સાઇક્લોન વિદર્ભમાં હળવા દબાણમાં પરિવર્તિત થઈને નબળું પડ્યું

05 June, 2020 08:04 AM IST  |  Mumbai | Agencies

સાઇક્લોન વિદર્ભમાં હળવા દબાણમાં પરિવર્તિત થઈને નબળું પડ્યું

વાવાઝોડા નિસર્ગને કારણે પનવેલમાં લગ્નના મંડપની થયેલી ખરાબ હાલત. તસવીર : પી.ટી.આઈ

બુધવારે બપોરે રાયગડ જિલ્લાના મુરુડ-શ્રીવર્ધનમાં જમીન સાથે અથડાયા બાદ ‘નિસર્ગ’ સાઇક્લોન પશ્ચિમી વિદર્ભ તરફ સરકીને નબળું પડી ગયું હોવાનું ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું. બુધવારે સાઇક્લોન પહેલાંના અંદાજ કરતાં ૬૦ કિલોમીટર દૂર ફંટાતાં મુંબઈને ખાસ અસર નહોતી પહોંચી.

ભારતીય હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ ગુરુવારે વહેલી સવારે ૫.૩૦ વાગ્યે નિસર્ગ સાઇક્લોન પૂર્વ-ઉત્તર તરફ ગયા બાદ નબળું પડી ગયું હતું, જે સાંજે બિલકુલ સામાન્ય થઈ ગયું હતું. જોકે આને લીધે ગુરુવારે વહેલી સવારથી બપોર સુધી પાલઘર, થાણે, નવી મુંબઈ, મુંબઈ અને રાયગડ જિલ્લામાં હળવોથી ભારે વરસાદ પડ્યો હતો.

અરબી સમુદ્રમાં પેદા થયા બાદ ‘નિસર્ગ’ વાવાઝોડું મુંબઈ નજીકના અલીબાગના દરિયાકિનારે ત્રાટકીને ૧૨૯ વર્ષ બાદ મુંબઈને ગંભીર અસર પહોંચાડે એવી આશંકા વ્યક્ત કરાઈ હતી. જોકે સમુદ્રમાંથી જમીન તરફ સરકતી વખતે વાવાઝોડું અલીબાગથી ૬૦ કિલોમીટર મુરુડ-શ્રીવર્ધન તરફ ફંટાતાં મુંબઈમાં ૫૦થી ૬૦ કિલોમીટરની ઝડપે હવાની સાથે સામાન્ય વરસાદ નોંધાયો હતો. કેટલાંક ઝાડ પડવા સિવાય કોઈ મોટી જાનહાનિ મુંબઈને ન થતાં લોકોએ રાહત અનુભવી હતી.

હવામાન વિભાગની આગાહી મુજબ હજી એકાદ-બે દિવસ મુંબઈ અને આસપાસના વિસ્તારમાં સાઇક્લોનની અસરને લીધે છૂટોછવાયો હળવો વરસાદ પડશે.

mumbai mumbai news raigad alibaug cyclone nisarga mumbai weather