નાલાસોપારાની સોસાયટીનું એક્ઝામ્પલ ફૉલો કરવા જેવું

03 March, 2021 07:13 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

નાલાસોપારાની સોસાયટીનું એક્ઝામ્પલ ફૉલો કરવા જેવું

સોસાયટીના રહેવાસીઓએ કમ્પાઉન્ડની દીવાલો પેઇન્ટ કરવાની સાથે પરિસર પણ સાફ કર્યો હતો.

એકબીજાના સાથથી ગમે એવા સંજોગોને ઉકેલી શકાય છે એનું ‍ઉત્તમ ઉદાહરણ નાલાસોપારાની સોસાયટીએ પૂરું પાડ્યું છે. સોસાયટીની દીવાલોને પેઇન્ટ કરવા માટે કૉન્ટ્રૅક્ટરે ૨૫,૦૦૦ રૂપિયાથી વધુનો ખર્ચ આવશે એવું કહ્યું હતું, પરંતુ કોરોનાકાળમાં એટલા પૈસા ક્યાં ખર્ચવા એવો વિચાર કરીને સોસાયટીના રહેવાસીઓએ સાથે મળી કલર લાવીને દીવાલો સાફ અને પેઇન્ટ કરી હતી અને એને એકદમ ક્લીન કરીને ચકાચક કરી નાખી હતી.

નાલાસોપારા (ઈસ્ટ)માં લિન્ક રોડ પર આવેલી સંગીત કો-ઑપરેટિવ સોસાયટીમાં ત્રણ વિન્ગમાં ૬૦ ફ્લૅટ છે. આ સોસાયટીના રહેવાસીઓ કોરોનામાં સ્વચ્છતા અને પૈસાની બચત કરવા માટે આગળ આવ્યા હતા. સોસાયટીના સેક્રેટરી નીલેશ પટેલે આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોના વખતે અમે બિલ્ડિંગને ફ્લોર મુજબ સ્વચ્છ કરવાની સાથે પરિસર પણ સ્વચ્છ રાખતા હતા. હાલમાં પણ અમે બિલ્ડિંગ ફરતેનું કમ્પાઉન્ડ ક્લીન કરીને પેઇન્ટ કરાવવાનું નક્કી કર્યું હતું. એથી કૉન્ટ્રૅક્ટર પાસે બજેટ કઢાવ્યું તો કોઈ કૉન્ટ્રૅક્ટરે ૨૫,૦૦૦ તો કોઈએ ૩૦,૦૦૦ રૂપિયા કહ્યા હતા. કોરોનાકાળમાં એટલો ખર્ચ ક્યાં કરવો એવું વિચારીને સોસાયટીના લોકો ભેગા થયા હતા અને જાતે જ પેઇન્ટ કરવાનો નિર્ણય લીધો હતો. અમે ૫૦ લિટર જેટલો કલર અને બીજી વસ્તુઓ લાવ્યા અને ફક્ત ૨૫૦૦ રૂપિયામાં આખું કામ પૂરું કરી લીધું હતું. માત્ર સફાઈ-કર્મચારીના ભરોસે જ સ્વચ્છતા નહીં થઈ શકે, સોસાયટીના રહેવાસીઓએ પણ આગળ આવવું જરૂરી છે. કલર અને સ્વચ્છતા કરવામાં બચ્ચાપાર્ટી, સિનિયર સિટિઝનો, સોસાયટીના પદાધિકારીઓ વગેરેએ સાથે મળીને કામ કર્યું છે. કોરોનાકાળમાં સોસાયટી દ્વારા ત્રણ મહિના ૪૦ ટકા મેઇન્ટેનન્સ માફ કરવામાં આવ્યું હતું. એક સમયે અમને સોસાયટીના પાછળના ભાગમાં જવામાં સંકોચ થતો હતો, પરંતુ રહેવાસીઓ દ્વારા સતત પાછળના ભાગની ગંદકી દૂર કરીને એ જગ્યાએ સ્વચ્છતા અને વૃક્ષારોપણ કરીને ગાર્ડનનું રૂપ આપવામાં આવતાં અહીં મૉર્નિંગ વૉક કરવામાં આવે છે.’

preeti khuman-thakur nalasopara coronavirus covid19 mumbai news