સાયન હૉસ્પિટલે મૃતકનો મૃતદેહ અન્ય પરિવારને આપી દીધાનો આક્ષેપ

14 September, 2020 09:51 AM IST  |  Mumbai | Mumbai Correspondent

સાયન હૉસ્પિટલે મૃતકનો મૃતદેહ અન્ય પરિવારને આપી દીધાનો આક્ષેપ

અંકુશ

વડાલામાં રહેતા ૨૮ વર્ષના અંકુશ ગૌતમ સરોન્દે ૧૪ દિવસ પહેલાં રોડ-ઍક્સિડન્ટમાં ગંભીર રીતે ઘાયલ થતાં સાયન હૉસ્પિટલમાં તેને સારવાર અપાઈ રહી હતી, ત્યાર બાદ શનિવારે મધરાત બાદ પરિવારને કહેવાયું કે તેનું મૃત્યુ થયું છે. એ પછી તેનો મૃતદેહ અન્ય કોઈને સોંપી દેવાયો અને તે પરિવારે પણ મૃતદેહના અંતિમ સંસ્કાર કરી દીધા હોવાનો આક્ષેપ અંકુશના પરિવારે કર્યો છે. આ બાબતે તેઓ સાયન હૉસ્પિટલ પ્રશાસન સામે સાયન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા ત્યારે પ્રાથમિક તપાસ ચાલુ કરી હૉસ્પિટલ સ્ટાફ દ્વારા ખરેખર એવી બેદરકારી થઈ છે કેમ એ વિશે પોલીસ ઓફિસરે હૉસ્પિટલ જઈ તપાસ ચાલુ કરી હતી.

ઘટના વિશે માહિતી આપતાં સમાજસેવક સમીર સિદ્દીકીએ કહ્યું હતું કે અંકુશ ડાન્સર હતો. પહેલા ફ્રી વે પર તેનો અકસ્માત થયો હતો. તેને માથામાં માર લાગ્યો હતો. સારવાર માટે તેને લોકમાન્ય ટિળક હૉસ્પિટલ (સાયન હૉસ્પિટલ) લઈ જવાયો હતો અને તેની સારવાર ચાલી રહી હતી. શનિવારે મધરાત બાદ તેના પરિવારને જાણ કરાઈ કે અંકુશનું મૃત્યુ થયું છે. ત્યાર બાદ તેનો મૃતહે પણ તેમને અપાયો નહોતો.

ગઈ કાલે બપોરે એમ કહેવામાં આવ્યું કે તેનો મૃતદેહ બીજા પરિવારના પંચાવન વર્ષના મૃતક દરદીના પરિવારને ભૂલથી અપાઈ ગયો છે અને તેના અંતિમ સંસ્કાર પણ થઈ ગયા છે. એથી અંકુશનાં વૃદ્ધ માતા-પિતા અને બહેન ભાંગી પડ્યાં હતાં. તેમણે હૉસ્પિટલની આવી બેદરકારી બદલ આક્ષેપ કરી સાયન પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી. પોલીસે હકીકત જાણવા ફરિયાદ નોંધતાં પહેલાં સાયન હૉસ્પિટલ જઈ ખરાઈ ચકાસવા પ્રયાસ હાથ ધર્યા હતા.

આ સંદર્ભે વડાલાના સ્થાનિક નેતા કાલિદાસ કોળંબકરે કહ્યું હતું કે તેમણે હૉસ્પિટલના હાલના ઇન્ચાર્જ ડૉ. જોશી સાથે વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે જે કોઈ પણ આમાં દોષી હશે તેની સામે પગલાં લેવાશે. એસીપી અને ડીસીપી સાથે પણ આ સંદર્ભે વાત કરી છે અને તેમણે પગલાં લેવાશે એવું આશ્વાસન આપ્યું છે.

‘મિડ-ડે’ દ્વારા ડૉ. જોશીનો સંપર્ક કરવાની કોશિશ કરાઈ ત્યારે તેમના અસિસ્ટન્ટે કહ્યું હતું કે તેઓ મીટિંગમાં છે. એથી તેમની સાથે વાત થઈ શકી નહોતી.

mumbai mumbai news sion