મુંબઈ: ફોર્ટમાં આવેલી ભાનુશાલી બિલ્ડિંગ ધરાશાયી

18 July, 2020 10:56 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

મુંબઈ: ફોર્ટમાં આવેલી ભાનુશાલી બિલ્ડિંગ ધરાશાયી

ફોર્ટની ભાનુશાલી બિલ્ડિંગ ધરાશાયી

સાઉથ મુંબઈમાં ફોર્ટમાં કબૂતરખાના પાસેના ભાનુશાલી બિલ્ડિંગની દુર્ઘટનામાં ૬૫ વર્ષનાં મણિબહેન નાનજીભાઈ ફુરિયા અને તેમનો બાવીસ વર્ષનો જુવાનજોધ દીકરો કલ્પેશ મૃત્યુ પામ્યાં હતાં. પત્ની અને દીકરો ગુમાવનાર નાનજીભાઈએ કહ્યું કે ‘ચાર દિવસ પહેલાં જ ઘરમાં હતો ત્યારે મેં ધ્રુજારી અનુભવી હતી. મેં કહ્યું પણ ખરું કે બિલ્ડિંગ ધ્રૂજે છે, પણ મારું કોઈએ માન્યું નહીં. ગઈ કાલે પણ જ્યારે બિલ્ડિંગ ધ્રૂજવા માંડ્યું ત્યારે લોકો નીચે દોડી ગયા હતા. અમે પહેલા માળે રહીએ છીએ. લોકોએ મારી પત્ની અને દીકરાને પણ કહ્યું કે જલદીથી નીચે આવતાં રહો, પણ કલ્પેશે તેમને કહ્યું એ લોકો કપડાં બદલાવીને આવે છે. તેઓ કપડાં બદલવામાં રહ્યાં અને મકાન તૂટી પડ્યું.’

મણિબહેન નાનજીભાઈ ફુરિયા અને તેમનો બાવીસ વર્ષનો જુવાનજોધ દીકરો કલ્પેશ

મૂળ કચ્છ ભચાઉના વાગડ વીસા ઓસવાળ જ્ઞાતિના નાનજીભાઈ અને તેમનો પરિવાર વર્ષોથી ભાનુશાલી બિલ્ડિંગમાં રહેતો હતો. નાનજીભાઈ ઘરથી ૧૦-૧૫ મિનિટના જ રસ્તે રદ્દીની નાની દુકાન ધરાવે છે.મણિબહેન ગૃહિણી હતાં અને બન્ને દીકરા રતન‌સિંહ અને કલ્પેશ તેમના મામાની ઇમિટેશન જ્વેલરીની દુકાનમાં કામ કરે છે.

કલ્પેશને ૩ દિવસથી તાવ આવતો હોવાથી તે ઘરે હતો, જ્યારે નાનજીભાઈ અને રતનસિંહ તેમની દુકાને હતા. નાનજીભાઈએ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ઘર શિફ્ટ કરવાના જ હતા, કારણ કે મોટો દીકરો હવે લગ્ન કરવા જેવો થઈ ગયો છે. અમે તેને માટે પાત્ર પણ શોધી રહ્યા હતા. અમારી હાલની જગ્યા બહુ નાની પડે એમ હોવાથી અમે મોટી જગ્યા જોઈ રહ્યા હતા. નજીકમાં જ ભગવાન ભુવનમાં ત્રીજા માળે મેં એક ડબલ રૂમ જોઈ પણ હતી અને એ માટેની વાત પણ ચાલી રહી હતી. ચાર દિવસ પહેલાં જ હું ઘરમાં હતો ત્યારે મેં ધ્રુજારી અનુભવી હતી એટલે મેં તરત જ ઘરમાં કહ્યું કે બિલ્ડિંગ હલી રહ્યું છે, પણ કોઈ મારુ કહ્યું માન્યાં નહીં. મને ખબર પડી ગઈ હતી કે હવે ગમે ત્યારે બિલ્ડિંગ તૂટી પડશે. મૂળમાં બહુ જૂનું મકાન હતું. એને લોખંડના પિલર ઊભુ રાખીને સપોર્ટ આપીને ઘણા વખતથી ચલાવ્યે રાખ્યું હતું. મકાનમાલિક મોતીભાઈ ભાટિયાએ પણ કહ્યું હતું કે મકાન જૂનું થઈ ગયું છે. નીકળી જાઓ, પણ કોઈએ એને ગંભીરતાથી લીધું નહીં.’

