શહેરને પાણીપુરવઠો આપતાં જળાશયોમાં સંગ્રહ 50 ટકા થયો

10 August, 2020 07:05 AM IST  |  Mumbai | Mumbai correspondent

શહેરને પાણીપુરવઠો આપતાં જળાશયોમાં સંગ્રહ 50 ટકા થયો

થોડા દિવસ પહેલાં જ તુલસી તળાવ છલકાયું હતું, પણ શહેરના પાણીપુરવઠામાં એનો ભાગ સૌથી ઓછો છે. ફાઇલ ફોટોગ્રાફ

મુંબઈ શહેર અને ઉપનગરોમાં મોસમનો અપેક્ષિત કુલ વરસાદ વરસી ચૂક્યો હોવા છતાં પાણીપુરવઠો આપતાં જળાશયોમાં અપેક્ષા કરતાં ૪૦ ટકા ઓછો વરસાદ પડવાને કારણે પાંચમી ઑગસ્ટથી શહેરમાં ૨૦ ટકા પાણીકાપનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. એથી પાંચમી ઑગસ્ટથી ઇશાન મુંબઈનાં એ બે પરાંમાં મુંબઈ મહાનગરપાલિકા ૨૪ કલાકને બદલે ૧૯ કલાક પાણીપુરવઠો આપે છે. આ અઠવાડિયામાં પશ્ચિમી કાંઠા પર ચોમાસાની સક્રિયતાની આગાહીને પગલે શહેરના પાણીપુરવઠામાં મહત્ત્વનાં પાંચ મુખ્ય સરોવરોનાં જળગ્રાહી ક્ષેત્રોમાં સારો વરસાદ પડવાની શક્યતા વર્તાય છે.

ગયા અઠવાડિયામાં મુંબઈ શહેર અને ઉપનગરોમાં વરસાદના આંકડા મોસમની કુલ સરેરાશ ૧૦૦ ઇંચ સુધી પહોંચી ગયા, પરંતુ સમગ્ર શહેરને પાણીપુરવઠો આપતાં આઠ જળાશયોમાંથી મોટા અને થાણે જિલ્લા ક્ષેત્રસ્થિત પાંચ જળાશયોમાં જળસંગ્રહની સ્થિતિ ચિંતાજનક હતી. સાતેક દિવસ પહેલાં જળાશયોમાં ક્ષમતાના માંડ ત્રીસેક ટકા જથ્થો હોવાથી આખું વર્ષ પાણીપુરવઠામાં મોટા પ્રમાણમાં કાપની શક્યતા ચર્ચાતી હતી, પરંતુ ગયા સપ્તાહના અંતિમ ત્રણ દિવસમાં પડેલા ભારે વરસાદમાં સરોવરોમાં જળસંગ્રહનું પ્રમાણ ૫૦.૫૩ ટકા એટલે કે ૭,૩૧,૨૮૩ મિલ્યન લિટર થયું છે. જોકે પાણીપુરવઠો આપતાં તળાવોમાં જળસંગ્રહનું પ્રમાણ ૨૦૧૮ની ૯ ઑગસ્ટે ૮૫ ટકા અને ૨૦૧૯ની ૯ ઑગસ્ટે ૯૧ ટકા હતું.

mumbai rains mumbai monsoon mumbai weather mumbai mumbai news mumbai water levels