મલાડમાં સતર્ક સિક્યૉરિટી ફોર્સે સિનિયર સિટિઝનનો જીવ બચાવ્યો

11 February, 2020 07:44 AM IST  |  Mumbai

મલાડમાં સતર્ક સિક્યૉરિટી ફોર્સે સિનિયર સિટિઝનનો જીવ બચાવ્યો

મલાડ રેલવે-સ્ટેશને ઉગારી લેવાયેલા રોહિદાસ કાપુર.

મલાડ રેલવે-સ્ટેશને ટ્રેન પકડી રહેલા ૬૫ વર્ષના એક સિનિયર સિટિઝનને ટ્રેન સાથે ઢસડાતા જોયા બાદ તેમની મદદે દોડી આવીને મહારાષ્ટ્ર સિક્યૉરિટી ફોર્સની ટીમે જીવ બચાવ્યો હતો.

મલાડ રેલવે પોલીસે જણાવ્યા મુજબ ગઈ કાલે સવારે મલાડ રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર-બે પર ૧૦.૪૨ વાગ્યાની ચર્ચગેટ તરફ જતી ટ્રેન પકડવા મલાડમાં રહેતા ૬૫ વર્ષના રોહિદાસ કાપુર પહોંચ્યા હતા. ટ્રેન ચાલુ થઈ ગઈ હોવાથી તેઓ દરવાજાનું હૅન્ડલ પકડીને ટ્રેનની અંદર જવાના પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ટ્રેને સ્પીડ પકડી લેતાં તેઓ ટ્રેન સાથે ઢસડાતા હતા એ જોઈને લોકો બૂમાબૂમ કરી મૂકી હતી.

લોકોનો અવાજ સાંભળીને રેલવે-સ્ટેશન પર હાજર મહારાષ્ટ્ર સિક્યૉરિટી ફોર્સ (એમએસએફ)ના જવાનો પાયલ પેટકર, રમેશ થોમરે અને અમોલ થોટે દોડી ગયાં હતાં અને તેમણે રોહિદાસને સાવધાનીથી પકડીને ટ્રેનથી અલગ કર્યા હતા.

આ બનાવ જોઈને લોકોએ ચેઇન-પુલિંગ કરતાં ટ્રેન અટકી હતી. સિક્યૉરિટી ફોર્સની ટીમે ચપળતા દાખવીને પ્રવાસીનો જીવ બચાવ્યો હોવાથી લોકોએ તેમને બિરદાવ્યાં હતાં.

એમએસફ ટીમે કહ્યું હતું કે ચાલતી ટ્રેને ઢસડાઈ રહેલા રોહિદાસ કાપુરની પૂછપરછ કરતાં તેઓ મલાડ (વેસ્ટ)માં મ્હાડા કૉલોની, ભૂમિ ટાવરની બાજુમાં, એકતાનગરના ૨૨૦૩ નંબરના ફ્લૅટમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ મલાડથી ટ્રેન પકડીને સાંતાક્રુઝ જવાના હતા.

મલાડ રેલવે-સ્ટેશન પર જે જગ્યાએ આ ઘટના બની હતી ત્યાં સીસીટીવી કૅમેરા ન હોવાથી ફુટેજ નથી, પણ એ સમયે રેલવે-સ્ટેશન પર હાજર તમામ મુસાફરોએ જીવના જોખમે એક પ્રવાસીનો જીવ બચાવનાર સિક્યૉરિટી ફોર્સની ટીમનો આભાર માન્યો હતો.

mumbai mumbai news malad