પડતાં પહેલાં બિલ્ડિંગ જ્યારે જોરથી હલવા માંડ્યું ત્યારે બધા જીવ બચાવવા નીચે દોડી ગયા હતા. કલ્પેશને પણ લોકોએ કહ્યું કે મમ્મીને લઈને ફટાફટ નીચે આવી જા, પણ એ વખતે કલ્પેશની મમ્મી કપડાં બદલાવીને સાડી પહેરવા ગઈ અને કલ્પેશ તાવ આવતો હોવાથી ઉઘાડે ડીલે ન આવતાં ટી-શર્ટ પહેરવા રોકાયો. તેણે કહ્યું પણ ખરું કે અમે કપડાં બદલાવીને આવીએ જ છીએ, પણ એ લોકો નીચે આવે એ પહેલાં જ મકાન તૂટી પડ્યું હતું.

મણિબહેનનો મૃતદેહ આજે સવારે પાંચ વાગ્યે અને કલ્પેશનો મૃતદેહ બપોરે એક વાગ્યે કાટમાળ નીચેથી કાઢવામાં આવ્યો હતો. બન્ને મૃતદેહને જેજે હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. એક જ પરિવારમાં મા-દીકરાના મોતથી નાનજીભાઈ અને રતનસિહ ભાંગી પડ્યા છે. તેમને સાંત્વના આપવા સગાંસંબંધીઓ ભેગાં થઈ ગયાં હતાં. બન્નેની ડેડબૉડી હૉસ્પિટલે ગઈ કાલે મોડી રાતે પરિવારને સોંપીહતી અને મરીનલાઇન્સના ચંદનવાડીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

જ્યારે બિલ્ડિંગ ધ્રૂજવા માંડ્યું ત્યારે લોકો નીચે દોડી ગયા હતા. અમે પહેલા માળે રહીએ છીએ. લોકોએ મારી પત્ની અને દીકરાને પણ કહ્યું કે જલદીથી નીચે આવતાં રહો, પણ કલ્પેશે તેમને કહ્યું એ લોકો કપડાં બદલાવીને આવે છે. તેઓ કપડાં બદલવામાં રહ્યાં અને મકાન તૂટી પડ્યું.
- નાનજીભાઈ ફુરિયા

ભાનુશાલી બિલ્ડિંગ હોનારતમાં મરણાંક વધીને ૧૦

દક્ષિણ મુંબઈમા ફોર્ટ વિસ્તારમાં ગુરુવારે સાંજે ૪.૪૫ વાગ્યે તૂટી પડેલા ભાનુશાલી બિલ્ડિંગની હોનારતમાં શુક્રવાર સાંજ સુધીમાં કુલ ૧૦ જણનનાં મોત થયાં હતાં, જ્યારે બે જણ ગંભીર હોવાનું બીએમસીએ જણાવ્યું હતું. બન્ને ઘાયલોને જેજે હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. આ દુર્ઘટનાંમાં ૭ જણનાં મૃત્યુ ગુરુવાર મધરાત સુધીમાં થયાં હતાં.

પાલિકાએ જણાવ્યું હતું કે ‘મકાન રિપેર કરવાનું હોવાથી મ્હાડાએ એનો કેટલોક ભાગ ખાલી કરાવ્યો હતો. મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે કહ્યું કે ‘૨૦૧૯માં મ્હાડાએ ઇન્ટિમેશન ઑફ ડેવલપમેન્ટ (આઇઓડી) માટે અરજી કરી હતી જે પાલિકાએ મંજૂર કરી હતી. એ પછી મ્હાડાની જવાબદારી બને છે કે તેઓ મકાન ખાલી કરાવે અને એનું સમારકામ કરે. મ્હાડાએ કહ્યું કે મ્હાડાએ એ ભાગ ખાલી કરાવ્યો હતો, પણ પછી કોરોનાને કારણે કામ અટકી ગયું હતું. વળી જે ૧૨ ભાડૂતો ઘર ખાલી કરી ગયા હતા એમાંથી ૩ પરિવાર ફરી પાછા આવીને ત્યાં રહેવા માંડ્યા હતા.’

મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે ‘મકાન જર્જરિત થઈ ગયું હોવાથી પાલિકાએ એને સી-1 કૅટેગરીમાં મૂકી મકાન વપરાશ માટે જોખમી હોવાથી ખાલી કરવાની નોટિસ પણ આપી હતી.

મૃતકોની યાદી

પદ્‍મલાલ મેવાલાલ ગુપ્તા (૫૦ વર્ષ) , જ્યોત્સ્ના મેવાલાલા ગુપ્તા (૭૦ વર્ષ), કુસુમ પદ્‍મલાલ ગુપ્તા (૪૫ વર્ષ), શૈલેશ ભાલચંદ્ર કામ્ભુ (૨૦ વર્ષ), મણિબહેન નાનજી ફુરિયા (૬૫ વર્ષ), લલિત ચૌરસિયા (૩૫ વર્ષ), રિન્કુ ચૌરસિયા (૨૫ વર્ષ) ,કલ્પેશ ફુરિયા (૨૨ વર્ષ) અને બે અજાણી મહિલાઓ.


mumbai mumbai news fort brihanmumbai municipal corporation