મુંબઈ : ડ્રગ્સની રેવ પાર્ટીઓ બનશે કોરોના સુપર-સ્પ્રેડર

25 November, 2020 07:36 AM IST  |  Mumbai | Diwakar Sharma

મુંબઈ : ડ્રગ્સની રેવ પાર્ટીઓ બનશે કોરોના સુપર-સ્પ્રેડર

એક તરફ પોલીસ સહિતનાં કાયદો-વ્યવસ્થાનાં તંત્રો બૉલીવુડ સહિત સમગ્ર મુંબઈમાં ડ્રગ્સના પ્રસારને નાથવા માટે તનતોડ પ્રયાસો કરી રહ્યાં છે ત્યારે ડ્રગ્સની રેલમછેલ થતી હોય એવી રેવ પાર્ટીઓનાં આયોજનો વધ્યાં હોવાનું મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે સર્વસામાન્ય લોકોને ખ્યાલમાં ન આવે એ રીતે સોશ્યલ મીડિયાના માધ્યમથી રેવ પાર્ટીની જાહેરાત અને એનાં આયોજન કરવામાં આવતાં હોવાનું જણાવ્યું હતું. દરમ્યાન પશ્ચિમનાં ઉપનગરોનાં આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે અંધેરી, લોખંડવાલા, ઓશિવરા, વર્સોવા, બાંદરા અને સાંતાક્રુઝ જેવા વિસ્તારોના પાન-સિગારેટ કે અન્ય ચીજો વેચતા દુકાનદારો ‘વિશ્વાસપાત્ર’ ગ્રાહકોને ગાંજો વેચે છે.

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘આવી પાર્ટીના આયોજકો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર અનામી પ્રોફાઇલ્સના માધ્યમથી ડ્રગ્સના બંધાણી-વ્યસનીઓને લલચાવે છે. એ લોકો પોલીસને ગંધ ન આવે એ માટે પાર્ટીઓનાં સ્થળ અને સમય છેલ્લી ઘડીએ જાહેર કરે છે. જોકે સાઇબર સેલ અને મુંબઈ પોલીસ સોશ્યલ મીડિયા પર તેમજ ક્રિસમસ કે ન્યુ યરના દિવસોમાં જ્યાં આવી પાર્ટીઓ યોજાવાની શક્યતા હોય છે એવા ઠેકાણાંઓ પર નિગરાણી રાખે છે. આવી પાર્ટીઓમાં એક પણ કોરોના-પૉઝિટિવ વ્યક્તિ હાજર હોય તો એ રોગચાળો મોટા પ્રમાણમાં ફેલાવાની શક્યતા રહે છે.’
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે ‘લૉકડાઉનને કારણે લાંબા વખત સુધી ધંધામાં નુકસાન સહન કરનારા હોટેલો અને રેસ્ટોરાંના માલિકોને લલચાવી, પટાવી, મનાવીને તેમના પરિસરમાં આવી પાર્ટીઓ યોજવાનું આયોજકોને સરળ લાગે એવી શક્યતા છે. પાર્ટીમાં હાજરી આપનારાઓમાં પોલીસને જાણ ન કરે એવા ખાતરીલાયક લોકો જ સામેલ થાય એની તકેદારી આયોજકો ખૂબ ચોકસાઈથી રાખે છે. એકંદરે પોલીસે હાલના સમયમાં ડ્રગ્સની રેવ પાર્ટીનું વધતું પ્રમાણ અને એવી પાર્ટીઓમાં કોરોના-ઇન્ફેક્શન વધુ ફેલાવાની શક્યતા બન્ને બાબતો પર ધ્યાન આપવાની જવાબદારી નિભાવવાની રહેશે.’

diwakar sharma mumbai mumbai news coronavirus covid19