સગીરાના બળાત્કારના આરોપી યુવાનની ધરપકડ, ગર્ભવતી થઈ જતા ગુનો સામે આવ્યો

25 February, 2025 07:12 AM IST  |  Palghar | Gujarati Mid-day Online Correspondent

Mumbai Sexual Crime News: પાલઘરમાં 16 વર્ષની કિશોરી પર દુષ્કર્મ, 22 વર્ષીય આરોપી ઝડપાયો. તબીબી તપાસમાં છ અઠવાડિયાનો ગર્ભ હોવાનો ખુલાસો થતા ગુનો બહાર આવ્યો

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં 16 વર્ષની એક કિશોરીનો બળાત્કાર કરનાર 22 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી છે. કિશોરીના ગર્ભવતી હોવાનો ખુલાસો થયા બાદ મામલો સામે આવ્યો હતો. તબીબી તપાસમાં જાણવા મળ્યું કે યુવતી છ અઠવાડિયાનો ગર્ભ હતો. પોલીસ મુજબ, આરોપી અને પીડિતા નલાસોપારા વિસ્તારની રહેવાસી છે  અને બંને એકબીજાને અગાઉથી ઓળખતા હતા. પોલીસના અહેવાલ મુજબ, ગયા મહિને યુવતી ઘરમાં એકલી હતી ત્યારે આરોપીએ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું. કિશોરીના ગર્ભવતી હોવાનો ખુલાસો થતા માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. જેના આધારે અછોલે પોલીસ સ્ટેશન દ્વારા આરોપીને શનિવારે ઝડપી લેવામાં આવ્યો હતો. તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 64 અને POCSO (Protection of Children from Sexual Offences Act) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

થાણે: મૃતક શખ્સ વિરુદ્ધ 17 વર્ષની યુવતી પર બળાત્કારનો કેસ નોંધાયો
આવા જ એક કિસ્સામાં મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં 17 વર્ષીય કિશોરીના બળાત્કારના આરોપમાં એક મૃતક વિરુદ્ધ કેસ નોંધાયો છે. પીડિતાની માતાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પીડિતા અને આરોપી એક જ વિસ્તારમાં રહેવાસી  હતા. માહિતી અનુસાર, આરોપી 2024ના જૂનથી ઓગસ્ટ મહિના દરમિયાન યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચરતો હતો. 14મી ફેબ્રુઆરીએ યુવતીએ બાળકને જન્મ આપતા આ મામલો વધુ ગંભીર બન્યો છે. આરોપીએ પરિવારની મનાઈ હોવા છતાં યુવતી સાથે લગ્ન કર્યા હતા. પોલીસ હજુ પણ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

પાલઘર: સગા ભાઈ અને કાકા દ્વારા કિશોરી પર વારંવાર બળાત્કાર, ગર્ભપાત કરાવવામાં આવ્યો
પાલઘર જિલ્લામાં આવી જ એક આઘાતજનક ઘટના સામે આવી છે, જ્યાં 16 વર્ષની સગીરા પર તેના 18 વર્ષીય ભાઈ અને કાકાએ વારંવાર દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ તેને ગર્ભપાત કરવા માટે બળજબરી કરી. પીડિતાની ફરિયાદના આધારે મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આ દુષ્કર્મ ઑક્ટોબરથી ડિસેમ્બર 2023 વચ્ચે અનેકવાર કરાયું હતું. જ્યારે પીડિતા ગર્ભવતી બની ત્યારે કાકાએ તેને મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક મેડિકલ સેન્ટરમાં લઈ જઈને ગર્ભપાત કરાવ્યો. બંને આરોપીઓ વિરુદ્ધ બળાત્કાર, બળજબરીથી ગર્ભપાત અને ગુનાહિત ધમકી માટે ભારતીય ન્યાય સંહિતા અને  POCSO (Protection of Children from Sexual Offences Act)  હેઠળ કેસ નોંધાયો છે.

થાણે: યુવતી પર બળાત્કારનો વીડિયો વાયરલ, ત્રણ આરોપીની ધરપકડ
મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં એક 19 વર્ષની યુવતી સાથે આચરાયેલા દુષ્કર્મનો વીડિયો વાયરલ થતા કેસ નોંધાયો છે. ભિવંડી પોલીસે રવિવારે 22 વર્ષીય આરોપી અને તેની એક સ્ત્રી મિત્ર તથા અન્ય એક શખ્સને પકડી પાડ્યા હતા. પોલીસ અનુસાર, આરોપી પીડિતાને સાથે ફરવા માટે બોલાવીને લોજમાં લઈ ગયો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. એ પછી બે અન્ય શખ્સોએ આ ઘટનાનો વીડિઓ ઉતારી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વીડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયાના એક મહિના બાદ પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તમામ આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે અને મામલાની વધુ તપાસ ચાલી રહી છે.

 

sexual crime Rape Case palghar Protection of Children from Sexual Offences Act POCSO mumbai crime news Crime News thane crime mumbai news news