મુંબઈમાં આવતી કાલથી ફરી ભારે વરસાદની આગાહી છે

09 August, 2020 07:07 AM IST  |  Mumbai | Mumbai correspondent

મુંબઈમાં આવતી કાલથી ફરી ભારે વરસાદની આગાહી છે

વરસાદથી રસ્તા પર ટ્રાફિક જૅમ

મુંબઈને બે દિવસ ઘમરોળ્યા બાદ હમણાં વરસાદનું જોર ઘટતા લોકો રાહત અનુભવી રહ્યા છે. જોકે આવતી કાલથી રાજ્યના કોસ્ટલ વિસ્તારમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું ફરી સક્રિય થવાથી મુંબઈમાં ફરી ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે ગઈ કાલે વ્યક્ત કરી હતી. ૧૦થી ૧૭ ઑગસ્ટ સુધી મધ્યમથી ભારે અને ભારેથી અતિભારે વરસાદ આ સમયમાં પડી શકે છે.

બુધ અને ગુરુવારે ભારે વરસાદ થવાથી અનેક સ્થળે પાણી પાણી થવાની સ્થિતિ સજાર્યા બાદ મુંબઈમાં બે દિવસથી વરસાદ ઓછો થતાં રાહત છે. ગઈ કાલે આખો દિવસ આકાશ વાદળછાયું રહેવાની સાથે સામાન્ય વરસાદ પડ્યો હતો.

ભારતીય વેધશાળાના મુંબઈ સેન્ટરના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ કે. એસ. હોસલીકરે કહ્યું હતું કે ‘દક્ષિણ પશ્ચિમ ચોમાસું ૧૦-૧૧ ઑગસ્ટે મુંબઈ સહિત મહારાષ્ટ્રનો કોસ્ટલ વિસ્તાર સક્રિય થવાની શક્યતા છે. આ ચોમાસું આખું અઠવાડિયું સક્રિય રહેશે.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે સવારે ૫.૩૦ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન કોલાબામાં ૩૩૦ મિ.મિ. એટલે કે ૧૩ ઇંચ અને સાંતાક્રુઝમાં ૧૪૬ મિ.મિ. એટલે કે ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સામાન્ય રીતે મુંબઈનાં પરાં વિસ્તારમાં વધારે વરસાદ પડતો હોય છે, પરંતુ બુધ અને ગુરુવારે દક્ષિણ મુંબઈમાં વધુ વરસાદ થવાથી અહીં જ્યાં ક્યારેય પાણી નથી ભરાતાં એવાં સ્થળોએ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી.

mumbai mumbai news mumbai rains mumbai monsoon mumbai weather