મુંબઈના ખરાબ રસ્તાઓની દાસ્તાન

10 September, 2012 05:54 AM IST  | 

મુંબઈના ખરાબ રસ્તાઓની દાસ્તાન



મુલુંડથી હિન્દમાતા

મુલુંડમાં ફ્લાયઓવર પર અને રસ્તા પર ઘણા ખાડા છે. બાસકસવારો ઝિગઝૅગ કરીને આ રસ્તા પરથી જતા દેખાય છે. ખાડાને કારણે અહીં અકસ્માત થાય છે એમ બંદોબસ્તની ડ્યુટી પરનો પોલીસ-કૉન્સ્ટેબલ કહે છે. ભાંડુપમાં પણ હાઇવે પર ખાડા જોવા મળે છે અને વિક્રોલીમાં કન્નમવારનગરમાં પણ ખાડાનું સામ્રાજ્ય જોવા મળે છે. વિક્રોલી ફ્લાયઓવર પર પણ રસ્તો સારો નથી અને ત્યાંથી ઘાટકોપર સુધીમાં સૌથી વધુ અકસ્માતો થતા હોય છે. ઘાટકોપરમાં રમાબાઈ જંક્શન પર આવેલા ફ્લાયઓવર અને અમર મહલ ફ્લાયઓવરની હાલત પણ સારી નથી.

સુમનનગરમાં મુંબઈ જવા તરફના રસ્તા પર જે પેવર બ્લૉક લગાવવામાં આવ્યા છે એ બરાબર ન હોવાથી ટ્રાફિક જૅમ રહે છે. વરસાદમાં અહીં પાણી ભરાઈ જવાની સમસ્યા છે. સાયન ફ્લાયઓવરમાં દક્ષિણ તરફના છેડા પર રસ્તો ખરાબ છે. માટુંગા ફ્લાયઓવર બરાબર છે, પણ હિન્દમાતા તરફ દાદરનો ફ્લાયઓવર ચંદ્રની ધરતીને પણ સારી કહેવડાવે એવો છે. આને કારણે આ ફ્લાયઓવર પર ભારે ટ્રાફિક જૅમ રહે છે.

દહિસરથી લોઅર પરેલ

દહિસર ટોલ-પ્લાઝાથી મુંબઈ તરફ એક નાનો ફ્લાયઓવર આવે છે જેના પર ભરપૂર પ્રમાણમાં ખાડા છે. એના પર ખાડા વગરનો એક પૅચ શોધવો મુશ્કેલ છે. આને કારણે એના પર ટ્રાફિક જૅમ રહે છે. બોરીવલીથી કાંદિવલી વચ્ચેના ફ્લાયઓવર પણ ખરાબ સ્થિતિમાં છે અને મલાડમાં આવેલા ફ્લાયઓવર પર પણ બમ્પર-ટુ-બમ્પર ટ્રાફિક રહે છે. આ વિસ્તારમાં રસ્તા પર જે ખાડા પડે છે એ પૂરી દેવામાં આવે છે, પણ ખાડા એક વરસાદ પડતાં ફરી જોવા મળે છે. મલાડથી ગોરેગામ સુધી પણ એવી જ હાલત છે. અંધેરીથી બાંદરા સુધીના રસ્તાની પણ હાલત એટલી બધી સારી નથી. ઍરર્પોટ તરફના રસ્તા પણ ખરાબ છે. માહિમ કૉઝવેથી શિવસેના ભવન સુધી પણ રસ્તો ખરાબ છે. આમ વેસ્ટર્ન કે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી મુંબઈ તરફ જવા માટે મોટરિસ્ટોને રોજ ખાડાવાળા રસ્તા પરથી જ પસાર થવું પડે છે. કેટલાક મોટરિસ્ટો પૂછે છે કે શું અમે આ માટે રાજ્ય કે સુધરાઈને ટૅક્સ ચૂકવીએ છીએ?