પ્રિકૉશન પછી, માનવતા પહેલાં

09 August, 2020 07:07 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

પ્રિકૉશન પછી, માનવતા પહેલાં

મયૂર સોલંકી તેમના પરિવાર સાથે

મુંબઈમાં કોવિડ-19ના સતત વધી રહેલા કેસ વચ્ચે કોરોનાગ્રસ્ત દરદીઓ સાથે અમાનવીય વર્તન અને તેઓને સમાજમાં અલગ પાડી દેવાની ઘટનાઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે, પરંતુ સાઉથ મુંબઈના એક ગુજરાતી પરિવારે કોરોનાગ્રસ્ત દરદીના સીધા સંર્પકમાં આવીને ક્વૉરન્ટીનમાં રહેતા મેઘવાળ સમાજના પરિવારના ચાર સભ્યોને પોતાના ઘરે આશરો આપવાનું સરાહનીય કામ કર્યું છે. એક તરફ કોરોના મહામારીનો ભય અને બીજી તરફ સાઉથ મુંબઈમાં બુધવારે પડેલા મુશળધાર વરસાદને કારણે એક પ્રાઇવેટ બૅન્કના ઑફિસરના ઘરમાં દોઢ ફુટ જેટલાં પાણી ઘૂસી જતાં મુશ્કેલીમાં મુકાયેલા મયૂર સોલંકીના પરિવારના સભ્યોને તેની જ સોસાયટીમાં રહેતા અને બીએમસીના હેડક્વૉર્ટર્સમાં ઑડિટર તરીકે કામ કરતા સાગર મકવાણાના પરિવારે તેમના ઘરમાં ૧૦ મહિનાનું નાનું બાળક હોવા છતાં જમવા અને રાતવાસા માટે બોલાવીને કોરોનાગ્રસ્તોથી દૂર ભાગતા લોકોને એક નવી દિશા દેખાડી છે.

સાત રસ્તા પર આવેલી કસ્તુરબા હૉસ્પિટલ સામે આવેલા શાંતિનગર માં રહેતાં અને કોરોના સામે લડત લડી રહેલાં મયૂર સોલંકીનાં પત્ની માનસી સોલંકીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મુંબઈની બૅન્કમાં મારા પતિ ડેપ્યુટી મૅનેજરપદે પર કામ કરે છે. તેમની બૅન્કમાં આવેલા એક કસ્ટમરની કોરોના-ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. શુક્રવારથી તેમને પણ ગળામાં ઇન્ફેક્શન અને તાવ જેવું લાગતાં તેઓ નજીકમાં આવેલા અમારા અન્ય ઘરે સેલ્ફ-આઇસોલેટ થઈ ગયા હતા. સોમવારે તેમની ટેસ્ટનું રિઝલ્ટ પૉઝિટિવ આવતાં ત્યાંના રહેવાસીઓ પણ અનકમ્ફર્ટેબલ થવા લાગ્યા હતા એટલે તરત બે દિવસમાં જ તેઓ પોદ્દાર હૉસ્પિટલમાં ઍડ્મિટ થઈ ગયા હતા.’

અમારા પાડોશીએ કોરોનાકાળમાં દરેકને માનવતાનાં દર્શન કરાવ્યાં છે એમ કહેતાં માનસી સોલંકીએ કહ્યું કે ‘પતિ હૉસ્પિટલમાં ઍડ્મિટ થતાં અમે હાઈ-રિસ્ક પર હોવાથી હું, મારાં સિનિયર સિટિઝન સાસુ-સસરા, ચાર વર્ષનો દીકરો અમે બધાં હોમ-ક્વૉરન્ટીન છીએ. બુધવારે મુંબઈમાં મુશળધાર વરસાદને કારણે અમારા ઘરમાં દોઢ ફુટ અને ઘરની બહાર છાતી સમાણાં પાણી ભરાયાં હતાં. ઘરનો સામાન અમે બેડ પર મૂકી દીધો હતો. પાણી ઘૂસી જતાં અમે શું કરીએ અને કેવી રીતે રહીએ એ સમજાઈ રહ્યું નહોતું. આવી હાલત જોતાં અમારી ઉપર રહેતા સાગર મકવાણાનો પરિવાર અમારી મદદે આવ્યો હતો. તેમના ઘરમાં ૧૦ મહિનાની દીકરી હોવા છતાં તેઓ અમને તેમના ઘરે લઈ ગયા અને ખાવાની વ્યવસ્થા કરીને રાતવાસો પણ કરાવ્યો હતો. પોતાની ચિંતા કર્યા વગર તેમણે અમને માનવતાનાં દર્શન કરાવ્યાં હતાં.’

આવા સમયે મદદ કરવી જરૂરી છે. પ્રિકૉશન પહેલાં હ્યુમિનિટી જરૂરી છે એટલે અમે એ વિશે કંઈ વિચાર્યું નહીં. અમે ત્યાર બાદથી હોમ-ક્વૉરન્ટીન જ છીએ જેથી અન્ય કોઈને મુશ્કેલી ન આવે.
- સાગર મકવાણા

mumbai news mira road mumbai rains mumbai monsoon mumbai weather coronavirus covid19 lockdown preeti khuman-thakur