રાયગઢ જિલ્લામાં નિસર્ગ ત્રાટક્યા બાદ રેસ્ટોરેશન આરંભાયું

05 June, 2020 08:04 AM IST  |  Mumbai | Agencies

રાયગઢ જિલ્લામાં નિસર્ગ ત્રાટક્યા બાદ રેસ્ટોરેશન આરંભાયું

પનવેલમાં વાવાઝોડા નિસર્ગને કારણે એક વૃક્ષ ધરાશાયી થઈને ઘર પર પડ્યું હતું. જેની ડાળીઓને કાપી રહેલા માણસો. તસવીર : પી.ટી.આઈ

બહુચર્ચિત ‘નિસર્ગ’ સાઇક્લોને બુધવારે બપોરે રાયગડ જિલ્લાના મુરુડ-શ્રીવર્ધનમાં જમીન સાથે ટકરાયા બાદ મોટા પ્રમાણમા કાચાં મકાનો, ટેમ્પરરી બાંધેલા શેડ્સ, ઝાડ અને વીજળીના થાંભલાને ઉખેડી ફેંક્યાં હતાં. અલીબાગ, રેવદંડા, મુરુડ, રેવાસ, મ્હાસાલા, રોહા અને શ્રીવર્ધન વગેરે સ્થળોએ સાઇક્લોને કરેલી તારાજીને રેસ્ટોર કરવાનું કામ ગઈ કાલે સ્થાનિક પ્રશાસનની સાથે એનડીઆરએફની ટીમે આરંભ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (એનડીઆરએફ)ના અધિકારીના જણાવ્યા મુજબ અલીબાગ, રેવદંડા અને બીજી તહસીલમાં ઘરોને થયેલા નુકસાનને મદદ કરવા માટે અમારી ટીમો સ્થાનિક રહેવાસીઓ સાથે જોડાઈ હતી. તેમણે લોકોને મકાન રિપેર કરવામાં મદદ કરી હતી.

‘નિસર્ગ’ સાઇક્લોન રાયગડ જિલ્લાના અલીબાગમાં બુધવારે બપોરે ત્રાટકવાની આગાહી હવામાન વિભાગે કર્યા બાદ રાહતકામ અને બચાવકામ માટે એનડીઆરએફની ૨૦ ટુકડીઓ રાજ્યભરમાં વિવિધ જગ્યાએ તહેરાત કરાઈ હતી. એનડીઆરએફના ડિરેક્ટર જનરલ સત્ય નારાયણ પ્રધાને ટ્વીટ કર્યું હતું કે નિસર્ગ વાવાઝોડું આગળ વધ્યા બાદ રાયગડ અને મુંબઈમાં રેસ્ટોરેશનનું કામ કરવા માટે ૨૦ ટીમ રવાના કરાઈ હતી.

સત્ય નારાયણ પ્રધાને એનડીઆરએફના જવાનો લોકોને મકાન રિપેર કરવાની સાથે તૂટી પડેલા ઝાડ અને વીજળીના થાંભલાને રસ્તા પરથી હટાવી રહ્યાના ફોટોગ્રાફ પણ શૅર કર્યા હતા. રાયગઢ અને મુંબઈ ઉપરાંત થાણેમાં પણ રેસ્ટોરેશનનું કામ હાથ ધરાયું હતું.

mumbai mumbai news raigad alibaug cyclone nisarga mumbai monsoon mumbai rains panvel