જબ્બર વિરોધાભાસ, શહેરમાં રેડ અલર્ટ અને જળાશયો હજી ખાલીના ખાલી જ

05 August, 2020 07:14 AM IST  |  Mumbai | Mumbai correspondent

જબ્બર વિરોધાભાસ, શહેરમાં રેડ અલર્ટ અને જળાશયો હજી ખાલીના ખાલી જ

પવઈ લૅકમાં આનંદ માણતા યુવાનોનો ફાઇલ ફોટોગ્રાફ, આ એકમાત્ર તળાવ છે જે છલકાયું છે. તસવીર : બિપિન કોકાટે

સોમવારથી ફરી મુંબઈમાં અનરાધાર વરસાદનો સિલિસલો શરૂ થયો છે, પરંતુ એનો લાભ મહાનગરને પાણીપુરવઠો આપતાં મુંબઈની સીમાની બહારનાં બંધો, જળાશયો, સરોવરોને થતો નથી. શહેરની બહારનાં પાંચ મોટાં જળાશયોમાં કુલ ક્ષમતાના ફક્ત ૩૫ ટકા જળસંગ્રહ છે. જોકે આજથી બે દિવસમાં એ પાંચ જળાશયોના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રમાણમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. મુંબઈની હદમાં આવતાં બે નોંધપાત્ર જળાશયો તુલસી અને વિહારમાં સારો વરસાદ પડે છે. ગઈ કાલે સવારે છ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં તુલસી સરોવરમાં ૧૭૬ મિલીમીટર અને વિહાર સરોવરમાં ૨૩૨ મિલીમીટર વરસાદ પડ્યો હતો. તુલસી જળાશય ગયા અઠવાડિયે છલકાયું હતું અને વિહાર સરોવર ૮૦ ટકા ભરાયું છે. એ બે સરોવરોમાં સંઘરાયેલો જથ્થો મુંબઈની જરૂરિયાતના ફક્ત બે ટકા છે.

મુંબઈને પાણીપુરવઠો આપતાં આઠ જળાશયોમાંથી પવઈ, તુલસી અને વિહાર મુંબઈ શહેરની હદમાં છે. અન્ય પાંચ મોડક સાગર (લોઅર વૈતરણા), અપર વૈતરણા, મિડલ વૈતરણા, તાનસા અને ભાતસા મુંબઈની બહાર થાણે અને નાશિક જિલ્લાની સરહદના પરિસરમાં છે. પવઈ તળાવ સૌથી નાનું હોવાથી એના પાણીનો ઉપયોગ એમ.આઇ.ડી.સી. જેવાં ઔદ્યોગિક ક્ષેત્રોમાં તથા અન્ય મર્યાદિત વિસ્તારોમાં પુરવઠા માટે કરવામાં આવે છે. એથી દોઢ-બે દાયકાથી મહાનગરની વિશાળ વસ્તીને પુરવઠાના જળસંગ્રહમાં પવઈ સરોવરની ગણતરી કરવામાં આવતી નથી. તુલસી અને વિહાર સરોવરોમાં ભરપૂર વરસાદ પડ્યો એ દિવસોમાં શહેરની બહારનાં પાંચ જળાશયોમાં ૨૦ મિલીમીટર જેટલો પણ વરસાદ પડ્યો નહોતો.

મુંબઈને પાણીપુરવઠો આપતાં સાત જળાશયોની ૧૪.૪૭ લાખ મિલ્યન લીટર જળસંગ્રહની ક્ષમતા છે. ગયા વર્ષની ચોથી ઑગસ્ટે સાત સરોવરોમાં ૯૧.૬૧ ટકા જળસંગ્રહ હતો. આ વર્ષે ૩૪.૯૫ ટકા એટલે કે ૫,૦૫,૫૯૬ મિલ્યન લીટર જળસંગ્રહ છે. હવે આગાહી પ્રમાણે આવતા બે દિવસમાં એ પાંચ જળાશયોમાં પડનારા વરસાદને આધારે પાણીકાપનો નિર્ણય લેવાની શક્યતા છે.

mumbai mumbai rains mumbai monsoon mumbai weather mumbai news