દરિયામાં તણાઈ ગયેલા યુવક માટે થર્મોકોલનો ટુકડો બન્યો તારણહાર

25 November, 2014 03:13 AM IST  | 

દરિયામાં તણાઈ ગયેલા યુવક માટે થર્મોકોલનો ટુકડો બન્યો તારણહાર





વિનય દળવી

એક ડેન્ટિસ્ટને ત્યાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા બાંદરાના બાવીસ વર્ષના મ્યુઝિક-લવર રવિ ચૌધરીને રવિવારે રાત્રે બૅન્ડ-સ્ટૅન્ડના દરિયાકાંઠે જોખમી ચટ્ટાનો પર બેસીને મોહમ્મદ રફીનાં ગીતો સાંભળવાનો ચસકો ભારે પડી ગયો હતો. તે અચાનક દરિયાની તોફાની લહેરો વચ્ચે ઘેરાઈ ગયો હતો.

થોડું તરતાં આવડતું હતું, પરંતુ લહેરો સામે જોર ચાલતું નહોતું અને રાત્રે તેને બચાવવા પણ કોઈ આવે એમ નહોતું. આખરે કુદરતે તેને મદદ મોકલી હોય એમ કોઈએ દરિયામાં ફેંકી દીધેલો થર્મોકોલનો એક મોટો ટુકડો તેના હાથમાં આવી જતાં એના સહારે થાકી-હારી ચૂકેલો રવિ દરિયો જ્યાં લઈ જાય ત્યાં જવાનું મન મનાવીને થર્મોકોલના આધારે ટકી ગયો. મોડી રાત્રે તે દરિયાની લહેરોમાં તણાતો-તણાતો સી-લિન્કના એક તોતિંગ પિલર નજીક પહોંચી ગયો હતો અને એને વળગીને બચાઓ-બચાઓની બૂમો પાડવા લાગ્યો હતો. આખરે સી-લિન્કનો એક ગાર્ડ પહેલાં પોલીસને અને પછી ફાયર-બ્રિગેડને બોલાવીને રવિને જીવતો બહાર કાઢવામાં નિમિત્ત બન્યો હતો.

વરલી પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર અજુર્ન કેંગારે કહ્યું હતું કે ‘હું નાઇટ-ડ્યુટીમાં હતો અને પરોઢિયે ચારેક વાગ્યે સી-લિન્કના સિક્યોરિટી ગાર્ડ વરલીકરનો કૉલ આવ્યા બાદ તરત જ મારી ટીમ સાથે સી-લિન્ક પર પહોંચ્યો હતો અને ઉપરથી સી-લિન્કની વચ્ચેના પિલર-નંબર ૨૭ની નીચે નજર કરી તો એક યુવક એને વળગીને બચાવવાની આજીજી કરતો હતો. તરત જ મેં અને વરલીકરે પોલીસ-બોટ અને ફાયર-બ્રિગેડને કૉલ કર્યો હતો. બાંદરા ફાયર-બ્રિગેડ મોટો રોપ (દોરડું) લાવી હતી અને વરલીકરની કમરે આ દોરડું બાંધી તેને સી-લિન્ક પરથી પિલરના આધારે નીચે ઉતાર્યો હતો અને રવિને પણ આ દોરડા સાથે બાંધીને ખૂબ જ સંઘર્ષ કરીને અમે ઉપર સુધી ખેંચી લાવ્યા હતા. રવિનું શરીર ખૂબ જ દુખતું હતું એથી તેને તરત જ નજીકની નાયર હૉસ્પિટલમાં પહોંચાડ્યો હતો. પરોઢિયે ડૉક્ટરોએ તેને આરામ મળી રહે એવી સારવાર અને દવાઓ આપી હતી. સવારે નવ વાગ્યે તે નવજીવન સાથે સલામત હતો.’