UGCએ ફાઇનલ યરની પરીક્ષા સપ્ટેમ્બર સુધીમાં યોજવાની સમયમર્યાદા નક્કી કરી

08 July, 2020 08:06 AM IST  |  Mumbai | Pallavi Smart

UGCએ ફાઇનલ યરની પરીક્ષા સપ્ટેમ્બર સુધીમાં યોજવાની સમયમર્યાદા નક્કી કરી

ગઈ કાલે એનસીપીના સ્ટુડન્ટ્સ યુનિયને સરકારના વહીવટી બિલ્ડિંગની સામે કર્યો હતો વિરોધ.

પરીક્ષાઓના મામલે પ્રવર્તી રહેલો ગૂંચવાડો મુંબઈ યુનિવર્સિટીના ફાઇનલ યરના વિદ્યાર્થીઓનો પીછો છોડવા તૈયાર ન હોય એમ જણાઈ રહ્યું છે. રાજ્યમાં કોરોનાના સંકટને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ફાઇનલ યરના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ નહીં યોજાય એવી 31 મેએ જાહેરાત કરી હોવા છતાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)એ સોમવારે જાહેર કરેલી નવી માર્ગદર્શિકા અનુસાર પરીક્ષાઓ ઑનલાઇન કે ઑફલાઇન મોડ (જે પણ શક્ય હોય એ) થકી આ વર્ષે મોડામાં મોડી સપ્ટેમ્બર સુધીમાં યોજાવી જોઈએ. આ નવી માર્ગદર્શિકાઓ મામલે વિદ્યાર્થીઓમાં અસંમતિ પ્રવર્તી રહી છે અને શહેરમાં એનો વિરોધ પણ થયો હતો.

મંગળવારે સરકારની વહીવટી બિલ્ડિંગની બહાર દેખાવો કરનાર એનસીપી વિદ્યાર્થી સંગઠનના પ્રેસિડન્ટ અમોલ મતેલેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘માત્ર મહારાષ્ટ્ર જ નહીં બલકે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ માટે પણ આ ગેરવાજબી છે. વિદ્યાર્થીઓ રાજ્ય સરકારના નિર્ણય સાથે સંમત હતા ત્યારે યુજીસીએ યુ-ટર્ન લીધો છે. પરંતુ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતાં ખાસ કરીને કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે પરીક્ષાઓ હાથ ધરવી જોખમી છે.’

વિદ્યાર્થી ભારતી નામના સંગઠનનાં રાજ્ય પ્રમુખ મંજરી ધુરીએ જણાવ્યું હતું કે ‘સ્વાસ્થ્ય સંકટની વચ્ચે તમામ વિદ્યાર્થીઓ માટે આ આંચકા સમાન છે. જો આ નિર્ણય સાત દિવસમાં પાછો ન ખેંચાયો તો અમે ભૂખ હડતાળ પર જઈશું.’

મહારાષ્ટ્ર સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખ સિદ્ધાર્થ ઇંગલેએ જણાવ્યું હતું કે ‘કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે આ સ્પષ્ટપણે રાજકીય રમત છે અને અમે એના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં મુકાવા નહીં દઈએ.’

mumbai mumbai news lockdown coronavirus mumbai university pallavi smart