મુંબઈ જુએ છે વરસાદની વાટ, 9 ટકા જ પાણી જળાશયોમાં છે

27 June, 2020 08:04 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈ જુએ છે વરસાદની વાટ, 9 ટકા જ પાણી જળાશયોમાં છે

તન્સા લૅક

મુંબઈનાં જળાશયોમાં પાણીનો માત્ર ૯ ટકા જથ્થો બચ્યો છે. જોકે મે મહિનાના અંત સુધીમાં તળાવોમાં પર્યાપ્ત પાણી હતું, પરંતુ ચોમાસું લંબાતાં પાણીની અછતની સ્થિતિ સર્જાઈ છે અને જો વરસાદ હજી મોડું કરશે તો શહેરે પાણીકાપનો સામનો કરવો પડી શકે છે. આમ કોરોના તો માથે છે જ અને એ મુસીબતમાં પાણીકાપનો ઉમેરો થશે.

૨૦૧૮ના વર્ષમાં ઓછો વરસાદ પડતાં ગયા વર્ષે શહેરે જુલાઈ સુધી પાણીકાપનો સામનો કરવો પડ્યો હતો. જોકે ગયા વર્ષે સારા વરસાદને લીધે તેમ જ ડિસેમ્બર સુધી વરસાદ પડવાને લીધે શહેરનાં તળાવોમાં પાણીનો સંગ્રહ થઈ શક્યો હતો. ઉનાળામાં પણ જળાશયોમાં પાણીનું પ્રમાણ ઘણું ઊંચું રહ્યું હતું.

૨૪ એપ્રિલે શહેરમાં ૨૯ ટકા પાણી બચ્યું હતું, જે ગયા વર્ષના સમાન દિવસે માત્ર ૧૯ ટકા હતું. જોકે હવે ૨૬ જૂને શહેરનાં તળાવો સુકાઈ રહ્યાં છે. તળાવની પાણી સંગ્રહ કરવાની ૧૪.૪૭ લાખ લિટરની ક્ષમતા સામે માત્ર ૧.૩૬ લાખ લિટર પાણી બચ્યું છે.

હાઇડ્રોલિક વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘શહેરની પાણીની રોજની જરૂરિયાત ૩૮૦ લાખ લિટરની છે અને એ હિસાબે ગણતરી કરવામાં આવે તો હાલનું પાણી માત્ર ૩૦ દિવસ સુધી ચાલી શકે એમ છે. ભૂતકાળના અનુભવો પર ધ્યાન રાખીએ તો જૂનમાં ન આવે તો પણ, મોડો-મોડો જુલાઈમાં તો વરસાદ આવે જ છે.’

છેલ્લાં ૬ વર્ષમાં આ ત્રીજું વર્ષ છે જ્યારે ચોમાસું મોડું બેસવાને કારણે કે પછી આગલા વર્ષે વરસાદ ઓછો પડવાને કારણે જૂન મહિનાના અંતે માત્ર ૧૦ ટકા કરતાં પણ ઓછું પાણી બચ્યું છે.

૨૬ જૂને કયા વર્ષે કેટલું પાણી?

વર્ષ પાણીનો જથ્થો (મિલ્યન લિટરમાં) કુલ પાણીના જથ્થાના કેટલા ટકા
૨૦૨૦ ૧,૩૫,૮૨૬ ૯.૩૮
૨૦૧૯  ૭૩,૭૮૪  ૫.૦૯
૨૦૧૮  ૨,૫૩,૦૪૩  ૧૭.૪૮
૨૦૧૭   ૩,૪૮,૦૧૯  ૨૪.૦૫
૨૦૧૬   ૯૬,૬૬૫  ૬.૬૮
prajakta kasale mumbai news mumbai mumbai monsoon mumbai water levels brihanmumbai municipal corporation