સંજય નિરુપમનો આક્ષેપ : દાદરના આંબેડકર ભવનના ડિમોલિશન પાછળ મંગલ પ્રભાત લોઢા

03 July, 2016 05:57 AM IST  | 

સંજય નિરુપમનો આક્ષેપ : દાદરના આંબેડકર ભવનના ડિમોલિશન પાછળ મંગલ પ્રભાત લોઢા




વરુણ સિંહ


દાદરના આંબેડકર ભવનના ડિમોલિશન પછી ડૉ. બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓ ઉશ્કેરાયા એના એક અઠવાડિયા પછી કૉન્ગ્રેસના મુંબઈ એકમના પ્રમુખ સંજય નિરુપમે નવો વિવાદ ઊભો કર્યો છે. સંજય નિરુપમે આંબેડકર ભવનના તોડકામ પાછળ ગ્થ્ભ્ના વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ સ્થાપેલા લોઢા ગ્રુપનો હાથ હોવાનો આરોપ મૂક્યો છે.

ગઈ કાલે આંબેડકર ભવનની મુલાકાતે ગયેલા સંજય નિરુપમે ગયા અઠવાડિયાના ડિમોલિશન પાછળ લોઢા બિલ્ડર્સનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. સંજય નિરુપમે જણાવ્યું હતું કે ‘ડૉ.બાબાસાહેબ આંબેડકરને સંબંધિત બિલ્ડિંગને તોડવાની બીજા કોની હિંમત હોઈ શકે? લોઢા બિલ્ડર્સ ઘણા વખતથી રીડેવલપમેન્ટ માટે એ એરિયા પર નજર રાખે છે.’

સંજય નિરુપમે બિલ્ડરે મામલો પોતાની તરફેણમાં લેવા માટે કેટલાક લોકોને લાંચ પણ આપી હોવાનો આરોપ મૂક્યો હતો, પરંતુ એ આક્ષેપના સમર્થનમાં વધુ વિગતો આપી નહોતી. સંજય નિરુપમે સમર્થનમાં દલીલ કરતાં જણાવ્યું હતું કે જો ડિમોલિશન પાછળ કોઈ બદદાનત નહોતી તો એ કાર્યવાહી રાતના અંધારામાં શા માટે પાર પાડવામાં આવી?

સંજય નિરુપમની આક્ષેપબાજીને પડકારતાં મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું હતું કે ‘કૉન્ગ્રેસના નેતા સંજય નિરુપમ જો તેમના આરોપો સાબિત કરશે તો હું રાજકારણ છોડી દઈશ અને જો તેઓ એ સાબિત કરી ન શકે તો તેમણે રાજકારણ છોડી દેવું પડશે. કૉન્ગ્રેસના આ નેતા લોકો પર ખોટા આરોપો મૂકવાનું બંધ કરે એ હવે અનિવાર્ય બન્યું છે.’