✕

ઓરિજિનલ માગણી તો દોઢ કરોડ રૂપિયાની હતી

08 October, 2026 07:44 AM IST  |  Mumbai | Mehul Jethva

બે બહેનોએ બોરીવલીની રાધા કૃષ્ણા રેસ્ટોરાંના માલિક પાસેથી પડાવેલા ૧ લાખ રૂપિયા પોલીસે રિકવર કર્યા, ધરપકડની તલવાર હજી લટકે છે

ગઈ કાલે બોરીવલીમાં સ્થાનિક વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં રાધા કૃષ્ણા હોટેલના માલિક તથા રેસ્ટોરાંઓના અસોસિએશનના હોદ્દેદારોની પ્રેસ-કૉન્ફરન્સ યોજાઈ હતી. તસવીર : નિમેશ દવે

બોરીવલી-વેસ્ટના એલ. ટી. રોડ પર આવેલી પ્રખ્યાત રાધા કૃષ્ણા રેસ્ટોરાંના ઢોસામાંથી મરેલો ઉંદર નીકળવાના વિવાદમાં એક વળાંક આવ્યો છે. રેસ્ટોરાંના માલિક જય શાહે દાવો કર્યો છે કે શરૂઆતમાં તો મારી પાસેથી આ બાબતમાં સેટલમેન્ટ માટે દોઢ કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. જય શાહ પાસે શરૂઆતમાં દોઢ કરોડ રૂપિયાની મસમોટી ખંડણી માગીને આખરે ૭ લાખમાં ‘ડીલ’ ફાઇનલ કરનારી ગોરાઈની બે બહેનોને બોરીવલી પોલીસે અટકાયત કરીને અને નોટિસ આપીને છોડી મૂકી છે. વળતરના નામે બ્લૅકમેઇલ કરવાનો આખો પ્લાન અન્ય એક કિસ્સામાંથી પ્રેરણા લઈને ઘડાયો હોવાનું ખૂલ્યું છે, જેમાં ૩૦ સપ્ટેમ્બરે જામનગરમાં સારવાર ચાલુ હોવાનું પોલીસને બહાનું બતાવીને મહિલાઓએ રેસ્ટોરાંના માલ‌‌િક જય શાહ પાસેથી એક લાખ રોકડા સેરવી લીધા હતા. જોકે બોરીવલી પોલીસે ગોઠવેલી જાળમાં ૬ લાખની બાકીની રકમ લેતાં રંગેહાથ ઝડપાઈ ગયા બાદ મહિલા આરોપીઓએ જપ્ત કરાયેલી રકમ પરત કરી દીધી છે, પરંતુ પોલીસ-તપાસમાં સહકાર નહીં આપે તો તેમની સામે ધરપકડની તલવાર લટકી રહી છે.

રેસ્ટોરાંના માલિક જય શાહે ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરતાં જણાવ્યું હતું કે ‘૨૪ સપ્ટેમ્બરે ઢોસામાંથી ઉંદર મળ્યાની ઘટના બાદ મને ધમકીભર્યા ફોન આવવા લાગ્યા હતા. શરૂઆતમાં ફોન પર જ મારી પાસે દોઢ કરોડની મસમોટી રકમની માગણી કરવામાં આવી હતી. જોકે બાદમાં જ્યારે માનસી આચાર્ય અને તેની બહેન કિંજલ ભાટિયા મને હોટેલમાં રૂબરૂ મળવા આવ્યાં ત્યારે તેમણે પચીસ લાખ રૂપિયાની માગણી કરી હતી. આખરે વાટાઘાટો બાદ ૭ લાખ રૂપિયામાં સેટલમેન્ટ નક્કી થયું હતું અને એ જ દિવસે મારા ટોકન તરીકે તેમણે એક લાખ રોકડા લીધા હતા.’

બોરીવલી પોલીસ-સ્ટેશનના આ કેસના તપાસ-અધિકારી પોલીસ-ઇન્સ્પેક્ટર દિગ્વિજય પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલાઓને આ રીતે પૈસા પડાવવાનો આઇડિયા ક્યાંથી આવ્યો એનો પણ ખુલાસો થયો છે. આરોપી માનસી આચાર્ય જ્યારે રેસ્ટોરાંના માલિક જય શાહ સાથે પૈસા માટે વાતચીત કરી રહી હતી ત્યારે જ અજાણતાંમાં બોલી ગઈ હતી કે તેમના એક સંબંધી કોઈ અન્ય હોટેલમાં ગયા હતા જ્યાં તેમના ખાવામાં વાંદો નીકળ્યો હતો અને તેમણે વળતર તરીકે ૪૦ લાખ મેળવ્યા હતા. આ વાત પરથી જ બન્ને બહેનોના મગજમાં રેસ્ટોરાં-માલિકને બ્લૅકમેઇલ કરીને વળતરના નામે દોઢ કરોડ રૂપિયા માગવાનો પ્લાન આવ્યો હતો, અંતે ૭ લાખ રૂપિયામાં પતાવવાનું નક્કી કરાયું હતું.’

