ખેત પેદાશના એપીએમસી બહારના વેચાણ પરનો ટૅક્સ રદ

08 July, 2020 12:01 PM IST  |  Mumbai | Mumbai correspondent

ખેત પેદાશના એપીએમસી બહારના વેચાણ પરનો ટૅક્સ રદ

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (એપીએમસી) માર્કેટની બહાર ખેત પેદાશનું વેચાણ કરનાર વેપારીઓને બજાર-ફી અને સેસ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. આથી બજારની બહાર વેપાર કરનારા વેપારીઓને બજાર-ફી અને સેસ મળીને ભરવાનો રહેતો ૮૦ પૈસા ટૅક્સ ભરવો પડે છે એમાં છૂટ મળી છે. જોકે નવી મુંબઈ સહિતની રાજ્યભરની એપીએમસી માર્કેટમાં કામકાજ કરનારાઓએ પહેલાંની જેમ ટૅક્સ ભરવો પડશે. સરકારના આ નિર્ણયને વેપારીઓએ આવકાર્યો છે અને આનાથી ગ્રાહકોને સીધો ફાયદા થશે.

મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં એપીએમસી માર્કેટની સુવિધા લીધા વિના બહારથી ખેત પેદાશનું વેચાણ કરનારા વેપારીઓ નવી મુંબઈ એપીએમસીની અંદર સામેલ કરાયા હોવાથી ૧૯૯૫થી તેમની પાસેથી ૮૦ પૈસા ટૅક્સ લેવાતો હતો, જેને એપીએમસીએ ગઈ કાલે રદ કર્યો છે.

થાણે જિલ્લાના હોલસેલના વેપારી વેલ્ફેર સંઘના પ્રમુખ સુરેશ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકારે એપીએમસીની સુવિધા વિના બારોબાર ખેત પેદાશનું વેચાણ કરનારા વેપારીઓ પરનો ટૅક્સ રદ કરતો પરિપત્ર જારી કર્યો છે એથી મુંબઈ, નવી મુંબઈ કે થાણે તથા રાજ્યભરમાં એપીએમસીની સુવિધા ન લેતા હોવા છતાં ભરવા પડતા ટૅક્સમાંથી વેપારીઓને રાહત મળી છે. આનાથી ખેડૂતો કે વેપારીઓ એપીએમસીમાં એક પણ રૂપિયો ટૅક્સ ચૂકવ્યા વિના ડાયરેક્ટ માલ વેચી શકશે. ટૅક્સ કાઢી નાખવાથી ગ્રાહકોને એનો ફાયદો થશે.’

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ખેત પેદાશ પરનો ટૅક્સ કાઢી નાખતો પરિપત્ર થોડા સમય પહેલાં બહાર પાડ્યો હતો. જોકે મહારાષ્ટ્ર સરકારે આ ટૅક્સ બાબતે કોઈ નિર્ણય નહોતો લીધો. હવે એપીએમસીની બહારના ખેત પેદાશના વેચાણ પરનો ટૅક્સ કાઢી નાખ્યા બાદ એપીએમસીમાં થતા વેચાણ પરથી પણ ટૅક્સ રદ કરવાની શક્યતા વેપારીઓ જોઈ રહ્યા છે.`

mumbai mumbai news apmc market coronavirus covid19 lockdown