વિશ્વ શાંતિ માટે સાધ્વીજીએ કરી ઐતિહાસિક 151મી અઠ્ઠાઈ

13 June, 2020 08:04 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

વિશ્વ શાંતિ માટે સાધ્વીજીએ કરી ઐતિહાસિક 151મી અઠ્ઠાઈ

ગોંડલ સંપ્રદાયનાં જૈન સાધ્વીજી શ્રી ગીતાકુમારી મહાસતીજી.

જૈન ધર્મમાં તપ-સાધના સામાન્ય ગણાય, પરંતુ અત્યારે વિવિધ સ્થળે વિચરતાં ૧૬ હજાર જેટલાં સાધુ-સાધ્વીજી ભગવંતોમાં દુર્ગમ સ્થળોએ સતત વિહાર કરીને પણ ધર્મની પ્રભાવના કરતાં કરતાં અઠ્ઠાઈ કરવી એ અજોડ ગણાય. શ્રી સ્થાનકવાસી છ કોટિ જૈન લીંબડી અજરામર સંપ્રદાયનાં ૭૩ વર્ષનાં શ્રી ગીતાકુમારી મહાસતીજીએ વિશ્વ શાંતિ માટે ૧૫૧મી અઠ્ઠાઈ કરીને ઇતિહાસ સર્જ્યો છે.

આજે જગત આખું કોરોનાના ઉપદ્રવ સામે ઝઝૂમી રહ્યું છે, લાખો લોકોએ આ જીવલેણ વાઇરસને લીધે જીવ ગુમાવ્યા છે અને કરોડો જીવ ભય અનુભવી રહ્યા છે ત્યારે તેમને સુખ-શાતા અને શાંતિ પ્રાપ્ત થાય એ માટે શ્રી ગીતાકુમારી મહાસતીજીએ ૧૫૧મી અઠ્ઠાઈ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

સામાજિક કાર્યકર રમેશ મોરબિયાના જણાવ્યા મુજબ શ્રી ગીતાકુમારી મહાસતીજી દૂરનાં રાજ્યો પંજાબ, દિલ્હી, કાશ્મીર સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં હજારો કિલોમીટરનો પ્રવાસ કરવાની સાથે અઠ્ઠાઈ તપની આરાધના કરતાં આવ્યાં છે. તેમને આમંત્રણ મળે ત્યાં જાતિ-ધર્મનો ભેદ રાખ્યા વિના તેઓ જાય છે અને ધર્મની પ્રભાવના કરે છે. આનંદની વાત એ છે કે સાધ્વી શ્રી ગીતાકુમારીએ ૫૦ વર્ષ પહેલાં ઘાટકોપરમાં જ દીક્ષા લીધી હતી.

શ્રી ગીતાકુમારી મહાસતીજીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુ ભગવંતોના આશીર્વાદ કાયમ રહ્યા હોવાથી તેમની જ પ્રેરણાથી અઠ્ઠાઈનો આરંભ કર્યો હતો. સુખ-શાતાપૂર્વક તપ આગળ વધી રહ્યું છે. ૧૫૦મી અઠ્ઠાઈ મેં અમદાવાદમાં કરી હતી. ત્યાંથી વિહાર કરીને મુંબઈ આવ્યાં ત્યારે ભારત સહિત જગતભરમાં કોરોના વાઇરસ ફેલાઈ જવાથી હજારો-લાખો લોકો મૃત્યુ પામી રહ્યા હોવાનું ધ્યાનમાં આવતા તમામને સુખ-શાતા અને શાંતિ મળે એવા ભાવથી ૧૫૧મી અઠ્ઠાઈ કરવાનો નિર્ણય લીધો હતો. વિશ્વના તમામ જીવોને આ તપ અર્પણ કર્યું છે. આ માટે રવિવારે અહીં લીંબડી અજરામર સંપ્રદાયનાં ૭૦ સાધુ-સાધ્વી ભગવંતોની હાજરી અને અમારા ગુરુ આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં તપોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું છે તેમાં તપના આઠમા દિવસે અર્પણ કરાશે.’

ઘાટકોપરના હિંગવાલા લેનમાં આવેલા શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, હિંગવાલા ઉપાશ્રયના આંગણે રવિવાર, ૧૪ જૂન ૨૦૨૦ની સવારે ૯.૩૦ કલાકે તપોત્સવનું આયોજન લૉકડાઉનના તમામ નિયમોના પાલન સાથે કરાયું છે. આ કાર્યક્રમનું લાઇવ ટેલિકાસ્ટ જૈન ટીવી, યુટ્યુબમાં થશે, જેથી દેશ-વિદેશના લોકો એનો લાભ લઈ શકશે.

mumbai mumbai news prakash bambhrolia ghatkopar