મુંબઈ: ડાયમન્ડ બુર્સમાં ભડકો

30 September, 2020 07:47 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

મુંબઈ: ડાયમન્ડ બુર્સમાં ભડકો

ડાયમંડના વેપારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં આવેલી ભારત ડાયમન્ડ બુર્સ (બીડીબી)માં ગઈ કાલે સેંકડો નાના વેપારીઓ અને દલાલભાઈઓએ તેમને થતી હેરાનગતિથી પરેશાન થઈને વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને સિક્યૉરિટી અને મૅનેજમેન્ટ સાથે ખાસ્સી બોલાચાલી પણ થઈ હતી અને એને કારણે બીડીબીમાં ગઈ કાલે પરિસ્થિતિ એકદમ સ્ફોટક બની ગઈ હતી. નાના વેપારીઓ અને બ્રોકરોની ફરિયાદ છે કે તેમને કૅમ્પસમાં ઊભા રહીને બિઝનેસ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

તેમનું કહેવું છે કે મોટા વેપારીઓ તો તેમની ઑફિસમાં ધંધો કરી લે છે, પણ અમારા જેવા નાના વેપારીઓ અને દલાલભાઈઓએ શું કરવું? કોરોનાના આ કપરા કાળમાં અનેક મુશ્કેલીઓ વેઠીને અહીં આવીએ છીએ, પણ બિઝનેસ કરવા કૅમ્પસમાં ઊભા રહેવાની જ મનાઈ હોય તો અમારે ધંધો કરવો કઈ રીતે? અધૂરામાં પૂરું, જો ઊભા રહીને વાત કરીએ તો સિક્યૉરિટીવાળા આવીને અમારું એન્ટ્રી-કાર્ડ પણ લઈ લે છે. આને કઈ રીતે ચલાવી લેવાય? કરગરીને ભાઈબાપા કરીને એ કાર્ડ પાછું મેળવવું પડે છે.

ભારત ડાયમન્ડ બુર્સમાં થયેલી આ ધમાલ વિશે હીરાના એક વેપારી ભરત મોડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાને કારણે બીડીબી દ્વારા હાલમાં બહુ જ રિસ્ટ્રિક્શન મૂક્યાં છે જેથી નાના વેપારીઓ જેમની પોતાની ઑફિસ નથી અને દલાલભાઈઓ જેઓ વર્ષોથી ઊભા રહીને જ ધંધો કરતા આવ્યા છે તેમની હાલત કફોડી થઈ છે. આ નાના વેપારીઓ જ આ ધંધાના મૂળમાં છે. હાલમાં કોરોનાને કારણે કૅફેટેરિયા બંધ છે. બીજું, બીડીબીનો કૅમ્પસ બહુ મોટો હોવાથી ઠેર-ઠેર પહેલાં બાંકડા રાખ્યા હતા, પણ એના પર પણ રિબિન બાંધીને ત્યાં બેસવાની મનાઈ ફરમાવાઈ છે. ઑફિસોમાં પણ સ્ટાફ સાથેના લોકોની મર્યાદા છે. તો આ નાના વેપારી જાય ક્યાં?’

તેમણે વધુમાં કહ્યું, ‘વળી આ વેપારીઓ બોરીવલી, ભાઈંદર, વસઈથી આવે છે. ઘણા સેન્ટ્રલ લાઇનમાંથી આવે છે. તેઓ એક તો બસમાં કલાકો સુધી ઊભા રહીને પ્રવાસ કરીને અહીં આવે અને તેમને બેસવા ન મળે, પણ ઊભા રહેવા પણ ન મળે એ વળી કેવુ?’

બીડીબીનો કૅમ્પસ મોટો છે. કોરોના સંદર્ભે સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા મૉલમાં જે રીતે સફેદ કૂંડાળાં કરાય છે એ રીતે બીડીબી કૅમ્પસમાં પણ એવાં કૂંડાળાં કરવામાં આવે તો આ સમસ્યા ઉકેલી શકાય એમ છે. લોકો ઊભા પણ રહી શકે અને સોશ્યલ ડિસ્ટન્સિંગ પણ જળવાય અને તેમનો ધંધો પણ થઈ શકે. અત્યાર સુધી એવું જ બનતું આવ્યું છે કે નાના વેપારીઓ અને દલાલભાઈઓની જે પણ રજૂઆતો બીડીબીમાં થાય છે એને ગણતરીમાં જ લેવાતી નથી. માત્ર મોટી ઑફિસમાં ધંધો કરતા વેપારીઓનો જ ખ્યાલ રાખવામાં આવે છે.’

આ બાબતે ‘મિડ-ડે’ દ્વારા બીડીબીના પ્રમુખ અનુપ મહેતાનો સંપર્ક કરવાની કોશિશ થઈ હતી, પણ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. બીડીબીના સેક્રેટરી કિરણ ગાંધીઅે એટલું જ કહ્યું કે આ ઘટના વિશે મને કોઈ જાણ નથી.

નાના વેપારીઓ અને બ્રોકરો જનરલી કૅમ્પસમાં ઊભા રહીને કે પછી બાંકડે બેસીને ધંધો કરતા હોય છે, પણ હવે બીડીબીના નિયમ મુજબ તેમને ભેગા થઈને ઊભા રહેવા પર જ પ્રતિબંધ છે. કૅમ્પસમાં કોઈએ ઊભા રહેવું નહીં. જો કૅમ્પસમાં હો તો તમારે ચાલતા જ રહેવું પડે. હવે જો હીરાનું પડીકું એક વ્યક્તિએ બીજી વ્યક્તિને બતાવવું હોય તો એ ચાલતાં-ચાલતાં બતાવવું કઈ રીતે શક્ય બને?
- ભરત મોડિયા, વેપારી

mumbai mumbai news bandra