ક્યાં ખોવાયો વરસાદ?

27 August, 2026 07:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑગસ્ટમાં વાર્ષિક સરેરાશનો માત્ર ૧૩.૦૩ ટકા વરસાદ પડ્યો

પ્રતીકાત્મક તસવીર

હવામાન ખાતાના ડેટા અનુસાર પહેલીથી પચીસમી ઑગસ્ટ દરમ્યાન પડેલો વરસાદ (૩૦૨.૩ મિલીમીટર) ગયા વર્ષના સમાન સમયગાળા (૧૦૫૪.૨૦ મિલીમીટર)ના માત્ર ૨૮.૬૭ ટકા અને વાર્ષિક સરેરાશ વરસાદ (૨૩૧૯ મિલીમીટર)ના માત્ર ૧૩.૦૩ ટકા હતો. મંગળવાર સવાર સુધીમાં સાંતાક્રુઝ હવામાન મથક અને એના કોલાબા સમકક્ષમાં આ મહિનામાં અત્યાર સુધીમાં ૩૦૨.૩ મિલીમીટર અને ૧૪૨.૭૦ મિલીમીટર વરસાદ નોંધાયો છે. 

૨૩ જૂનથી ચોમાસાની શરૂઆત થઈ હતી. એ દિવસથી ૨૫ ઑગસ્ટ સુધીમાં સાંતાક્રુઝમાં ૨૨૧૫.૩૦ મિલીમીટર એટલે કે કુલ ઍવરેજ ઍન્યુઅલ રેઇન (AAR) ૨૩૧૯ મિલીમીટરના ૯૫.૫૩ ટકા નોંધાયો છે. ગયા વર્ષે આ જ દિવસ સુધી નોંધાયેલા વરસાદની સરખામણીમાં આ આંકડો મોટી ખાધ દર્શાવે છે - ૨૩૬૪.૨૦ મિલીમીટર (AARના ૧૦૧.૯૫ ટકા). શહેરમાં જુલાઈમાં સીઝનનો સૌથી વધુ વરસાદ ૧૩૯૯.૩ મિલીમીટર (AARના ૬૦.૩૪ ટકા) પડ્યો હતો.

વેગરીઝ ઑફ ધ વેધરના સ્થાપક રાજેશ કાપડિયાએ જણાવ્યું હતું કે ‘બંગાળની ખાડીમાં નીચું દબાણ સર્જાયું છે. મુંબઈમાં અપેક્ષા મુજબ વરસાદ કદાચ ન પણ પડે. મને લાગે છે કે ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં મર્યાદિત વરસાદ પડશે જે સામાન્ય વરસાદ જેટલો જ હોઈ શકે છે, પરંતુ એ સરેરાશથી વધુ નહીં હોય. જોકે પાણીપુરવઠાની દૃષ્ટિએ એ ચિંતાજનક ન હોવું જોઈએ, કારણ કે શહેરના પાણીપુરવઠાનાં તળાવો લગભગ ૯૫ ટકા ભરાઈ ગયાં છે, જેમાં લગભગ ૯ મહિના સુધી ચાલે એટલું પાણી છે. એ આગામી ચોમાસા સુધીના સમય માટે પૂરતું હોવું જોઈએ.’

- સાર્થક મહેતા

mumbai news mumbai Weather Update mumbai weather palghar monsoon news mumbai monsoon