લોકડાઉનમાં મજૂરો વતનભેગા થઈ જતાં મેટ્રો રેલવેનું કામ ચાર મહિના લંબાયુ

11 July, 2020 07:43 AM IST  |  Mumbai | Mumbai correspondent

લોકડાઉનમાં મજૂરો વતનભેગા થઈ જતાં મેટ્રો રેલવેનું કામ ચાર મહિના લંબાયુ

મેટ્રો રેલવેનું કામ

લોકડાઉન દરમ્યાન સર્વસામાન્ય બાંધકામ પ્રવૃત્તિ જોરશોરથી આગળ વધી રહી છે. પરંતુ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી(MMRDA)નો અનુભવ સાવ જૂદો છે. લોકડાઉનમાં મજૂરો વતનમાં પહોંચી ગયા હોવાથી MMRDAની દહીસરથી અંધેરી(પૂર્વ) અને દહીસરથી ડી.એન.નગર (અંધેરી-પશ્ચિમ) સુધીની મેટ્રો રેલવે લાઇનોનું કામ અટકી પડ્યું છે. મેટ્રો રેલવેની એ બે લાઇનોનું કામ ૨૦૨૦ના ડિસેમ્બરમાં પૂરું થવાનું હતું. પરંતુ હવે એ કામ ઓછામાં ઓછા ત્રણથી ચાર મહિના વિલંબમાં પડશે.

લોકડાઉનની શરૂઆતમાં MMRDA ના અધિકારીઓને એવું લાગ્યું હતું કે મુખ્ય માર્ગો પર વાહનોની અવર જવર અને બીજા અવરોધો ઘટતાં કામ વહેલું પૂરું થશે. પરંતુ મજૂરોએ સામુહિક રીતે વતન ભણી પ્રયાણ કરતાં મોટી મુશ્કેલી ઊભી થઈ હતી. જોકે આઠ-દસ દિવસોથી મજૂરો ફરી મુંબઈમાં પાછા આવવા માંડતાં કામ ધીમે ધીમે ગતિશીલ થવા માંડ્યું છે.

MMRDA ના તંત્રે મુંબઈ તથા MMRમાં મેટ્રો નેટવર્કના વિસ્તાર સહિત સંખ્યાબંધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે. એમાં દહીસરથી અંધેરી (પૂર્વ)ની મેટ્રો લાઇન, દહીસરથી ડી.એન.નગર (અંધેરી-પશ્ચિમ)ની મેટ્રો લાઇન, વડાલા-થાણે-કાસારવડવલી મેટ્રો લાઇન, ડી.એન.નગર મંડાલે, સ્વામી સમર્થ નગરથી વિક્રોલીની મેટ્રો લાઇનોનો સમાવેશ છે. એ પ્રોજેક્ટ્સમાં શિવડી-ન્હાવા શેવા ટ્રાન્સ હાર્બર લિન્ક પ્રોજેક્ટ જેવા અન્ય વિરાટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ છે. 13 સ્ટેશનો ધરાવતી 16.475 કિલોમીટર લાંબી મેટ્રો લાઇન-7 એલિવેટેડ કોરીડોર રૂપે બંધાશે. એ મેટ્રો લાઇન માટે દહીસરમાં 15 હેક્ટર જમીન પર ડેપો બંધાઈ રહ્યો છે. મેટ્રો લાઇન-7 અંધેરીથી એરપોર્ટ સુધી અને દહીસરથી મીરા-ભાયંદરના છત્રપતિ શિવાજી મહારાજ ચોક સુધી લંબાવવામાં આવશે અને એ વિસ્તારિત મેટ્રો લાઇનને મેટ્રો-9 નામ અપાયું છે. દહીસરથી ડી.એન.નગર સુધીની ૧૮.૫૮૯ કિલોમીટરની મેટ્રો લાઇનના ૧૭ સ્ટેશનો રહેશે.

mumbai mumbai news mumbai metro dahisar andheri lockdown coronavirus covid19