SSC બોર્ડ સ્કૂલોના પ્રિન્સિપાલનુ કહેવુ છે, ICSEના હાઈ રિઝલ્ટથી ડરશો નહી

14 July, 2020 11:21 AM IST  |  Mumbai | Mumbai correspondent

SSC બોર્ડ સ્કૂલોના પ્રિન્સિપાલનુ કહેવુ છે, ICSEના હાઈ રિઝલ્ટથી ડરશો નહી

પ્રતીકાત્મક તસવીર

ચાર દિવસ પહેલાં આઇસીએસઈના બોર્ડનું ટેન્થનું રિઝલ્ટ જાહેર થયું હતું, જેમાં ૯૯.૩૩ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. કોરોનાને કારણે લૉકડાઉન કરાતાં ફાઇનલ પરીક્ષાનાં ચાર પેપર બાકી રહી ગયાં હોવાથી ઇન્ટર્નલ ઈ-વૅલ્યુએશનને આધારે માર્ક્સ અપાયા હોવાથી મોટા ભાગના વિદ્યાર્થીઓની ટકાવારી ઊંચી આવી છે. આથી સારી કૉલેજમાં તેમને ઍડ્‌મિશન સરળતાથી મળી જશે અને એસએસસી બોર્ડના વિદ્યાર્થીઓને મુશ્કેલી પડશે એવી ચિંતા વ્યક્ત કરાઈ રહી છે.

એસએસસી બોર્ડની તુલનાએ આઇસીએસઈ બોર્ડ ફાઇનલ એક્ઝામમાં બેસેલા વિદ્યાર્થીઓને યોગ્ય રીતે માર્ક્સ આપતાં હોવાથી એસએસસી બોર્ડના સ્ટુડન્ટ્‌સ માનસિક તાણ અનુભવી રહ્યા છે. કોરોનાને કારણે લૉકડાઉન કરાયું હોવાથી આઇસીએસઈ બોર્ડ દ્વારા ચાર પેપર રદ કરાયાં હોવા છતાં ઇન્ટર્નલ ઈ-વૅલ્યુએશનને આધારે સારા માર્ક્સ આપ્યા છે. એસએસસી બોર્ડમાં જો આવું પરીણામ નહીં આવે તો અનેક વિદ્યાર્થીઓ હતાશામાં સરી પડવાની શક્યતા વાલીઓ વ્યક્ત કરી રહ્યા છે.

આઇસીએસઈ બોર્ડની પાસિંગ ટકાવારીમાં વધારો થવાથી સારી કૉલેજની કટ-ઑફ પણ ઊંચી રહેશે એટલે એસએસસીના સ્ટુડન્ટ્‌સ સારા માર્ક્સ લાવશે તો પણ તેને આવી કૉલેજમાં ઍડ્‌મિશન નહીં મળે.

જુહુમાં આવેલી વિદ્યાનિધિ સ્કૂલના પ્રિન્સિપાલ પ્રિયંકા રાજાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આઇસીએસઈ બોર્ડનું રિઝલ્ટ કાયમ ઊંચું જ આવે છે એટલે એમાં નવાઈ પામવા જેવું કંઈ નથી. એસએસસી બોર્ડનું રિઝલ્ટ હજી સુધી આવ્યું નથી એટલે કેવું રિઝલ્ટ આવશે એ કહેવું અત્યારે યોગ્ય નથી. કટ-ઑફની વાત તો રિઝલ્ટ આવ્યા બાદ આવશે.’

આ પણ વાંચો : અગ્રીમા જોશુઆને રેપની ધમકી આપનાર ‘ઉમેશ દાદા’ નાલાસોપારાથી ઝડપાયો

મીરા રોડમાં આવેલી પી. જી. વોરા સ્કૂલના પ્રિન્સિપાલ જીજી શાજીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચાર પેપર બાકી રહી ગયાં હોવા છતાં આઇસીએસઈ બોર્ડે સ્ટુડન્ટ્‌સને સારું ઇન્ટર્નલ ઈ-વૅલ્યુએશન કરીને માર્ક્સ આપ્યા છે એ બરાબર છે. એસએસસી બોર્ડનું પણ જ્યૉગ્રાફીનું પેપર લૉકડાઉનને લીધે રદ કરાયું હતું. બોર્ડ આ વિષયમાં ઍવરેજ માર્ક્સ આપશે. બીજું, એવું નથી કે એસએસસી બોર્ડના સ્ટુડન્ટ્‌સને આઇસીએસઈ બોર્ડના સ્ટુડન્ટ્‌સ કરતાં ઓછા ટકા આવે છે. ઑનલાઇન ઍડ્‌મિશનની પ્રોસેસમાં એસએસસી બોર્ડને પણ પ્રાથમિકતા અપાતી હોય છે એટલે ચિંતાનું કોઈ કારણ નથી.’

mumbai mumbai news