શિવસેનાની બોલતી બંધ : એનસીપી મુસ્લિમ અનામત કાયદો લાવશે

29 February, 2020 07:45 AM IST  |  Mumbai | Dharmendra Jore

શિવસેનાની બોલતી બંધ : એનસીપી મુસ્લિમ અનામત કાયદો લાવશે

નવાબ મલિક

એનસીપીના નેતા અને મહારાષ્ટ્રના લઘુમતી ખાતાના પ્રધાન નવાબ મલિકે ગઈ કાલે રાજ્ય સરકારની નોકરીઓમાં અને શિક્ષણમાં પાંચ ટકા અનામતની જોગવાઈનો કાયદો લાવવાની જાહેરાત કરી હતી. બીજેપીએ આ ઘટનાને સત્તા પર ટકી રહેવા માટે શિવસેનાની એનસીપી અને કૉન્ગ્રેસ જોડે સોદાબાજી ગણાવી હતી.

નવાબ મલિકે વિધાન પરિષદમાં જણાવ્યું હતું કે ‘મુસ્લિમો માટે પાંચ ટકા અનામતની જોગવાઈ માટે મહાવિકાસ આઘાડીની સરકારમાં રાજ્યપાલ વટહુકમ બહાર પાડશે અને પછી એનો કાયદો બનશે. બજેટસત્ર પછી આ કાર્યવાહી શરૂ કરવાની શક્યતા છે.’ કૉન્ગ્રેસના વિધાનસભ્ય શરદ રણપિસેના સવાલના જવાબમાં નવાબ મલિકે જણાવ્યું હતું કે ‘મુસ્લિમોને આરક્ષણની શરૂઆત શિક્ષણ ક્ષેત્રથી કરવામાં આવશે. ત્યાર પછી સરકારી અને ખાનગી નોકરીઓમાં આરક્ષણનો કાયદો લાવવામાં આવશે. ૨૦૧૪માં એ વખતની કૉન્ગ્રેસ-એનસીપી સરકારે જોગવાઈ કર્યા પછી શિક્ષણમાં પાંચ ટકા અનામતને મુંબઈ વડી અદાલતે માન્ય રાખી છે. નોકરીઓમાં અનામતનું પ્રમાણ મહાવિકાસ આઘાડી પછીથી નક્કી કરશે.’

મુંબઈ વડી અદાલતે મરાઠા અનામતની માગણી નામંજૂર કરી હતી અને મુસલમાનો માટે શિક્ષણમાં અનામતની જરૂરિયાત સ્વીકારી હતી, પરંતુ બીજેપી અને શિવસેનાની સરકારે ૨૦૧૪થી ૨૦૧૯ સુધીની મુદતમાં મુસ્લિમોની અનામતની જરૂરિયાતની અવગણના કરીને મરાઠા સમુદાયને નોકરીઓ અને શિક્ષણમાં ૧૬ ટકા અનામતની તરફેણ કરી હતી. એ જોગવાઈને પછીથી મુંબઈ વડી અદાલતે માન્ય રાખતાં અનામતની ૧૩ ટકાની મર્યાદા બાંધી હતી. એ બાબતમાં સર્વોચ્ચ અદાલતમાં અપીલ પેન્ડિંગ છે.

વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં મુસલમાનોને અનામતની કાનૂની જોગવાઈનું વચન કૉન્ગ્રેસ અને એનસીપીએ આપ્યું હતું. જો અનામતની આ જોગવાઈ મહાવિકાસ આઘાડીના કૉમન મિનિમમ પ્રોગ્રામમાં સામેલ નહીં હોય તો નવા કાયદા બાબતે કૉન્ગ્રેસ-એનસીપી અને શિવસેના વચ્ચે વિવાદ થવાની શક્યતા છે.

વિધાન પરિષદમાં વિરોધ પક્ષ (બીજેપી)ના નેતા પ્રવીણ દરેકરે લઘુમતી ખાતાના પ્રધાન નવાબ મલિકની જાહેરાત બાબતે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની સ્પષ્ટતા માગી હતી.

shiv sena nationalist congress party mumbai mumbai news dharmendra jore