ભારે વરસાદની અસર લોકલ ટ્રેન પર પણ, મુંબઈની લાઇફલાઇન ખોરવાઈ

27 May, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Rains: મુંબઈમાં ભારે વરસાદની અસર પડી લોકલ ટ્રેન વ્યવહાર પર; મધ્ય રેલવેમાં હાર્બર લાઇન સૌથી વધુ પ્રભાવિત

ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે લોકલ ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો તેથી મુંબઈકર્સને ટ્રેક પર ચાલવાની ફરજ પડી હતી (તસવીરઃ અતુલ કાંબળે)

મુંબઈ (Mumbai)માં સતત વરસાદ (Mumbai Rains)ને કારણે શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં અને રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સોમવારે સવારે રોડ ટ્રાફિક અને મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન (Suburban train operations hit due to heavy rainfall) સેવાઓ ખોરવાઈ ગઈ હતી.

સોમવારે મહારાષ્ટ્રની રાજધાનીમાં ભારે વરસાદને કારણે મુંબઈની લોકલ ટ્રેનો મોડી દોડી રહી હતી, જ્યારે ટ્રાફિક અને ફ્લાઇટ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. અવિરત વરસાદને કારણે મુંબઈના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં અને રેલવે ટ્રેક પર ભારે પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સોમવારે જનજીવન પ્રભાવિત થયું હતું.

આજે સવારે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે મધ્ય રેલવે (Central Railway)ના હાર્બર લાઇન (Harbour line) પર વડાલા રોડ (Wadala Road) અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (Chhatrapati Shivaji Maharaj Terminus) વચ્ચે સવારે ૧૦.૨૫ વાગ્યાથી ઉપનગરીય ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી, જ્યારે મહાનગરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાના અહેવાલો છે.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે, મુખ્ય લાઇનના સ્લો કોરિડોર પર સેવાઓ સામાન્ય રીતે ચાલી રહી હતી, જોકે ફાસ્ટ કોરિડોરમાં થોડા સિગ્નલ અને ટ્રેક ચેન્જિંગ પોઇન્ટ નિષ્ફળ ગયા હતા. તેમણે ઉમેર્યું હતું કે, સીએસએમટી યાર્ડમાં પણ ભારે પાણી ભરાઈ ગયાના અહેવાલ છે, જેના કારણે અપ થ્રુ લાઈનો અને સાઇડિંગ ૩૦૮, ૩૩૧, ૩૪૭ અને ૨૩૧ પ્રભાવિત થયા હતા, જેના કારણે પ્લેટફોર્મ ૫, ૬, ૭, ૧૦ થી ૧૮ સુધી ટ્રેનોની અવરજવર ખોરવાઈ હતી.

સેન્ટ્રલ રેલવે પીઆરઓએ જણાવ્યું કે, ભાયખલા ખાતે ૩થી ૪ ઇંચ પાણી ભરાવાના કારણે ટ્રેનોની ગતિ ધીમી પડી ગઈ. વડાલા રોડથી સીએસએમટી સુધીની હાર્બર લાઇન પર ૭ ઇંચથી વધુ પાણી ભરાયા હતા. વડાલા રોડ અને સીએસએમટી વચ્ચે કોઈ ટ્રેન દોડી રહી નથી. હાર્બર લાઇન પર વડાલા રોડ અને પનવેલ વચ્ચે થોડો વિલંબ થયો છે. લગભગ ૪૦ મિનિટ વિલંબ સાથે સેન્ટ્રલ લાઇન સેવાઓ ફરી શરૂ થઈ ગઈ છે.

જોકે, પશ્ચિમ રેલવે (Western Railway)એ દાવો કર્યો હતો કે તેના ટ્રેક પર કોઈ પાણી ભરાયું નથી અને ટ્રેનો તેના કોરિડોર પર સામાન્ય રીતે ટ્રેનો ચાલી રહી છે. પરંતુ મુસાફરોએ કેટલાક વિલંબની ફરિયાદ કરી હતી, એમ સમાચાર એજન્સી પીટીઆઈએ અહેવાલ આપ્યો છે.

કેટલીક લાંબા અંતરની ટ્રેનો મોડી દોડી રહી છે અને સમયપત્રકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, ૨૫ મેના રોજ દક્ષિણપશ્ચિમ ચોમાસુ કર્ણાટક (Karnataka)ના કેટલાક ભાગો, સમગ્ર ગોવા (Goa), મહારાષ્ટ્ર (Maharashtra)ના કેટલાક ભાગો અને મિઝોરમ (Mizoram)ના કેટલાક ભાગો, મણિપુર (Manipur) અને નાગાલેન્ડ (Nagaland)ના કેટલાક ભાગોમાં આગળ વધતાં શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો.

mumbai monsoon mumbai rains mumbai local train central railway western railway harbour line Weather Update mumbai weather indian meteorological department mumbai mumbai news