બનાવના દિવસે શું બન્યું હતું એનો ખુલાસો કરતાં ઇન્સ્પેક્ટર દિગ્વિજય પાટીલે કહ્યું હતું કે ‘૨૪ સપ્ટેમ્બરે જ્યારે ઢોસામાંથી ઉંદર મળ્યો ત્યારે મહિલા અને તેની સાથેના બે પુરુષો ઉંદરવાળા ઢોસાની પ્લેટ લઈને પોલીસ-સ્ટેશન આવ્યાં હતાં. અમે તેમની પાસે વિગતો માગી પરંતુ તેઓ જેણે ઉંદરવાળો ઢોસા ખાધો છે તે અમ‌‌િતની તબિયત ખરાબ છે અને સારવાર કરાવી રહ્યો છે એમ કહીને પ્લેટ મૂકીને નીકળી ગયાં હતાં. આ ઢોસા અમે પચીસ સપ્ટેમ્બરે FDAને સોંપ્યો હતો. અમે અમ‌‌િતને ફરિયાદ નોંધાવવા બોલાવ્યો, પરંતુ તેણે જામનગરમાં સારવાર ચાલુ હોવાનું બહાનું બતાવીને ૩૦ સપ્ટેમ્બરે પણ આવવાનું ટાળ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે જે દિવસે તેઓ જામનગરમાં હોવાનું બહાનું બતાવતા હતા એ જ દિવસે એટલે કે ૩૦ સપ્ટેમ્બરે તેમણે બોરીવલીમાં હોટેલમાલિક પાસેથી એક લાખ રોકડા સ્વીકારી લીધા હતા.’

કેસની વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપતાં દિગ્વિજય પાટીલે જણાવ્યું કે ‘પાંચ ઑક્ટોબરે જ્યારે પોલીસે છટકું ગોઠવીને માનસી આચાર્યને બાકીના ૬ લાખ રોકડા લેતાં રંગેહાથ ઝડપી પાડી ત્યારે રાત થઈ ગઈ હોવાથી કાયદાકીય જોગવાઈ મુજબ મહિલાઓને નોટિસ આપીને છોડી મૂકવામાં આવી હતી. મંગળવારે સાંજે અમે તેમની પાસે રહેલો ખંડણીનો સ્વીકારેલો એક લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરી લીધો છે. તેથી હાલપૂરતી તેમની ધરપકડ કરવાની જરૂરિયાત રહી નથી, પરંતુ જો તેઓ આગામી તપાસમાં પોલીસને સહકાર નહીં આપે તો તેમની અધિકૃત ધરપકડ કરવામાં આવશે.’

ઉંદર ઢોસામાં કઈ રીતે આવ્યો એ વિશે શું કહેવું છે જય શાહનું?
રેસ્ટોરાંના માલિક જય શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી રેસ્ટોરાંમાં CCTV કૅમેરા લાગેલા છે, પરંતુ દરેક ડિશ કે દરેક ગ્રાહક પર ફોકસ નથી કરતા એટલે ઢોસામાં ઉંદર કઈ રીતે આવ્યો એ કહેવું ખૂબ જ મુશ્કેલ છે. સામાન્ય રીતે ઢોસામાં ઉંદર આવવો ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે એને બનાવવાની પ્રક્રિયા જ એવી હોય છે કે જો એમાં કોઈ પણ વસ્તુ પડે તો બનાવનાર વ્યક્તિને તરત જ ખબર પડી જાય. છતાં આ મામલે અમે પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ.’ 

બોરીવલીના વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયે નિષ્પક્ષ તપાસની માગણી કરી

બોરીવલીના વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયે ગઈ કાલે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ‘રાજ્યમાં FDAની કડક કાર્યવાહી બાદ હોટેલ-વ્યવસાયીઓ પાસેથી પૈસા પડાવવા માટે કેટલાંક તત્ત્વો સક્રિય થઈ ગયાં છે. આ કિસ્સામાં પણ પોલીસે આવી જ ફરિયાદ નોંધી છે. મારી પોલીસ પાસે સ્પષ્ટ માગણી છે કે આ ઢોસામાં ઉંદર ક્યાંથી અને કઈ રીતે આવ્યો એની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, કારણ કે ઢોસા બનાવવાની પ્રક્રિયા જ એવી હોય છે જેમાં આ રીતે ઉંદર આવી જવો ખૂબ જ મુશ્કેલ છે.’

mumbai news mumbai borivali exclusive