મુંબઈ : વિદ્યાર્થીએ પેપરમાં 'સૈરાટ' ફિલ્મની સ્ટોરી લખી

10 June, 2019 08:06 AM IST  |  મુંબઈ

મુંબઈ : વિદ્યાર્થીએ પેપરમાં 'સૈરાટ' ફિલ્મની સ્ટોરી લખી

'સૈરાટ

એસએસસી બોર્ડની પરીક્ષામાં દુરુપયોગ અને કૉપી કરવાનું પ્રમાણ ઘટ્યું છે, પણ આખું વર્ષ ભણ્યા ન હોય એવા વિદ્યાર્થીઓ કૉપી કરવાને બદલે ઉત્તરપત્રિકામાં સંદર્ભ ન હોય એવું લખે છે. લાતુરના એક વિદ્યાર્થીનો આ વખતે મજેદાર કિસ્સો સામે આવ્યો છે. પ્રશ્નના જવાબ ન આવડતાં હોવાથી એણે પેપર છોડીને ક્લાસમાંથી બહાર નીકળી જવાને બદલે મરાઠીની સુપરડુપર હિટ ફિલ્મ ‘સૈરાટ’ની આખે આખી કહાની લખી નાખી હતી.

વિદ્યાર્થીઓ પેપરમાં સંદર્ભ વિનાનું કંઈ લખે તો પણ શિક્ષકોએ એ પેપર બોર્ડમાં તપાસ સમિતિ પાસે મોકલવું પડે છે. આ સમિતિએ એક પેપરની તપાસ કરતાં જણાઈ આવ્યું હતું કે એક વિદ્યાર્થીએ એક પણ પ્રશ્નનો જવાબ નહોતો લખ્યો, પણ એણે ફિલ્મની આખેઆખી સ્ટોરી ઘસડી કાઢી હતી. આ જ પ્રકારના અન્ય એક કિસ્સામાં પરીક્ષા આપનારા વિદ્યાર્થીએ પોતાનો કૉન્ટેક્ટ નંબર લખીને સંપર્ક કરવાનું લખ્યું હતું. એવી જ રીતે ગયા વર્ષે એક વિદ્યાર્થીએ આખા પેપરમાં જય શ્રીરામ, જય શ્રીરામ લખીને પરીક્ષા આપી હતી. શિક્ષણ બોર્ડના નિયમ મુજબ ઉત્તરપત્રિકામાં મોબાઈલ નંબર લખીને સંપર્ક કરવાનો પ્રયાસ કરવો, ઉત્તરપત્રિકાના પાના ફાડવા, પેપર ચેક કરનારાઓને ધમકાવવા, પોતાને પાસ કરવા માટે વિનંતી કરવી વગેરે લખનારા વિદ્યાર્થીઓને બોર્ડ એક અથવા બે પરીક્ષામાં ન બેસવા દેવાની સજા કરે છે.

આ પણ વાંચો : મુંબઈઃ આ ટિકટોક સ્ટાર નીકળ્યો ચોર, બુઝુર્ગના ઘરમાં કરી પાંચ લાખની ચોરી

લાતુરના કિસ્સામાં ફિલ્મ સૈરાટની કહાની લખનારા વિદ્યાર્થીએ સંપર્ક કરવો કે ધમકી કે વિનંતી કરવા જેવું કંઈ નહોતું લખ્યું એટલે એને એક વિષયમાં નપાસ કરવામાં આવ્યો હતો. બાકીના પેપરમાં એ પાસ થયો હોવાનું જાણવા મળ્યું હતું.

mumbai latur mumbai news 10th result