સંપૂર્ણ ગૌવંશ વધ પ્રતિબંધના કાયદા માટે યોજાયેલી મહારૅલી સફળ

06 November, 2012 03:42 AM IST  | 

સંપૂર્ણ ગૌવંશ વધ પ્રતિબંધના કાયદા માટે યોજાયેલી મહારૅલી સફળ



ગૌવંશ વધ પ્રતિબંધ બિલને કાયદાનું સ્વરૂપ મળે અને મુંબઈના દેવનાર કતલખાનામાંથી થતી માંસની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની માગણી સાથે ઑપેરા હાઉસથી આઝાદ મેદાન સુધી મહારૅલી કાઢ્યા બાદ એના આયોજકો રાષ્ટ્રીય ગૌવંશ રક્ષા સમિતિ અને અખિલ ભારત કૃષિ ગૌસેવા સંઘના એક પ્રતિનિધિમંડળે ગઈ કાલે રાત્રે ચીફ મિનિસ્ટર પૃથ્વીરાજ ચવાણની આ મુદ્દે મુલાકાત લીધી હતી અને આ આખા પ્રfનને તેમની સમક્ષ મૂકતાં તેમણે ખાતરી આપતાં કહ્યું હતું કે આ માટે જલદી હું ઘટતું કરવાનો પ્રયાસ કરીશ.

આ મહારૅલીમાં આશરે ૧૫,૦૦૦ અહિંસાપ્રેમીઓ જોડાયા હતા. આ બાબત ચીફ મિનિસ્ટરને જણાવીને પ્રતિનિધિમંડળે કહ્યું હતું કે ‘ગૌવંશ વધ પ્રતિબંધ બિલના મુદ્દે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. ૨૦૦૫માં ગૌવંશ વધ પ્રતિબંધનું જજમેન્ટ આવ્યું હતું. ૧૨ રાજ્યોમાં આ કાયદો છે અને ૧૬ વર્ષથી ઉપરના ગૌવંશ પશુને કપાય નહીં એ કાયદામાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે. સુધરાઈના કાયદામાં પણ માંસની નિકાસ પર પ્રતિબંધ છે.’

મહારાષ્ટ્રની વિધાનસભા અને વિધાન પરિષદમાં ગૌવંશ વધ પ્રતિબંધ બિલ ૧૯૯૫માં પાસ થયું હતું અને હવે ફક્ત રાષ્ટ્રપતિની સહી લેવાની જ બાકી છે. જો રાષ્ટ્રપતિ સહી કરી દે તો આ બિલને કાયદાનું સ્વરૂપ મળશે અને એ અમલમાં મૂકવામાં આવશે.

આ પ્રતિનિધિમંડળમાં વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢા,  મુનિ વિરાટસાગરજી મહારાજસાહેબ, મુનિરાજ વિનમ્રસાગરજી મહારાજસાહેબ વગેરેનો સમાવેશ હતો.

મહારૅલીની શરૂઆત બપોરે ૧૨.૩૯ વાગ્યે ઑપેરા હાઉસના પંચરત્ન બિલ્ડિંગથી થઈ હતી. ત્યાર બાદ આ રૅલી ચર્ની રોડ સ્ટેશનથી થઇ પોટુર્ગીઝ ચર્ચ, ગાયવાડી, ઠાકુરદ્વાર, ચીરાબજાર, પ્રિન્સેસ સ્ટ્રીટ, મેટ્રો સિનેમા થઈને સુધરાઈના મુખ્યાલય સામેથી પસાર થઈ સાંજે ચાર વાગ્યાની આસપાસ આઝાદ મેદાનમાં સભામાં પરિવર્તિત થઈ હતી.

