સ્કૂલ-બસે મારેલી ટક્કર પછી પથારીવશ થઈ ગયેલાં ટીચરને ૨.૧૨ કરોડ રૂપિયાનું વળતર

12 January, 2026 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શીતલ સાળુંકેએ ઘણો સમય હૉસ્પિટલમાં વિતાવ્યો હતો અને લગભગ ૨૫ લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો. હવે તેઓ સંપૂર્ણપણે તેમની સંભાળ રાખનારની મદદ પર નિર્ભર છે. 

પ્રતીકાત્મક તસવીર

મુલુંડ-વેસ્ટના લાલ બહાદુર શાસ્ત્રી રોડ પર ૪ વર્ષ પહેલાં એક સ્કૂલ-બસે ટૂ-વ્હીલર પર જઈ રહેલાં ભાંડુપની સ્કૂલનાં શિક્ષિકાને અડફેટે લેતાં તેઓ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. એ પછી તેમણે તેમના પતિના સાથ સાથે વળતર માટે કરેલા દાવાને ગણતરીમાં લઈને મોટર ઍક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલે તેમને ૨.૧૨ કરોડ રૂપિયાનું વળતર અપાવ્યું છે.

અકસ્માતને કારણે જીવન બદલી નાખતી ઈજાઓ માટે યોગ્ય વળતર આપવાના હેતુથી આપવામાં આવેલા ચુકાદામાં મોટર ઍક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ (MACT)એ સ્કૂલ-બસના માલિક અને રિલાયન્સ જનરલ ઇન્શ્યૉરન્સને ૨૦૨૨ના રોડ-ઍક્સિડન્ટ પછી પથારીવશ થયેલાં ૪૪ વર્ષનાં શિક્ષિકા શીતલ સાળુંકેને કુલ ૨.૧૨ કરોડ રૂપિયા (વ્યાજ સહિત) ચૂકવવાનો આદેશ આપ્યો હતો. શીતલ સાળુંકે એક સમયે ૧૧ લાખ રૂપિયાથી વધુ વાર્ષિક પગાર મેળવતાં સક્રિય શિક્ષિકા હતાં. તેઓ હવે સ્વતંત્ર રીતે બોલી શકતાં નથી અથવા રોજિંદી પ્રવૃત્તિઓ કરી શકતાં નથી. ટ્રિબ્યુનલે તેમને થયેલા ન્યુરોલૉજિકલ નુકસાનની ગંભીરતાની નોંધ લીધી હતી. તેમને થયેલી શારીરિક અપંગતા કાયમી પ્રકૃતિની છે અને સમય જતાં ઘટશે નહીં એમ ટ્રિબ્યુનલે નોંધ્યું​ હતું.

શીતલ સાળુંકેએ ડિસેમ્બર ૨૦૨૨માં તેમના પતિ દ્વારા ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. તેઓ ભાંડુપની સ્કૂલમાં સર્વિસ કરતાં હતાં. ૨૦૨૨ની ૧૦ જૂને સવારે મુલુંડના LBS રોડ પર ગોલ્ડન ટ્રાવેલ્સની એક સ્કૂલ-બસના ડ્રાઇવરે બેદરકારીપૂર્વક બસ ચલાવી‌એ તેમના સ્કૂટરને ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે શીતલ સાળુંકેને માથામાં ઈજા થઈ હતી તથા ઘણાંબધાં ફ્રૅક્ચર થયાં હતાં. બસ-ડ્રાઇવર ટક્કર માર્યા પછી તરત જ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. શીતલ સાળુંકેએ ઘણો સમય હૉસ્પિટલમાં વિતાવ્યો હતો અને લગભગ ૨૫ લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો. હવે તેઓ સંપૂર્ણપણે તેમની સંભાળ રાખનારની મદદ પર નિર્ભર છે. 

mumbai news mumbai road accident mulund Crime News mumbai crime news