ફાયર-ફાઇટિંગને કોઈ ગંભીરતાથી નથી લેતું

23 January, 2022 12:54 PM IST  |  Mumbai | Prajakta Kasale

શહેરમાં આગ લાગવાની ઘટનાનું પુનરાવર્તન થવા છતાં મુંબઈ ફાયર બ્રિગેડ અને હાઇરાઇઝના રહેવાસીઓ નિશ્ચિંત : ફાયર-ઑડિટિંગને રહેવાસીઓ ગંભીરતાથી નથી લઈ રહ્યા

ફાઇલ તસવીર

મુંબઈનાં હાઇરાઇઝ બિલ્ડિંગોમાં આગની ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં મુંબઈ ફાયર બ્રિગેડ કે પછી ટાવરના રહેવાસીઓ ફાયર-ઑડિટિંગને ગંભીરતાથી લઈ રહ્યા નથી. ૮ નવેમ્બરથી ૮ જાન્યુઆરી સુધીમાં મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા ૨૨૩ બિલ્ડિંગોની ચકાસણી કરવામાં આવી હતી જેમાંથી માત્ર ૨૩ બિલ્ડિંગો જ નિયમોનું પાલન કરી રહ્યાં હતાં. ૨૦૨૧ની ૨૨ ઑક્ટોબરે કરી રોડ પર આવેલી ૬૦ માળની વન અવિઘ્ન પાર્કમાં આગ લાગી હતી જેમાં શરૂઆતમાં ફાયર-ફાઇટિંગ સિસ્ટમ કામ કરતી નહોતી. પરિણામે ૧૯મા માળે લાગેલી આગને બુઝાવવામાં ફાયર-ઑફિસરોને મુશ્કેલી થઈ હતી. અન્ય એક ઘટનામાં કાંદિવલી-વેસ્ટમાં આવેલા હંસા હેરિટેજ બિલ્ડિંગના ૧૪મા માળે પાંચમી નવેમ્બરે આગ લાગી હતી, જેમાં બે સિનિયર સિટિઝન મૃત્યુ પામ્યાં હતાં. અહીં પણ ફાયર-ફાઇટિંગ સિસ્ટમ ચાલતી નહોતી. 
નિયમ મુજબ દરેક હાઉસિંગ સોસાયટીએ દર છ મહિને ફાયર-ઑડિટ કરાવવું ફરજિયાત છે. જોકે મુંબઈ ફાયર બ્રિગેડે આ મામલે ૧૩૩ બિલ્ડિંગોને નોટિસ આપી છે. અવિઘ્ન પાર્કની ઘટના બાદ સ્ટૅન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટ મુજબ જાન્યુઆરી ૨૦૨૦થી સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી મૉલ, સ્કૂલ, હૉસ્પિટલ સહિત કુલ ૧૫૨૬ બિલ્ડિંગોમાં ફાયર-સેફ્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ૩૨૭ બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી હતી, જે પૈકી ૭૮ ઇમારતોએ નિયમનું પાલન કર્યું છે. ૧૦૯માં કાર્યવાહી ચાલુ છે તો ત્રણ ૩ બિલ્ડિગ સામે કાર્યવાહી કરવામાં આવી છે.  

mumbai mumbai news prajakta kasale