બાળકોને કટોકટીનો સામનો કરવાની ટ્રેઇનિંગ આપો

23 December, 2014 05:40 AM IST  | 

બાળકોને કટોકટીનો સામનો કરવાની ટ્રેઇનિંગ આપો




પેશાવરની સ્કૂલ પર તાલિબાની આતંકવાદીઓએ હુમલો કરીને ૧૩૨ બાળકોની હત્યા કરી ત્યાર પછી મુંબઈ પોલીસે સ્કૂલોને સિક્યૉરિટી મજબૂત બનાવવા માટે સૂચનાઓ આપવાનું શરૂ કર્યું છે. જોકે સ્કૂલો સિક્યૉરિટી મજબૂત બનાવવાને બદલે સ્ટુડન્ટ્સને કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે સુસજ્જ બનાવવા પર ભાર મૂકે છે.

સ્ટુડન્ટ્સને કટોકટીની સ્થિતિ માટે ટ્રેઇન કરવાની જરૂરિયાત વિશે સાંતાક્રુઝની પોદ્દાર ઇન્ટરનૅશનલ સ્કૂલનાં પ્રિન્સિપાલ વંદના લુલ્લાએ જણાવ્યું હતું કે ‘સ્કૂલની બાઉન્ડરી-વૉલ્સ તથા અન્ય દીવાલોની ઊંચાઈ વધારવાથી, ઘ્ઘ્વ્સ્ કૅમેરા ગોઠવવાથી કે ગેટ પર કડક જડતી લેવાથી સિક્યૉરિટીની બાબતમાં સાધારણ ફેર પડશે. બાળકોને સિક્યૉરિટીના નિયમોનાં બંધનોમાં મૂકવાને બદલે તેમને કટોકટીની સ્થિતિનો મુકાબલો કરવા માટે સુસજ્જ કરવા પર ધ્યાન આપવું જરૂરી છે. અનેક દેશમાં સ્કૂલોમાં સ્ટુડન્ટ્સ અને સ્ટાફ માટે સેફ્ટી-ડ્રિલ્સ થાય છે. એમાં બાળકોને કમ્પ્લીટ લૉક ડાઉનની તાલીમ આપવામાં આવે છે. સ્ટુડન્ટ્સને રૂમમાં લાઇટો બંધ કરીને પોતાને સદંતર લૉક કરીને રાખવાની તાલીમ આપવામાં આવે છે. ટૂંકમાં સ્ટુડન્ટ્સને આવી ઇમર્જન્સી માટે માનસિક અને શારીરિક તથા સતર્કતાની દૃષ્ટિએ તૈયાર કરવાની જરૂર છે. અત્યારે શહેરની અનેક સ્કૂલોમાં આગ લાગે ત્યારે સ્ટુડન્ટ્સને કેવી રીતે હૅન્ડલ કરવા એ બાબતની કોઈને માહિતી હોતી નથી. એ ખૂબ જ ભય અને ચિંતાનો વિષય છે.’

સલામતી વિશેની તૈયારી બાબતે ખારની કમલા હાઈ સ્કૂલનાં પ્રિન્સિપાલ રેખા શહાણીએ જણાવ્યું હતું કે ‘મોટી ઇમર્જન્સી આવે ત્યારે સારામાં સારી સિક્યૉરિટીની વ્યવસ્થા નિષ્ફળ જાય છે. અમે સ્કૂલમાં આવતા અને અંદરથી બહાર નીકળતા લોકો પર નિગરાણી અને જડતી લેવાની પૂરેપૂરી જોગવાઈ કરી છે, પરંતુ અમે કોઈ ઇમર્જન્સી વેળા સાવચેતી વિશે સ્ટુડન્ટ્સ સાથે ચર્ચા કરવાનો નિર્ણય લીધો છે.’

કેટલીક સ્કૂલોને પોલીસ તરફથી સિક્યૉરિટી માટે ચોક્કસ પ્રકારનાં પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે, જેમ કે બાંદરાની એક સ્કૂલને તૂટેલી બાઉન્ડરી-વૉલ રિપેર કરાવવા અને સ્કૂલમાં આવતા અને ત્યાંથી બહાર નીકળતા લોકોની નોંધ રાખવા જણાવાયું છે. બાંદરામાં પોલીસે સ્કૂલોની મુલાકાતો લઈને ત્યાંની હાલત અને સિક્યૉરિટી અરેન્જમેન્ટ્સનું નિરીક્ષણ કર્યું છે.