રેપ કા એફઆઇઆર કરને લાયક નહીં હૈ તુમ્હારા ચેહરા

29 December, 2012 06:06 AM IST  | 

રેપ કા એફઆઇઆર કરને લાયક નહીં હૈ તુમ્હારા ચેહરા



અકેલા

મુંબઈ તા. ૨૯

બળાત્કારની ફરિયાદ કરવા ગયેલી એક યુવતીને એક મહિલા પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘તારો ચહેરો કંઈ બળાત્કારની ફરિયાદ નોંધવા જેટલો સારો નથી. જો તને તે માણસ સાથે પ્રેમ હોય તો ફરિયાદ ન કર, બીજા કોઈ સાથે પરણી જા અને સુખેથી જીવ.’

૨૮ વર્ષની આ યુવતીનો શ્રીમંત બૉયફ્રેન્ડ લગ્ન કરવાનો વાયદો આપીને તેની સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યો હતો અને શારીરિક સંબંધ બાંધ્યો હતો. જોકે પછી તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને બીજે લગ્ન કરી લીધાં હતાં. આ વિશે તે ફરિયાદ કરવા ગઈ ત્યારે પોલીસ-સ્ટેશનથી ભગાડી દેવામાં આવતાં તેણે બોરીવલી મૅજિસ્ટ્રેટ ર્કોટનો સંપર્ક કર્યો હતો. ૧૫ ડિસેમ્બરે બોરીવલી મૅજિસ્ટ્રેટે આરોપી સંતોષ શર્મા સામે દહેજ, બળાત્કાર, છેતરપિંડી અને વિfવાસઘાત જેવી કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ઑર્ડર બહાર પાડ્યો છે. એક તરફ દિલ્હીમાં ગૅન્ગ-રેપ પછી દેશભરમાં જનાક્રોશનો જુવાળ છે ત્યારે મુંબઈમાં પોલીસ ર્કોટના ઑર્ડરને પણ માનવા તૈયાર નથી.

આ યુવતી રેખા (નામ બદલ્યું છે) ર્કોટના ઑર્ડર સાથે કુરાર પોલીસ-સ્ટેશનમાં સંતોષ શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ગઈ હતી, પણ પોલીસે ફરિયાદ નોંધવાની ના પાડી દીધી હતી. પહેલાં ચાર દિવસ તો તેને એમ કહેવામાં આવ્યું કે સાહેબ છુટ્ટી પર છે. ત્યાર પછી તે સિનિયર ઇન્સ્પેક્ટર સુભાષ ડફલેને મળી. તેમણે પણ ફરિયાદ નોંધવાની ના પાડી અને કહ્યું કે ‘બળાત્કારની ફરિયાદ કરીને કોઈ ફાયદો થતો નથી. ચાર દિવસમાં બધું ઠીક થઈ જશે. બળાત્કાર કરનારો કંઈ ગોરેગામ કે મલાડમાં છુપાયો નથી કે તેને જઈને પકડી લાવીએ.’

રેખા વકીલ અશોક યાદવ મારફત બોરીવલી ર્કોટમાં ગઈ અને બોરીવલી ર્કોટે ફરિયાદ નોંધવા માટેનો ઑર્ડર બહાર પાડ્યો હતો. અશોક યાદવે કહ્યું હતું કે ‘બોરીવલી ર્કોટે એ જ દિવસે ઑર્ડર બહાર પાડ્યો, પણ કુરાર પોલીસ આ ઑર્ડર ભણી આંખ આડા કાન કરે છે. એ ર્કોટના ઑર્ડરને પણ ગણકારતી નથી.’

આ પછી રેખા મહિલા પોલીસ-અધિકારી જ્યોતિ ભોપાળેને મળી. તેણે ફરિયાદ નોંધી, પણ પછી તે રેખાને સમજાવવા લાગી અને તેનું અપમાન પણ કરવા લાગી. તેણે કહ્યું, ‘તુમ્હારા ચેહરા રેપ કા એફઆઇઆર કરને લાયક નહીં હૈ. અગર તુમ ઉસસે (સંતોષ સે) સચ્ચા પ્યાર કરતી તો ઉસકે ખિલાફ કમ્પ્લેઇન્ટ નહીં કરતી. જાઓ કિસી ઔર સે શાદી કર લો ઔર ખુશ રહો.’

ડેપ્યુટી પોલીસ-કમિશનર નિસાર તંબોલીએ આ સંદર્ભમાં કહ્યું હતું કે આ કેસમાં હું તપાસ કરીશ.

એફઆઇઆર = ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