કોવિડનો ભોગ બનેલા મેનેજરની દીકરીનો CAનો ખર્ચ આપવાની નેમ લીધી છે આ ગુજરાતીએ

13 August, 2022 11:38 AM IST  |  Mumbai | Karan Negandhi

રચના ઝાએ તાજેતરમાં જ CA ફાઉન્ડેશનની પરીક્ષા ૨૨૧ માર્કસ સાથે પહેલી જ વારમાં પાસ કરી

રચના ઝા અને બારિન્દ્ર મૂછાળા

લગ્ન પ્રસંગે મોંઘીદાટ ભેટ આપવાનો રિવાજ સામાન્ય છે, પરંતુ મુંબઈના એક ગુજરાતી ભાઈએ આ મોંઘીદાટ ભેટ આપવાને બદલે પોતાની મેનેજરની દીકરીને પગભર કરવાનું સ્વપ્ન સેવ્યું છે. મલાડમાં રહેતા બારિન્દ્ર મૂછાળાએ પોતાના નજીકના સગામાં એક લગ્ન પ્રસંગમાં ભેટ આપવાનો બીજો રસ્તો શોધી જમા કરેલી પૂંજીમાંથી તેમના સ્વર્ગસ્થ મેનેજર પ્રવીણકુમાર ઝાની દીકરીના CAના ક્લાસીસની ફી ભરી હતી.

આનંદની વાત એ છે કે રચના ઝાએ તાજેતરમાં જ CA ફાઉન્ડેશનની પરીક્ષા ૨૨૧ માર્કસ સાથે પહેલી જ વારમાં પાસ કરી છે. વર્ષ ૨૦૨૦માં રચનાના પિતાનું કોરોનાને કારણે નિધન થયું હતું. તેઓ કેન્સરથી પણ પીડાતા હતા.

આ સંદર્ભે વાત કરતાં બારિન્દ્ર મૂછાળાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “પ્રવીણકુમાર ઝાએ મારી પ્રિન્ટિંગ પ્રેસમાં મેનેજર તરીકે ૨૦ વર્ષ સેવા આપી હતી. તેમના અકાળે અવસાનથી તેમના બાળકોને પગભર કરવા અમારી જવાબદારી છે. તેથી જ અમે મોટી દીકરી રચનાના અભ્યાસના ખર્ચની જવાબદારી ઉપાડી છે અને સારા ક્લાસીસમાં તેનું એડમિશન કરાવ્યું હતું.”

તેમણે ઉમેર્યું કે “રચના ભણવામાં પણ ખૂબ જ હોંશિયાર છે. તમામ મુશ્કેલીઓનો સમાનો કરી તેણે પહેલી જ વારમાં આ પરીક્ષામાં પાસ કરી છે તે ખૂબ જ ગૌરવ લેનારી બાબત છે. આગળ પણ તે CA ન બની પોતાના પગભર ન થાય ત્યાં સુધી અમે તેની પડખે ઊભા રહીશું.”

મલાડ સ્થિત દાલમિયા કૉલેજમાં અભ્યાસ કરતી રચના ઝાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “હું ગયા વર્ષે નવેમ્બરમાં જ આ પરીક્ષા આપવા માગતી હતી, પરંતુ સ્વાસ્થ્ય કારણોસર તે શક્ય બન્યું નહીં. આ વખતે પણ થોડી અડચણોને કારણે તૈયારી માટે સમય ઓછો મળ્યો હતો. પણ પહેલાં જ પ્રયાસ સાથે હું આ પરીક્ષા પાસ કરી શકી તેથી હું આનંદિત છું. આ જર્નીમાં બારિન્દ્ર સરે મને ખૂબ જ સહયોગ કર્યો છે.”

mumbai mumbai news malad