વિરામ બાદ મુંબઈ અને કોકણમાં ફરી વરસાદની જોરદાર એન્ટ્રી

15 July, 2020 07:02 AM IST  |  Mumbai | Mumbai correspondent

વિરામ બાદ મુંબઈ અને કોકણમાં ફરી વરસાદની જોરદાર એન્ટ્રી

ભારે વરસાદને કારણે દાદરના હિંદમાતા નજીક ભરાયેલું પાણી. તસવીર : આશિષ રાજે

છેલ્લા કેટલાક દિવસ વિરામ લીધા બાદ ગઈ કાલે મુંબઈમાં વરસાદે ફરી જોરદાર એન્ટ્રી મારી હતી. બપોર બાદ મુંબઈ સહિત ઉપનગરમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આગામી ૪૮ કલાકમાં મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવાની સાથે ઑરેન્જ અલર્ટ જારી કરી છે. રત્નાગિરિ, સિંધુદુર્ગ, રાયગડ જેવા કોકણના કિનારાના વિસ્તારોમાં રેડ અલર્ટ જાહેર કરાઈ છે. ૧૨ કલાકમાં પરાવિસ્તારમાં ચાર ઇંચ અને તળમુંબઈમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો.

મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં ગઈ કાલે સવારે છૂટાછવાયા વરસાદની શરૂઆત થયા પછી બપોરે મુશળધાર વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. લોઅર પરેલ, વરલી, દાદર, માટુંગા, કિંગ્સ સર્કલ જેવા તળ મુંબઈમાં તો અંધેરી, મલાડ, કાંદિવલી, બોરીવલી વગેરે પરા વિસ્તારોમાં ભારે વરસાદને લીધે નીચાણવાળા ભાગમાં પાણી ભરાઈ ગયાં હતાં.

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ મુંબઈ, થાણે, પાલઘર અને રાયગડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ મહારાષ્ટ્રથી કેરળના દરિયાકિનારે હવાનું દબાણ નિર્માણ થયું હોવાથી આ વિસ્તારમાં વરસાદ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થયું છે. આથી કેટલાંક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

mumbai mumbai rains mumbai monsoon mumbai weather indian meteorological department