મુંબઈ: આ બહાદુર કચ્છી યુવતીને સલામ

14 November, 2020 07:28 AM IST  |  Mumbai | Mehul Jethva

મુંબઈ: આ બહાદુર કચ્છી યુવતીને સલામ

ફાઈલ તસવીર

જોગેશ્વરી-ઈસ્ટમાં બુધવારે બપોરે બે મહિનાની બાળકીની મમ્મીએ લૂંટના ઇરાદાથી શસ્ત્ર સાથે ઘરમાં ઘૂસી આવેલા ત્રણ યુવકોનો બહાદુરીપૂર્વક સામનો કરીને બાળક સહિત પોતાનાં વૃદ્ધ માતા-પિતાને બચાવ્યાં હોવાની સાહસિક ઘટના બની હતી. આ ઘટનામાં ઈજા પહોંચતાં યુવતીને સારવાર અપાઈ હતી. લૂંટના પ્રયાસના આ મામલામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી એક રિવૉલ્વર, એક છરી અને સ્ક્રૂ-ડ્રાઇવર જપ્ત કર્યાં હતાં.

પોલીસે જણાવ્યું કે ‘દિવાળીમાં મીઠાઈનું બૉક્સ લઈને એક યુવક જોગેશ્વરી-ઈસ્ટમાં આવેલી સોસાયટીમાં રહેતા સિનિયર સિટિઝન જી. પી. ગાલાના ઘરે ગુરુવારે બપોરે પહોંચ્યો હતો. સદ્દામ નામના એ યુવકે બૉક્સ આપવાની સાથે વૃદ્ધને ગળે વળગાડ્યા હતા ત્યારે તેની પાછળ છુપાયેલા બે આરોપીઓ રિવૉલ્વર અને છરા સાથે ઘરમાં ઘૂસી આવ્યા હતા.

લૂંટારાઓને ઘરમાં ઘૂસેલા જોઈને વૃદ્ધના મોઢામાંથી ચીસ નીકળી ગઈ હતી, જે સાંભળીને બેડરૂમમાં પોતાની બે મહિનાની દીકરી સાથે આરામ કરી રહેલી તેમની ૩૦ વર્ષની દીકરી દીક્ષિતા શાહ બહાર દોડી આવી હતી. યુવતીને બહાર આવેલી જોઈને એક આરોપીએ તેના પર સ્ક્રૂ-ડ્રાઇવરથી હુમલો કર્યો હતો. જોકે યુવતીએ તેનો બહાદુરીથી સામનો કરીને તેના પર ગ્લાસ ફેંક્યો હતો. મોકો મળતાં યુવતી પિતા અને પોતાની પુત્રી સાથે બેડરૂમમાં ઘૂસી ગઈ હતી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. ત્યાર બાદ દીક્ષિતાએ ગૅલેરીમાંથી બૂમાબૂમ કરીને મદદ કરવા માટે લોકોનું ધ્યાન દોર્યું હતું.

લૂંટારાઓનો સામનો કરીને તેમને ભગાડી દેનાર દીક્ષિતા શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જો હું સમયસર સામે થઈને લૂંટારાઓ પર હુમલો ન કરત તો તેઓ મારા પરિવારજનો પર હુમલો કર્યો હોત, પણ મેં પળનોય વિલંબ કર્યા વિના તેમની સામે ધસી જવાનો નિર્ણય લીધો હતો. અમને સામેના કેટલાક કારીગરો અને સોસાયટીની નીચેના રિક્ષા-સ્ટૅન્ડ પરના રિક્ષાચાલકોએ મદદ કરી હતી. અમારી મદદની બૂમો સાંભળીને લૂંટારા ભાગી ગયા હતા.’

કચ્છી સિનિયર સિટિઝન જી. પી. ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી દીકરી ડિલિવરી માટે અમારા ઘરે આવી છે. તેને બે મહિનાની દીકરી છે. લૂંટારાઓ સોનાની એક ચેઇન લઈને ભાગી ગયા હતા એની ફરિયાદ અમે પોલીસ-સ્ટેશનમાં કરી છે.’

જોગેશ્વરી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર મહેન્દ્ર નાર્લેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનામાં મહિલાની બહાદુરી જોઈને આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પૅટ્રોલિંગ કરી રહેલા પોલીસ-કર્મચારીઓ પીછો કરીને તેમને પકડવામાં સફળ રહ્યા હતા. અમે બે આરોપીની ધરપકડ કરી છે, જેની ઓળખ મોહમ્મદ અલીમ સિદ્દીકી અને મોહમ્મદ મુસ્તકીમ શેખ છે. તેઓ દિલ્હીના રહેવાસી છે.’

આ રીતે મુશ્કેલીનો સામનો કરવાનું મને બાળપણથી શીખવાડાયું છે. મારા પરિવારના સભ્યોને પહેલેથી શીખવાડવામાં આવ્યું છે કે પ્રેઝન્સ ઑફ માઇન્ડ રાખવું.
- દીક્ષિતા શાહ

mumbai news mumbai mehul jethva jogeshwari Crime News mumbai crime news