ્કૂલોમાં જ કરવામાં આવતી હતી, પણ ૨૦૧૧થી જુનિયર કૉલેજોમાં પણ એની ઉજવણી કરવાનું દબાણ કરવામાં આવે છે. અમે આ મામલે અમારી નારાજગી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી પાસે વ્યક્ત કરી હતી.’

સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડિરેક્ટર એન. બી. ચવાણે કહ્યું હતું કે એ વાત સાચી છે કે શિક્ષણ વિભાગ તરફથી સક્યુર્લર મોકલવામાં મોડું થયું છે. આ વિવાદ વિશે સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર રાજેન્દ્ર દર્ડાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ એ શક્ય બન્યું નહોતું.

પેરન્ટ્સ ઍન્ડ ટીચર્સ અસોસિએશન (પીટીએ) યુનાઇટેડ ફોરમના પ્રેસિડન્ટના અરુંધતી ચવાણે આ બાબતે કહ્યું હતું કે શિક્ષણ વિભાગ પહેલાં ભૂલ કરે છે અને પછી સૂચનાનું પાલન ન થાય તો સ્કૂલને મેમો મોકલાવે છે.