મીરા રોડમાં પોલીસે રસ્તામાં કરાવી બારબાળાઓની વિવાદાસ્પદ પરેડ

09 December, 2019 11:52 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

મીરા રોડમાં પોલીસે રસ્તામાં કરાવી બારબાળાઓની વિવાદાસ્પદ પરેડ

બારબાળાઓની વિવાદાસ્પદ પરેડ

મીરા રોડમાં દહિસર ચેકનાકાથી કાશીમીરા સુધીના હાઇવે પટ્ટા પર શનિવારે રાત્રે અહીંના કાશીમીરા પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલાં નિયુક્ત થયેલા સિનિયર ઇન્સ્પેક્ટરે કાયદાનું પાલન ન કરનાર હોટેલોની બારબાળાઓથી લઈને તમામ સ્ટાફને બહાર કાઢીને તેમની જાહેરમાં પરેડ કરાવી હતી. અર્ધનગ્ન બારબાળાઓની આવી પરેડના વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં ઉપરી અધિકારીએ તપાસનો આદેશ આપ્યો છે.

કાશીમીરાથી દહિસર ચેકનાકા સુધીમાં અંદાજે પચીસ બાર છે. રાતે ૯.૩૦ વાગ્યા સુધી આ ઑર્કેસ્ટ્રા બારમાં બારગર્લ્સ રાખવાનો નિયમ છે, પરંતુ શનિવારે રાતે કાશીમીરા પોલીસની ટીમ હાઇવેને અડીને આવેલા બારમાં સાડાઆઠ વાગ્યે જ પહોંચી ગઈ હતી અને બારગર્લ્સ સહિત હોટેલના સ્ટાફને હોટેલની બહાર કાઢીને તેમની જાહેર રસ્તા પર દહિસર ચેકનાકા સુધી પરેડ કરાવી હતી.
બારબાળાઓ હોટેલમાં જે અર્ધનગ્ન જેવાં કપડાં પહેરે છે એ બદલવાનો મોકો પણ પોલીસે તેમને નહોતો આપ્યો. એથી હાઇવે પરની પરેડ દરમ્યાન આ અર્ધનગ્ન બાળાઓને જોઈને અનેક લોકોએ વિડિયો બનાવીને એની મજા લીધી હતી. જોકે આ વિડિયો જ બાદમાં વિવાદનું કારણ બન્યા હતા. લોકોએ પોલીસની આ રીતે કાર્યવાહી બરાબર ન હોવાનું જણાવીને એનો જોરદાર વિરોધ કર્યો હતો. આથી પોલીસે ત્યાર બાદ એક પણ કેસ નોંધ્યા વિના બધાને છોડી મૂક્યા હતા.

કાશીમીરાના સિનિયર ઇન્સ્પેક્ટર રામ ભાલસિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વિસ્તારની હોટેલોમાં નિયમનું પાલન કરાતું ન હોવાથી અમે બધાને સીધા કરવા માટે આવી હોટેલ સામે કાર્યવાહી કરી હતી. બારબાળાઓ જ નહીં, હોટેલના સ્ટાફને હોટેલની બહાર કાઢીને તેમને સૂચના અપાઈ હતી કે તેઓ ભવિષ્યમાં નિયમનું પાલન નહીં કરે તો તેમની સામે આકરાં પગલાં લેવાશે. હાઇવે નજીકના સર્વિસ રોડ પર ઠેર-ઠેર ખોદકામ અને મેટ્રોનું કામ ચાલતું હોવાથી વાહન ચાલી શકે એમ ન હોવાથી તેમને પગપાળા લઈ જવા પડ્યા હતા. અમે કોઈની સામે ગુનો નોંધ્યો નથી અને કોઈની ધરપકડ પણ નથી કરી.’

બારબાળાઓને અર્ધનગ્ન હાલતમાં જાહેર રસ્તા પર ચાલવા મજબૂર કરાઈ હોવાથી લોકોમાં પોલીસની આ કાર્યવાહી સામે ખૂબ આક્રોષ છે. તેમણે સંબંધિત પોલીસ અધિકારીની આ મામલે તપાસની માગણી કરી છે.

આ પણ વાંચો : બાળ ઠાકરેના સ્મારક માટે ઔરંગાબાદમાં 1000 જેટલાં વૃક્ષો શા માટે કપાઈ રહ્યાં છે?

થાણે ગ્રામીણના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. શિવાજી રાઠોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મામલે મેં તપાસનો આદેશ આપ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જો કાંઈ ખોટું કરાયું હશે તો સંબંધિતો સામે પગલાં લેવામાં આવશે.’

mumbai news mumbai mira road