Mumbai : સલૂનના માલિકે માતા-પુત્રીને રૂમમાં બંધ કરી 1.5 લાખ રૂપિયાની માંગણી કરી

23 September, 2021 07:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મલાડ પોલીસના જણાવ્યા મુજબ, પીડિતા સોનલ સોલંકી (38), તેની પુત્રી પ્રીતિ (18) અને ભત્રીજી હેમાને આરોપી સોનિયા શિવલિંગમે સલૂનના રૂમમાં બંધ કરી દીધા હતા.

પ્રતિકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક

મલાડમાં યુનિસેક્સ સલૂનના માલિક પર તાજેતરમાં એક મહિલા, તેની પુત્રી અને તેની ભત્રીજીને રૂમમાં એક કલાકથી વધુ સમય માટે બંધ કરીને તેમની પાસેથી 1.5 લાખ રૂપિયાની માંગણી કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.

મલાડ પોલીસના જણાવ્યા મુજબ, પીડિતા સોનલ સોલંકી (38), તેની પુત્રી પ્રીતિ (18) અને ભત્રીજી હેમાને આરોપી સોનિયા શિવલિંગમે સલૂનના રૂમમાં બંધ કરી દીધા હતા.

ફરિયાદીના જણાવ્યા મુજબ, પ્રીતિ 7,000ના પગાર પર મલાડ લિંક રોડ પર ચિંચોલી બંદર સ્થિત સલૂનમાં શિવલિંગમ સાથે મદદનીશ તરીકે કામ કરતી હતી.

માર્ચ 2021માં, પ્રીતિએ શિવલિંગમ પાસેથી 50,000 રૂપિયા એડવાન્સ તરીકે લીધા હતા અને સપ્ટેમ્બર સુધી તેણે તેના પગારમાંથી 27,000 રૂપિયા પાછા આપ્યા હતા.

સોલંકીએ જણાવ્યું કે 19 સપ્ટેમ્બરના રોજ શિવલિંગમે પ્રીતિનો મોબાઈલ ફોન થોડો સમય માટે લીધો હતો. જ્યારે પ્રીતિએ ફોન પરત કરવાનું કહ્યું ત્યારે સલૂનના માલિકે કહ્યું કે તે બાકીની એડવાન્સ રકમ ચૂકવ્યા બાદ જ તેને મોબાઈલ મળશે.

“મંગળવાર (21 સપ્ટેમ્બર)ના રોજ સોલંકી અને તેની ભત્રીજી હેમા 20,000 રૂપિયા પરત કરવા સલૂનમાં ગયા હતા. રકમ સ્વીકાર્યા પછી, શિવલિંગમે કહ્યું કે પ્રીતિએ સલૂનમાં 1.5 લાખની કિંમતની ફૂલદાની તોડી હતી અને રકમ ચૂકવવાની માંગ કરી હતી.” એમ પોલીસે જણાવ્યું હતું.

શિવલિંગમે સોલંકી અને હેમાને કહ્યું કે તે રકમ ચૂકવ્યા વગર તેમને બહાર જવા દેશે નહીં.

ત્યારબાદ આરોપીએ સોલંકીને પ્રીતિને ફોન કરવા કહ્યું હતું. આ દરમિયાન તેણે મહિલા અને તેની ભત્રીજીને સેન્સર લોક સિસ્ટમથી રૂમમાં પૂરી દીધા હતા. જ્યારે પ્રીતિ ત્યાં પહોંચી ત્યારે શિવલિંગમે તેને પણ બે મહિલાઓ સાથે એક કલાકથી વધુ સમય માટે રૂમમાં પૂરી દીધી હતી.

બાદમાં, પ્રીતિ અને હેમાએ શિવલિંગમને તેમને પૈસા લેવા માટે જવા આપવા કહ્યું હતું. શિવલિંગમે સંમત થઈ અને બે મહિલાઓને બહાર જવા દીધી પણ સોલંકીને અંદર જ બંધ રાખી હતી.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રીતિ અને હેમાએ ત્યારબાદ મલાડ પોલીસ સ્ટેશનની નિર્ભયા ટીમનો સંપર્ક કર્યો હતો જેમણે સ્થળે પહોંચી સોલંકીને ઉગારી હતી.

મલાડ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક ડી લીગાડેએ જણાવ્યું હતું કે “ફરિયાદી પછી પોલીસ સ્ટેશન પહોંચ્યો અને શિવલિંગમ વિરુદ્ધ તેની, તેની પુત્રી અને તેની ભત્રીજીને ધમકાવવા અને રૂમમાં બંધ કરવા માટે એફઆઇઆર નોંધાવી હતી.”

mumbai mumbai news mumbai crime news malad