રસ્તા પરના ખાડા કેવી રીતે પૂરવા એની સૂચના સરકારી સ્ટૅન્ડિંગ કમિટી આપશે

28 October, 2019 12:02 PM IST  |  મુંબઈ | ચેતના સદાડેકર

રસ્તા પરના ખાડા કેવી રીતે પૂરવા એની સૂચના સરકારી સ્ટૅન્ડિંગ કમિટી આપશે

પ્રતિકાત્મક તસવીર

મુંબઈ મહાનગરપાલિકા દાયકાઓથી જુદી-જુદી પદ્ધતિથી રસ્તા પર પડતા ખાડા પૂરવાની મથામણ કરતી હોવા છતાં નિષ્ફળતાનો દોષ વહોરી લેવાની ફરજ પડે છે. હવે સરકારે નિયુક્ત કરેલી સ્ટૅન્ડિંગ ટેક્નિકલ ઍડ્વાઇઝરી કમિટીએ એ ખાડા કેવી રીતે પૂરવા એની સૂચનાની યાદી બહાર પાડી છે. એ સૂચનાને આધારે પાલિકાએ ખાડા પૂરવાના રહેશે. હવે ઉક્ત સૂચનારૂપે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર (એસઓપી) ઑનલાઇન ઉપલબ્ધ થતાં નાગરિકો ખાડા પૂરવાની કાર્યવાહી પર નજર રાખી શકશે.
સ્ટૅન્ડિંગ ટેક્નિકલ ઍડ્વાઇઝરી કમિટીએ તાજેતરમાં મોકલેલી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજરની સૂચનાના અનુસંધાનમાં મુંબઈ મહાનગરપાલિકા હવે રસ્તાના ખાડા પૂરવા માટે ઇમલ્સન, વેટ મિક્સ, ગ્રેન્યુલર સબ-બેઝ અને લાઇમ પાઉડરનો વપરાશ કરી શકશે. અગાઉ લાઇમ પાઉડર વાપરવો ફરજિયાત નહોતો.
મહાનગરપાલિકાના રોડ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે ‘થોડા દિવસો પહેલાં યોજાયેલી સ્ટૅન્ડિંગ ટેક્નિકલ ઍડ્વાઇઝરી કમિટીની બેઠકમાં ઇમલ્સન અને ગ્રેન્યુલર સબ-બેઝ સાથે લાઇમ પાઉડરનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો હતો. વરસાદનાં ભારે ઝાપટાં ફરી શરૂ થતાં રસ્તા પરના ખાડાની સમસ્યા વધુ ગંભીર બની છે. એ સંજોગોમાં સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજરનો સર્ક્યુલર ગયા અઠવાડિયે બહાર પાડવામાં આવ્યો હતો. માર્ગોના સમારકામ પર નાગરિકો નિગરાણી રાખી શકે એ માટે એ સર્ક્યુલર મહાનગરપાલિકાની વેબસાઇટ પર અપલૉડ કરવામાં આવશે.’

mumbai brihanmumbai municipal corporation