રૅલીની શરૂઆત પંચરત્ન બિલ્ડિંગ પાસેથી થઈ ત્યારે લગભગ ૨૦૦ની સંખ્યામાં અહિંસાપ્રેમીઓ આ રૅલીમાં જોડાયા હતા, પણ ચર્ની રોડ સ્ટેશન પાસે આ રૅલીમાં હજારોની સંખ્યામાં લોકો સામેલ થયા હતા. મહારૅલી ચીરાબજાર પહોંચી ત્યારે અહિંસાપ્રેમીઓ રસ્તા પર બેસી ગયા હતા અને રસ્તારોકો આંદોલન કર્યું હતું. આ રૅલી મેટ્રો સિનમા પાસે પહોંચી ત્યારે અહિંસાપ્રેમીઓએ ‘હિંસા રોકો એક જ વાર, ભારતમાતા કરે પુકાર’ એવા નારા લગાવ્યા હતા અને તેઓ ફરી રસ્તા પર બેસી ગયા હતા. એ વખતે મુંબઈના પોલીસ-કમિશનર સત્યપાલ સિંહ ત્યાં પહોંચી ગયા હતા અને અહિંસાપ્રેમીઓને કહ્યું હતું કે તમે રસ્તો ન રોકો, તમારી માગણીઓ સ્વીકારવાનો અમે પ્રયાસ કરીશું. પોલીસ-કમિશનરની વાતને માન આપીને અહિંસાપ્રેમીઓ રસ્તા પરથી ઊઠી ગયા હતા અને આઝાદ મેદાન પહોંચ્યા હતા.

આઝાદ મેદાનમાં મહારૅલી પહોંચી ત્યાર બાદ હીરાબજારની બી. વિજયકુમાર ઍન્ડ કંપનીના ભરત શાહે દીપ પ્રગટાવીને પ્રોગામની શરૂઆત કરી હતી અને આયોજકો તથા અગ્રણીઓએ અહિંસાપ્રેમીઓને આવી જ રીતે લડત ચાલુ રાખવા કહ્યું હતું.

રાષ્ટ્રીય ગૌવંશ રક્ષા સમિતિના નેજા હેઠળ યોજાયેલી મહારૅલીનું આયોજન કરવામાં મુખ્ય ભાગ ભજવનારા અખિલ ભારત કૃષિ ગૌસેવા સંઘના અધ્યક્ષ કેસરીચંદ મહેતાએ કહ્યું હતું કે ‘અમે કોઈ પણ હિસાબે આ બિલને મંજૂર કરાવીને રહીશું. સરકારે અહિંસાપ્રેમીઓની આ તાકાત જોઈ લીધી છે.’

અનેક લોકો ધંધો બંધ કરીને જોડાયા

રૅલીમાં જોડાવા માટે સાઉથ મુંબઈની હીરાબજાર સહિત અનેક માર્કેટોની હજારો દુકાનો ગઈ કાલે બંધ રાખવામાં આવી હતી. હીરાબજાર ગઈ કાલે બપોરે બારથી સાંજે પાંચ વાગ્યે સુધી બંધ રાખવામાં આવ્યું હતું. એને કારણે વેપારીઓને ગઈ કાલે કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું હોવા છતાં તેઓ રૅલીમાં જોડાયા હતા. જ્વેલર્સ, મેડિકલ સ્ટોર, હોટેલો, કપડાંની દુકાનો તથા રસ્તા પરના ફેરિયાઓ પણ આ રૅલીમાં તેમનો ધંધો બંધ રાખીને જોડાયા હતા. આઝાદ મેદાનમાં રૅલીમાં જોડાયેલા હજારો અહિંસાપ્રેમીઓ માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

પોલીસ કાર્યવાહી કરશે

મુંબઈના ઍડિશનલ પોલીસ-કમિશનર ક્રિષ્ના પ્રકાશે કહ્યું હતું કે ‘સાઉથ મુંબઈમાં રૅલી કાઢવાની પરવાનગી જ નથી. અમે આ સમિતિને રૅલી ન કાઢવા નોટિસ મોકલી હતી છતાં તેમણે રૅલી કાઢી હતી. જોકે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ પણ અમારી પરવાનગી લીધા વગર જ રૅલી કાઢી હતી, પરંતુ અમે તેમને પણ રોકી શક્યા નહોતા. અમે રૅલીના વિરોધમાં નથી, પરંતુ રૅલીના આયોજનકર્તાઓ વિરુ¢ જરૂર કાર્યવાહી કરીશું.’

કેટલો પોલીસ-બંદોબસ્ત?

રૅલીમાં ૧૫,૦૦૦ જેટલા અહિંસાપ્રેમીઓને કન્ટ્રોલ કરવા માટે ફક્ત ૩૫૦ની પોલીસ-ટીમ બંદોબસ્તમાં રાખવામાં આવી હતી. એમાં ફક્ત એક ડેપ્યુટી કમિશનર અને ત્રણ આસિસ્ટન્ટ પોલીસ-કમિશનર હતા.