મુંબઈ : આ કચ્છી સિનિયર સિટિઝનને સલામ

14 September, 2020 07:04 AM IST  |  Mumbai | Lalit Gala, Bakulesh Trivedi

મુંબઈ : આ કચ્છી સિનિયર સિટિઝનને સલામ

નવલબહેન ગંગર

ડોમ્બિવલી-ઈસ્ટના માનપાડા રોડ પર અગ્રવાલ હૉસ્પિટલ સામે આવેલી હીરા ફૂડ્સ નામની દુકાનમાં રવિવારે પરોઢિયે ૧.૨૦ વાગ્યે શટર ઊંચું કરીને બે તસ્કરો ચોરીના ઇરાદે ઘૂસ્યા હતા અને તેમનો એક સાગરીત બહાર ચોકી કરતો ઊભો રહ્યો હતો, પણ તેમનો ચોરીનો પ્રયાસ સામેના મકાનમાં રહેતાં સિનિયર સિટિઝન મહિલા નવલબહેને નિષ્ફળ બનાવી દીધો હતો. તેઓ તરત જ ચોર-ચોરની બૂમો પાડવા માંડ્યાં હતાં, એથી પકડાઈ જવાના ડરે તસ્કરો કશું ચોર્યા વિના ત્યાંથી ભાગી ગયા હતા.

સળિયો નાખી વચ્ચેથી ઊંચું કરી દેવાયેલું હીરા ફૂડ્સ દુકાનનું શટર.

ચોરીના પ્રયાસની આ ઘટના વિશે વધુ માહિતી આપતાં દુકાનના માલિક મૂળ કચ્છ નરેડીના કચ્છી વીસા ઓશવાળ જ્ઞાતિના સાગર લક્ષ્મીચંદ હરિયાએ કહ્યું હતું કે ‘આ ઘટના શનિવારે મધરાત બાદ રવિવારે ૧.૨૦ વાગ્યે બની હતી. ત્રણ યુવાનો મારુતિ ઓમ્ની વૅનમાં અમારી દુકાન પાસે આવ્યા હતા, પણ એ જ વખતે મારા એક મિત્ર ત્યાંથી તેમની ગાડીમાં પસાર થતા હતા ત્યારે તેમને જોઈને તસ્કરો દુકાનની બાજુની ગલીમાં જતા રહ્યા હતા. ત્યાર બાદ ફરી આવીને તેમણે દુકાનનું શટર વચ્ચેથી સળિયો નાખીને ઊંચું કરી દીધું હતું એને કારણે એક માણસ એમાંથી જઈ શકે એટલી જગ્યા થઈ ગઈ હતી. તેઓમાંના બે તસ્કરો દુકાનમાં ચોરી કરવાના ઇરાદે ઘૂસ્યા હતા, જ્યારે ત્રીજો બહાર ચોકી કરતો ઊભો રહ્યો હતો.’ એ વખતે દુકાનની સામેના મકાનમાં બીજા માળે રહેતાં સિનિયર સિટિઝન કચ્છી મહિલા નવલબહેન નીતિનભાઈ ગંગર ઊંઘ ન આવતી હોવાથી બારીમાં બેઠાં હતાં. તેમણે જોયું કે દુકાનમાં ચોર ઘૂસી રહ્યા છે એથી તેઓ તરત જ પરિસ્થિતિ જોઈને ચોર–ચોરની બૂમો પાડવા માંડ્યાં હતાં. ચેતી ગયેલા ચોર તરત જ ત્યાંથી કોઈ વસ્તુ લીધા વિના ત્યાંથી નાસી ગયા હતા. ત્યાર બાદ તેમણે સાગરને ઓળખતા હોવાથી ફોન કરીને જાણ કરી હતી એથી સાગર તેમના પાડોશીઓને લઈને દુકાને આવી પહોંચ્યો હતો. સાગરે પોલીસને પણ જાણ કરતાં ટિળકનગર પોલીસ-સ્ટેશનના પૅટ્રોલિંગ-સ્ટાફના પોલીસ-કર્મચારી એસ. એસ. થોરાત ત્યાં પહોંચી ગયા હતા. પોલીસે તેમને અંદર જઈને તપાસ કરવાનું કહ્યું હતું કે કશું ચોરાયું છે કે નહીં એ ચેક કરો. સાગરે પણ એ જ બાકોરામાંથી અંદર જઈને ચેક કરતાં કશું ચોરાયું નહોતું એવી જાણ કરી હતી. એ પછી આખી રાત તેઓ ત્યાં શટર પાસે બેસી રહ્યા હતા. રવિવારે શટરનું રિપેરિંગ કરાવ્યું હતું.

ટિળકનગર પોલીસ-સ્ટેશનના કૉન્સ્ટેબલ એસ. એસ. થોરાતે કહ્યું હતું કે ‘ચોરીનો એ પ્રયાસ થયો એની થોડી જ વાર પહેલાં અમે ત્યાંથી પૅટ્રોલિંગ કરીને નીકળ્યા હતા. અમને પોલીસ કન્ટ્રોલમાંથી ફોન આવતાં અમે ઘટનાસ્થળે ધસી ગયા હતા. જો ફરિયાદ થશે તો અમે એની ચોક્કસ ઊંડી તપાસ કરીશું. બાકી હાલમાં આ ઘટનાને કારણે અમે એ એરિયામાં પૅટ્રોલિંગ વધારી દીધું છે અને એ ચોરને પકડવાના પ્રયાસ પણ કરી રહ્યા છીએ. આજુબાજુના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મળશે તો એના દ્વારા પણ આરોપીઓને ઝડપી લેવાનો પ્રયાસ કરીશું.’

mumbai mumbai news dombivli Crime News mumbai crime news